સીજેપીએ ફરીથી કેન્દ્ર સરકારને ચેતવણી આપી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવીદિલ્હી : કોકરોચ જનતા પાર્ટીના પ્રવક્તા સૌરભ દાસએ દાવો કર્યો છે કે, આસામ, પશ્ચિમ બંગાળ અને બિહાર સહિત કેટલાક રાજ્યોના વિદ્યાર્થીઓ તેમજ દેખાવકારોને હવે નિશાન બનાવવામાં આવે છે. એમની ધરપકડ થઈ રહી હોવાના સમાચાર આવી રહ્યા છે. દાસે કેન્દ્ર સરકારને તાત્કાલીક હસ્તક્ષેપ કરવા કહ્યું છે. સૌરભ દાસે એક નિવેદનમાં કહ્યું છે કે, પક્ષે દેશ વ્યાપી આંદોલન એટલા માટે જ સ્થગીત કર્યું હતું કે, કોઈપણ આંદોલનકારી વિરુદ્ધ વર્તમાનમાં કે ભવિષ્યમાં કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. વિવિધ રાજ્યોમાંથી જે સમાચાર આવી રહ્યા છે એ પ્રમાણે સરકાર આપેલા વચનનું પાલન નથી કરતી. સીજેપીની કાયદાકીય ટીમ પહેલા દિવસથી જ સક્રિય છે. સંબંધીત રાજ્યોના વકીલો સાથે અમે સંપર્કમાં છીએ. પકડાયેલા તમામને છોડાવવામાં આવશે. કેન્દ્ર સરકારને અમે ચેતવણી આપીએ છીએ કે, જો અમારી વાત માનવામાં નહીં આવે તો પછી જે થશે એ માટે અમે જવાબદાર રહીશું નહીં.
આમ આદમી પાર્ટી ઇથેનોલને મુદ્દે આંદોલન કરશે
નીટ પેપર લીકના મુદ્દે કોકરોચ જનતા પાર્ટીનું આંદોલન સફળ રહેવાથી હવે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ પણ એક નવા આંદોલનની શરૂઆત કરી રહ્યા છે. આ આંદોલન ઇથેનોલના મુદ્દે કરવામાં આવશે. પક્ષનું કહેવું છે કે જો સરકાર પોતાનો નિર્ણય પરત નહીં લે તો, મોટી સમસ્યા સરકારને થશે. આવતા અઠવાડિયે વડાપ્રધાનના ઘરે જઈને અરજી આપવામાં આવશે. અરવિંદ કેજરીવાલે સોશ્યલ મીડિયા પર લખ્યું છે કે દેશના યુવાનોએ એક થઈને વિરોધ કર્યો તો ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું પડયું છે. ઇ૨૦ બાબતે પણ આપણે વિરોધ કરવો જોઈએ. અમે 'નેશનલ ટાઉન હોલ અગેઇન્સ્ટ ઇ૨૦'નું આયોજન કરવાના છીએ. તમે આ આંદોલનમાં ભાગ લઈ શકો છો અથવા તો એમાં ઓનલાઇન પણ જોડાઈ શકો છો. વડાપ્રધાન મોદીને અમારી અપીલ છે કે, ઇ૨૦ પેટ્રોલની સમસ્યાનો ઉકેલ લાવો. લોકો ખૂબ હેરાન થઈ રહ્યા છે. ગાડીઓ ખરાબ થઈ રહી છે.
જંતર મંતર પર ખાવાનુ વહેચનારને ત્યાં પોલીસ પહોંચી
દિલ્હીના જંતર મંતર પર જ્યાં સુધી દેખાવો ચાલતા રહ્યા ત્યાં સુધી હાજર રહેલાઓને ભોજન અને પાણીની સગવડ આપનાર નાહલ ગામના રહેવાસી મોહમદ જુનેદ માલીક આજકાલ ચર્ચામાં છે. જુનેદના પિતાનો આક્ષેપ છે કે, ઉત્તર પ્રદેશની પોલીસ એમના કુટુંબીઓને પૂછપરછ કરવાને બહાને હેરાન કરી રહી છે. આ કારણે જુનેદની માતાની તબિયત બગડી ગઈ છે. કુટુંબનો આક્ષેપ છે કે પોલીસ એમના ઘરે ગઈ હતી અને પૂછપરછ કરીને દસ્તાવેજોની જાણકારી મેળવી હતી. પિતાના કહેવા પ્રમાણે એમનો પુત્ર પહેલેથી જ લોકોની સેવા કરે છે. કુટુંબીઓનું કહેવું છે કે, મુસ્તુફાને પોલીસ સ્ટેશને બોલાવીને આખો દિવસ પૂછપરછ કરવામાં આવી હતી. મેરઠ રહેતી જુનેદની બહેનના સાસરે પણ પોલીસ ગઈ હતી સસરાની પૂછપરછ કરી હતી. કેટલાકનું જોકે માનવું છે કે, આંદોલન દરમિયાન જુનેદે આંદોલનકારીઓને આટલા દિવસ દરમિયાન લગભગ ૩૦થી ૩૫ લાખ રૂપિયાનું ખાવાનું ખવડાવ્યું હતું. જુનેદ નાનકડી મોબાઇલ રીપેરીંગની દુકાન ચલાવે છે તો આટલા પૈસા કયાંથી લાવ્યો એની તપાસ પોલીસ કરી રહી છે.
'વિરોધ કરવા માટે બાળકોને જેલમાં મોકલવામાં આવે છે'
સુપ્રિમ કોર્ટના જસ્ટીસ ઉજ્જ્વલ ભૂયનએ કહ્યું હતું કે, ભારતમાં અલગ અલગ વિચારો માટેની જગ્યા ઓછી થઈ રહી છે. પરિસ્થિતિ એવી છે કે પોતાના અધિકારો માટે દેખાવો કરનાર વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવે છે અને એમને જામીન પણ મળતા નથી. જો જામીન મળી જાય છે તો એ માટેની શરતો એટલી કડક હોય છે કે જેને કારણે એમની આઝાદી છીનવાઈ જાય છે. જસ્ટીસ ભૂયનના નિવેદન પછી સોશ્યલ મીડિયા પર અલગ અલગ પ્રતિક્રિયા આવી રહી છે. કેટલાક એમની વાત સાથે સહમત થાય છે તો કેટલાક અસહમત. જસ્ટીસે જામીન નહીં આપવા બાબતે તેમજ જામીન અપાયા પછી લાગુ કરવામાં આવતી સેન્સરશીપ બાબતે ચિંતા વ્યક્ત કરી હતી.
યોગીને જંતર મંતર પરથી શીખ લેવા સલાહ
જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મંત્રી અને પીડીપીના નેતા મહબુબા મુફ્તીએ યોગી આદિત્યનાથને સંભળાવ્યું છે. સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન સાથે જોડાયેલી રામપુરની જૌહર યુનિવર્સિટીની ૩૮ બિલ્ડીંગો તોડવાના પ્રસ્તાવનો વિરોધ કરતા મુફ્તીએ કહ્યું હતું કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ જંતર મંતર પરથી શીખ લેવી જોઈએ. મુફ્તીએ સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા સોશ્યલ મીડિયા એક્સ પર લખ્યું હતું કે, જૌહર યુનિવર્સિટી જેવી શિક્ષણ સંસ્થાઓને નાબુદ કરવાનું કૃત્ય બદલાની ભાવના દેખાડે છે. એમણે જોવું જોઈએ કે દેશના યુવાનો કઈ રીતે નફરત અને ભાગલાના રાજકારણને નકારે છે. મુફ્તીની આ પોસ્ટ પર લોકોએ પ્રતિક્રિયા આપી છે. 'સાચુ કહ્યું, પરંતુ સાંપ્રદાયીકતાની ટીકા કોણ કરી રહ્યું છે એ તો જુઓ. જમ્મુ-કાશ્મીરની સૌથી વધુ કોમવાદી પાર્ટી !'
કેરળના મુખ્યમંત્રીએ કરેલા નિવેદનથી વિવાદ
આજકાલ સોશ્યલ મીડિયા પર કેરળના મુખ્યમંત્રી વીડી સતીશનની ટીકા થઈ રહી છે. મુખ્યમંત્રીને મહિલા વિરોધી કહેવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રીએ કરેલી એક ટીપ્પણી આ માટે જવાબદાર છે. એમણે હમણા જ માતાઓને સલાહ આપી હતી કે એમના પુત્રોની પત્નીઓને પરંપરાગત ખાણીપીણી શીખવવી જોઈએ. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પણ થોડા દિવસો પહેલા આવું જ નિવેદન કર્યું હતું. સતીશનએ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, 'મને કેટલીક માતાઓ માટે ફરિયાદ છે. કેટલીક પરંપરાગત રસોઈ બનાવવાની આવડત એમનામાં હોય છે જે બીજા કોઈમાં હોતી નથી. જોકે આવી રસોઈ બનાવવાની પદ્ધતિ તેઓ બાળકોને શીખવતી નથી. એમણે આવી રસોઈ બનાવતા પોતાના બાળકોને ક્યાં તો પુત્રની પત્નીઓને શીખવવું જોઈએ કે જેથી પછીની પેઢી પણ આવી રસોઈનો લાભ લઈ શકે.' કેટલાક ટીકાકારોનું કહેવું છે કે રસોઈ બનાવવાની જવાબદારી ફક્ત સ્ત્રીઓની નથી, પુરુષોએ પણ રસોઈ બનાવતા શીખવું જોઈએ.
'વિદ્યાર્થીઓ પર નહીં, હુમલો કરનારાઓ પર કાર્યવાહી કરો'
વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધીએ એક ગંભીર આક્ષેપ કર્યો છે. એમના કહેવા પ્રમાણે બિહારમાં વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સામે એકે-૪૭ રાઇફલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રાહુલે માંગણી કરી હતી કે વિદ્યાર્થીઓ પર હુમલો કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવે. રાહુલ ગાંધીની માંગણી હતી કે આ બાબતે નરેન્દ્ર મોદીએ રાજીનામું આપવું જોઈએ. ગાંધીનો આરોપ છે કે કેન્દ્ર સરકાર જૂઠી છે અને હવે સુધરી શકે એમ નથી. રાહુલ ગાંધીએ સોશ્યલ મીડિયા પર પણ આ બાબતે લખ્યું હતું. એમનો આક્ષેપ છે કે સંપૂર્ણ વ્યવસ્થા વિદ્યાર્થીઓની વિરુદ્ધ છે. બિહારમાં સેંકડો વિદ્યાર્થીઓની ધરપકડ કરીને એમની સામે એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. મોદીજી, વિદ્યાર્થીઓ સામે એફઆઇઆર નહીં દાખલ કરવામાં આવે એવું તમારું વચન ક્યાં ગયું?









