Delhi ni Vaat

'કમસે કમ પોતાના મહાપુરુષો પ્રત્યે તો વફાદાર રહો'

By GS Team
13 Sep 20264 mins read
TukuTouch Logo
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ગંગા-યમુનામાં પૂર આવતા અખિલેશ યાદવે ભાજપ પર કટાક્ષ કર્યો. તેમણે કહ્યું કે, અબજોના ખર્ચે બનેલા 'પ્રેરણા સ્થળ'નું નામ બદલી 'પ્રેરણા જલ સ્થળ' કરી દે. અહીં અટલ બિહારી વાજપેયી સહિતના મહાપુરુષોની પ્રતિમાઓ પાણીમાં ડૂબી ગઈ છે. કોંગ્રેસમાં IAS અધિકારી ડો. રાકેશ વર્મા સહિત ઘણા નેતાઓ જોડાયા.

Summarized by AI; it may make mistakes. Check important info

'કમસે કમ પોતાના મહાપુરુષો પ્રત્યે તો વફાદાર રહો'

નવી દિલ્હી : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ગંગા અને યમુના નદીમાં પુર આવ્યા છે. પુરની અસર શહેરના કેટલાક વિસ્તારો અને ઐતિહાસીક તેમજ પર્યટન સ્થળો ઉપર પણ દેખાઈ રહી છે. યમુના કિનારે બનેલા પ્રેરણા સ્થળ પુરમાં ડુબ્યુ છે અને એ બાબતે સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખીલેશ યાદવે ભાજપ પર કટાક્ષ કર્યો છે. અખીલેશ યાદવે સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે, 'નામ બદલનારાઓ માટે સોનેરી મોકો. અબજોના ખર્ચે બનેલા પ્રેરણા સ્થળનું નામ બદીલને 'પ્રેરણા જલ સ્થળ' કરી દે. ભ્રષ્ટાચારી ભાજપ વાળાઓને આગ્રહ છે કે કમસે કમ પોતાના મહાપુરુષો પ્રત્યે તો પ્રમાણીક રહે.'પ્રયાગરાજમાં પુરની સ્થિતિ ગંભીર થઈ રહી છે ત્યારે અખિલેશ યાદવે આ નિવેદન કર્યું છે. પ્રેરણા સ્થળમાં ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી, શ્યામા પ્રસાદ મુખર્જી અને અશોક સિંઘલની પ્રતિમાઓ મૂકવામાં આવી છે. પૂરમાં આ પ્રતિમાઓ ડુબી ગઈ છે.
ઉત્તર પ્રદેશમાં ઉલટી ગંગા, આઇએએસ કોંગ્રેસમાં જોડાયા
સામાન્ય રીતે સરકારી બાબુઓ સત્તાપક્ષમાં જોડાવા માટે નોકરી છોડે એવા કિસ્સા બન્યા છે. જોકે ઉત્તર પ્રદેશમાં હવે એક ઉલટી ગંગા જોવા મળી છે. વિધાનસભા ચૂંટણીની તૈયારીમાં લાગેલા કોંગ્રેસને બગાસુ ખાતા પતાસુ મળ્યું છે. આઇએએસ અધિકારી તરીકે નિવૃત્તી લેનાર ડો. રાકેશ વર્માની સાથે રીટાયર્ડ ડીઆઇજી કે કે ચૌધરી અને ભાજપ તેમજ સપાના નેતાઓએ કોંગ્રેસની કંઠી બાંધી છે. આ બધાની સાથે અભિનેત્રી ઝારા ખાનને ઉત્તર પ્રદેશ કોંગ્રેસ કમીટીના અધ્યક્ષ અજય રાયએ કોંગ્રેસના સભ્ય બનાવ્યા હતા. જાણીતા આઇએએસ અધિકારી ડો. રાકેશ વર્માએ રાજીનામુ આપીને બધાને આંચકો આપ્યો છે. ડો. રાકેશ થોડા દિવસો પહેલા દિલ્હી જઈને રાહુલ ગાંધીને મળ્યા હતા અને ત્યાર પછી કોંગ્રેસ સાથે જોડાવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
સંઘ પ્રમુખની ગુરુદ્વાર મુલાકાતનો બચાવ કરનાર શીખ વેપારીઓ કોણ છે
રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે લંડનમાં આવેલી ખાલ્સા જથા બ્રિટીશ આઇલ્સ ગુરુદ્વારની મુલાકાત લીધી હતી. આ મુલાકાત પછી લંડનના શીખ સમૂદાયમાં ચર્ચા શરૂ થઈ ગઈ હતી. ભાગવતની ગુરુદ્વાર મુલાકાત તેમજ એમની સાથે રહેલા બે શીખ વેપારીઓની ચર્ચા શીખ સમુદાયમાં થઈ હતી. ભાગવતની સાથે બ્રીટનના વેપારી અને સમાજ સેવક પીટર વીરદી અને રાજ્ય સભાના સાંસદ તેમજ વેપારી વિક્રમજીત સિંહ સાહની હતા. આ બંનેએ ભાગવતની મુલાકાતનો બચાવ કર્યો હતો. એમનું કહેવું હતું કે ગુરુદ્વાર બધા માટે ખુલ્લુ છે. ઇંગ્લેન્ડના બર્મીંગહામમાં જન્મેલા પીટર વીરદીનું મૂળ નામ હરદિપ સિંહ વીરદી છે. તેઓ યુકેમાં પ્રોપર્ટી ડેવલપર તરીકે કામ કરે છે. વિક્રમજીત સિંહ સહાની પદ્મશ્રીથી સન્માનીત છે અને શિક્ષણ શાસ્ત્રી ઉપરાંત સમાજ સેવક પણ છે.
૧૪૦ પુલ બનાવીને ગામડાઓને શહેર સાથે જોડનાર ગીરીશ ભારદ્વાજની વાત
'બ્રીજ મેન ઓફ ઇન્ડિયા' ગીરીશ ભારદ્વાજ માટે પુલ ફક્ત એક નદી પર બનાવવામાં આવેલો ઢાંચો નથી, પરંતુ બાળકોને સ્કૂલ સુધી પહોંચવા, બિમારોને હોસ્પિટલ જવા માટે અને ખેડૂતોને પોતાનો પાક બજાર સુધી પહોંચાડવાનો રસ્તો છે. કર્ણાટકના એન્જિનિયર ભારદ્વાજને 'બ્રીજ મેન ઓફ ઇન્ડિયા' કહેવામાં આવે છે. એમણે આખા ભારતમાં ૧૪૦ થી વધારે ઓછી કિંમતના સસ્પેન્સન ફ્રુટબ્રીજ બનાવ્યા છે. આમાના ઘણા પૂલ અંતરીયાળ ગામીણ વિસ્તારોમાં બનાવવામાં આવ્યા છે. આ વિસ્તારોમાં નદી અને ખરાબ રસ્તાઓ ગામડાઓને મૂખ્ય વિસ્તારથી અલગ કરી દેતા હતા. ભારત સરકારે ગ્રામીણ કનેક્ટીવીટી અને સમાજ સેવામાં ઉપયોગી યોગદાન આપવા માટે ગીરીશ ભારદ્વાજને ૨૦૧૭માં પદ્મશ્રી પુરસ્કાર પણ આપ્યો હતો. એમણે બનાવેલા પૂલોને કારણે કર્ણાટક, કેરળ અને બીજા રાજ્યોના લોકોને એકબીજા સાથે જોડયા છે.
લદ્દાખની મુખ્ય માંગણી નકારાઇ
કેન્દ્ર સરકારે લદ્દાખને રાજ્ય કે વિધાનસભાવાળું યુનીયન ટેરીટરી બનાવવાની માંગણી નકારી છે. ગૃહમંત્રાલયે લદ્દાખના નેતાઓને કહ્યું છે કે, આર્ટીકલ ૩૭૧ના ડ્રાફ્ટ પહેલા કેટલાક મુદ્દાઓ પર ફરીથી વિચાર કરીને સહમતી સાધવાની જરૂર છે. કેન્દ્ર અને લદ્દાખના નૈતૃત્વએ બધાને અનુરૂપ હોય એવા મોડલ પર કામ કરવા માટે સહમતી બનાવી છે. એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે પ્રસ્તાવીત વ્યવસ્થા લદ્દાખને રાજ્યનો દરજ્જો આપવા બરાબર નહીં હોય. દિલ્હી ખાતે ગૃહમંત્રાલયની સબ કમીટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે લદ્દાખના પ્રતિનિધિઓ અને કેન્દ્ર વચ્ચેની આગલી બેઠક ઓક્ટોબરમાં મળશે.
જોસેફ વિજયએ બળવાખોર ધારાસભ્યો પર જુગાર ખેલ્યો
કેન્દ્રીય ચૂંટણી કમિશનએ તામિલનાડુની બે વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણીની જાહેરાત કરી દીધી છે. ચૂંટણીની જાહેરાત પછી ટીવીકેએ મદુરતકમ અને ધારાપુરમ બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી છે. છેલ્લી ચૂંટણીમાં એઆઇએડીએમકે તરફથી જીતીને રાજીનામું આપનાર ધારાસભ્યોને વિજયએ મેદાનમાં ઉતાર્યા છે. ટીવીકે તરફથી મરાગઠમ કુમારવેલ અને પી સત્યભામા ઉમેદવાર છે. એઆઇએડીએમકે એ મદુરતકમ અને ધારાપુરમ બેઠકો પરથી ચૂંટણી જીતી હતી, પરંતુ બંને ધારાસભ્યો ત્યાર પછી પક્ષમાંથી રાજીનામું આપીને વિજયની પાર્ટીમાં જોડાયા હતા. આ બંને અનામત બેઠકો છે. વિજયે જાહેર કરેલા સંગઠન જસ્ટીસ વિક્ટ્રી એલાયન્સ માટે આ પહેલી પરીક્ષા છે. મદુરતકમ બેઠક એઆઇએડીએમકે એ જીતી હતી, પરંતુ ટીવીકેને ૬૨ હજાર મત મળ્યા હતા.
પૂણેમા ૧૨ દિવસની શરાબબંધીની હાઇકોર્ટે ઝાટકણી કાઢી
ગણેશ ઉત્સવને કારણે પૂણે જિલ્લાના સત્તાધિશોએ ૧૨ દિવસ સુધી દારૂના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે. બોમ્બે હાઇકોર્ટે આ પ્રતિબંધ બાબતે મહારાષ્ટ્ર સરકારની કડક ટીકા કરી છે. કોર્ટે આ પ્રતિબંધને સંપૂર્ણ રીતે તર્કહીન કહીને કોમેન્ટ કરી છે કે કોઈપણ તાર્કીક રીતે આ પ્રકારના હુકમ આપી શકાય નહીં.
લોકોને શાંતિથી એમનો તહેવાર મનાવવા દેવો જોઈએ. સરકાર ફક્ત એ આધારે નિર્ણય નહીં લઈ શકે કે દારૂ પીનાર દરેક વ્યક્તિ કાયદા વ્યવસ્થા માટે તકલીફ ઉભી કરશે. નિયમીત દારૂ પીનારાઓની તબિયત પણ આ કારણે બગડી શકે છે. જેમને દારૂની ટેવ હશે એમને સ્વાસ્થ્યની ગંભીર સમસ્યા ઉભી થઈ શકે છે જેને કારણે હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની ભીડ વધી શકે છે.