ભાજપના અન્ય નેતાની પુત્રી પણ સરકાર સામે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવીદિલ્હી: કોકરોચ જનતા પાર્ટીએ જ્યારે દિલ્હીના જંતર મંતર ખાતે આંદોલન કર્યું હતું ત્યારે ફક્ત વિરોધ પક્ષો જ નહીં, પરંતુ ભાજપના કેટલાક નેતાઓના બાળકોએ પણ આ આંદોલનને સમર્થન આપ્યું હતું. હવે ભાજપના બીજા એક નેતાની પુત્રી યશસ્વીની રાજે પણ ભાજપ સામે મેદાને પડી છે. યશસ્વીનીએ તો નવા નિમાયેલા શિક્ષણ મંત્રી વિરુદ્ધ નિવેદનો આપવાના શરૂ કર્યા છે. કન્ટેન્ટ ક્રિએટર યશસ્વીની રાજે ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કરી રહી છે. શિક્ષણ પ્રધાન પ્રહલાદ જોષીની નિમણૂકને યશસ્વીની ગંદી મજાક ગણે છે. યશસ્વીની ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ ભાજપ ધારાસભ્ય વિક્રમ સિંહની પુત્રી છે. યશસ્વીનીએ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામામાં વપરાયેલી ભાષાની ટીકા કરી છે. એમના કહેવા પ્રમાણે રાજીનામાના પત્રની ભાષા કોઈ એવી વ્યક્તિની નહોતી લાગતી જેને પોતાના કૃત્યનો પસ્તાવો હોય.
એમએલસી પદેથી રાજીનામું આપનાર દેવેશ કુમાર કોણ છે
ભાજપના સિનિયર નેતા દેવેશ કુમારએ એમએલસી તરીકે રાજીનામું આપવાની ચર્ચા આજકાલ બિહારમાં થઈ રહી છે. એમનો કાર્યકાળ ૨૦૨૭ની ૧૬મી માર્ચ સુધી હતો. જોકે એમણે એ પહેલા જ રાજીનામું આપી દીધું છે. એવી વાત છે કે એમની બેઠક રાષ્ટ્રીય લોક મોરચા (આરએલએમ)ના પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહાના પુત્ર અને હમણાના પંચાયત રાજ મંત્રી દિપક પ્રકાશને આપવામાં આવશે. દેવેશ કુમારનું કુટુંબ સ્વતંત્ર સેનાની છે. ભૂતપૂર્વ પત્રકાર દેવેશની પકડ સંગઠનમાં મજબૂત છે. ૨૦૨૨ના જુલાઈ મહિનામાં દેવેશ કુમાર પર બિહારમાં દારૂબંધીના કાયદાનો ભંગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. એક રોડ અકસ્માતના કિસ્સામાં પાટલી પુત્ર પોલીસ સ્ટેશને પહોંચેલા દેવેશ પર પોલીસે દારૂ પીવાનો આરોપ મૂક્યો હતો. એમના બ્લડ સેમ્પલમાં પણ દારૂ હોવાના પુરાવા મળ્યા હતા.
૧૭૬ વર્ષનામાં પહેલીવાર જીએસઆઇની કમાન મહિલાને
જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા (જીએસઆઇ)ના ૧૭૬ વર્ષના ઇતિહાસમાં પહેલી વખત કોઈ મહિલાને ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે. વર્ષા અશોક અગ્રવાલએ જીએસઆઇના ૫૪માં ડિરેક્ટર તરીકે કાર્યભાર સંભાળી લીધો છે. આ પદ પર બે વર્ષ સુધી રહેલા અસિત સાહાનું સ્થાન એમણે લીધું છે. પૌલીયંટોલોજીના નિષ્ણાંત વર્ષા અગ્રવાલને ભુસ્તરશાસ્ત્રના ક્ષેત્રમાં ૩૦ વર્ષથી વધુનો અનુભવ છે. ઇન્ડિયન બ્યુરો ઓફ માઇન્સ (આઇબીએમ)માં કામ કર્યા પછી ૧૯૯૨માં તેઓ જીએસઆઇ સાથે જોડાયા હતા. જીએસઆઇની ભાવી યોજનાઓમાં મહત્વપૂર્ણ ખનીજોની શોધ અને ખનીજોના રક્ષક માટેની પ્રાથમિકતા અગત્યના છે. દેશના પેટાળમાં છૂપાયેલા ખનીજો શોધવાના કામની જવાબદારી એમના શીરે છે. ખનીજ શોધ્યા પછી એના શુદ્ધીકરણ માટેની લેબોરેટરીઓ પણ એટલી જ અગત્યની છે.
બીએસપીમાં આકાશ આનંદની એન્ટ્રીની અસર
બહુજન સમાજ પાર્ટીના સુપ્રિમો માયાવતીના ભત્રીજા આકાશ આનંદે ઉત્તર પ્રદેશ ચૂંટણીમાં એન્ટ્રી મારતા આઝાદ સમાજ પાર્ટી (એએસપી)ના પ્રમુખ ચંદ્રશેખર આઝાદ સચેત થઈ ગયા છે. એમણે બીએસપીની માફક જ ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણી માટે ૪૫ ઉમેદવારો - પ્રભારીઓની પહેલી યાદી શુક્રવારે જાહેર કરી દીધી છે. મેરઠ જિલ્લાની ૩ બેઠકો સહિત પશ્ચિમ ઉત્તર પ્રદેશની આશરે ૨૨ બેઠકોના પ્રભારીઓ - ઉમેદવારોના નામનો સમાવેશ થાય છે. દલીત વોટબેન્ક કબજે કરવા માટે બીએસપી અને એએએસપી વચ્ચે સ્પર્ધા છે. દલીત જેન ઝીને પોતાની તરફ કરવા માટે બંને પક્ષો પ્રયત્ન કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં આવતે વર્ષે ફેબુ્રઆરી - માર્ચમાં સંભવીત વિધાનસભા ચૂંટણી માટે આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ)એ પહેલી યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં સામાજીક સમીકરણો ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. ૪૫ની યાદીમાં ૧૮ દલીત, ૧૬ ઓબીસી, ૧૦ મુસ્લિમ અને ૧ શીખ સમાજના નેતાનો સમાવેશ કરવામાં આવ્યો છે. પહેલી યાદીમાં એક પણ સવર્ણને સ્થાન આપવામાં આવ્યું નથી.
કેબિનેટની બેઠકમાં કિસાન સન્માન નિધિ પર મોટો નિર્ણય
કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાને વર્ષ ૨૦૩૦-૩૧ સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે. આ યોજના માટે ૩.૧૫ લાખ કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. ખેડૂતોના સફળ આંદોલન પછી સરકાર કોઈપણ હિસાબે ખેડૂતોના મત ગુમાવવા માંગતી નથી. કેન્દ્રિય મંત્રી અશ્વિની વૈષ્ણવએ કહેવું પડયું છે કે, ખેડૂતોની સમૃદ્ધિના આધારે જ દેશની સમૃદ્ધિ નક્કી થાય છે. આ યોજના ૨૦૧૯ના ફેબુ્રઆરી મહિનામાં શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ ખેડૂત કુટુંબોને દર વર્ષે ૬ હજાર રૂપિયાની સહાય ત્રણ સમાન હપ્તે આપવામાં આવે છે. એક અંદાજ પ્રમાણે અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં ૪.૪૩ લાખ કરોડ રૂપિયા જમા થઈ ગયા છે. આ યોજના ૨૦૩૦-૩૧ સુધી લંબાવવાથી ગ્રામીણ અર્થ વ્યવસ્થા વધુ મજબૂત બનશે.
ટ્રોલ થયેલા રાઘવ ચઢ્ઢાએ મૌન તોડયું
પેપર લીક મુદ્દે કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)ના પ્રદર્શન દરમિયાન ચૂપ રહેવાને કારણે રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢા ખૂબ ટ્રોલ થયા હતા. હવે એકાએક રાઘવ ચઢ્ઢાએ મૌન તોડયું છે અને સંસદમાં નિવેદન આપ્યું છે. આંદોલન સમાપ્ત થયાના પાંચમાં દિવસે રાજ્યસભામાં રાઘવે કહ્યું હતું કે, 'પહેલા હું વિરોધ પક્ષમાં હતો ત્યારે સવાલ પૂછતો હતો, આજે સત્તા પક્ષ તરફથી બોલી રહ્યો છું તો નિરાકરણ આપવાની મારી જવાબદારી છે.' આંદોલન દરમિયાન અને ત્યાર પછી યુવાનો સાથે વિરોધપક્ષના નેતાઓએ પણ રાઘવ ચઢ્ઢાની ટીકા કરી હતી. એમનું કહેવું હતું કે, લોકોના પ્રશ્નો ઉઠાવવાનો દાવો કરનાર ચઢ્ઢા આમ આદમી પાર્ટી છોડીને ભાજપ સાથે જોડાયા પછી ગાયબ થઈ ગયા છે. એમના મૌન બાબતે ઘણા મીમ્સ પણ બન્યા હતા. પ્રદર્શન સ્થળે એમની વિરુદ્ધ પોસ્ટરો પણ ચોંટાડવામાં આવ્યા હતા.
વાંગચૂકના પત્નીએ 'સેક્યુલર' શબ્દ બાબતે અગત્યની વાત કરી
બંધારણની પ્રસ્તાવનામાં 'સેક્યુલર' શબ્દનો ઉલ્લેખ છે. એના પર સામાજીક કાર્યકર્તા સોનમ વાંગચૂકના પત્ની ગીતાંજલી જે અંગમોનું નિવેદન ચર્ચામાં છે. એમનું કહેવું છે કે બંધારણમાં ભારતના 'સેક્યુલર' કહેવું એ રીતનું છે કે જે રીતે પાણીને ભીનુ કહેવું. 'સેક્યુલર' શબ્દ પશ્ચિમના દેશોમાંથી આવ્યો છે અને યુરોપમાં ચર્ચ અને દેશ વચ્ચે થયેલા ઝઘડાને કારણે પેદા થયો છે. આ શબ્દ ધાર્મિક વિવિધતાથી ભરેલા ભારતના ઐતિહાસીક દ્રષ્ટિકોણને સંપૂર્ણ રીતે ઉજાગર કરતો નથી. ભારતનો દ્રષ્ટિકોણ 'સર્વ ધર્મ સમભાવ' અથવા દરેક ધર્મ પ્રત્યે સન્માન જેવા વિચારોથી વધુ યોગ્ય રીતે સમજી શકાય છે. જંતર મંતર ખાતે થયેલા સીજેપીના આંદોલન વખતે ગીતાંજલી સતત હાજર રહ્યા હતા, પરંતુ પતિ સોનમ વાંગચૂક વતન પરત ફરતા ગીતાંજલી પણ એમની સાથે પરત ફર્યા છે.









