Delhi ni Vaat

અતિ ઉત્સાહી 117 જણએ મોદી-શહબાઝને પત્ર લખ્યો

By GS Team
2 Jul 20265 mins read
TukuTouch Logo
ભારત-પાકિસ્તાન સંબંધ સુધારવા 117 લોકોએ PM મોદી અને પાકિસ્તાનના PM શહબાઝ શરીફને પત્ર લખ્યો છે. તેમાં પૂર્વ અધિકારીઓ, સામાજિક કાર્યકરો અને રાજકીય વિશ્લેષકોનો સમાવેશ થાય છે. તેમણે ઝઘડાનો નહીં, પરંતુ વાતચીતનો રસ્તો પસંદ કરી દક્ષિણ એશિયામાં શાંતિ અને વિકાસનો માર્ગ મોકળો કરવા જણાવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અતિ ઉત્સાહી 117 જણએ મોદી-શહબાઝને પત્ર લખ્યો

નવીદિલ્હી : બધા જાણે છે એમ ભારત અને પાકિસ્તાન વચ્ચે કદી સુમેળભર્યા સંબંધો રહેવાના નથી. આમ છતા 'અમન કી આશા'નો નારો લગાવીને કેટલીક વ્યક્તિઓ વારંવાર ભાઈચારાની વાત કરતી રહે છે. હવે ભારત - પાકિસ્તાન વચ્ચે સંબંધ સુધારવા માટે બંને દેશોના અતિ ઉત્સાહી ૧૧૭ લોકોએ વડાપ્રધાન મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફને પત્ર લખ્યો છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, ઝઘડાનો નહીં, પરંતુ વાતચીતનો રસ્તો પસંદ કરો. જેને કારણે દક્ષિણ એશિયામાં શાંતિ અને વિકાસનો રસ્તો સાફ થાય. આ ૧૧૭ વ્યક્તિઓમાં ભૂતપૂર્વ અધિકારીઓ, સામાજીક કાર્યકરો અને રાજકીય વિશ્લેષકોનો સમાવેશ થાય છે. ભારત તરફથી જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ફારુખ અબ્દુલ્લા, મહેબુબા મુફ્તી અને આરજેડીના સાંસદ મનોજ ઝા સહિત ૬૧ લોકો આશાવાદી છે. પાકિસ્તાન તરફથી ભૂતપૂર્વ વિદેશ મંત્રી ખુરશીદ મહેમુદ કસુરી સહિત ૫૬ લોકો ઉત્સાહીત છે.
શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના અખબારે ભાજપની ધોલાઈ કરી
શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના મુખપત્ર સામનાએ ભારતીય જનતા પાર્ટી પર બરાબર આક્રમણ કર્યું છે. ભાજપની દેશભક્તિ અને હિન્દુત્વ ફક્ત દેખાડો હોવાનો આક્ષેપ અખબારે કર્યો છે. શિવસેના (ઉદ્ધવ ઠાકરે)એ આરોપ મૂક્યો છે કે, ભાજપનું વર્તન રાવણના વંશજો જેવું છે. ભાજપને ટોણો મારતા કહેવામાં આવ્યું છે કે, 'ભલે ભાજપ રાવણને વિલન માનતી હોય, પરંતુ હિન્દુ સમાજે યાદ રાખવું જોઈએ કે, રાવણ દંભી નહોતો. એણે ભાજપની માફક રામ મંદિરો કે દાનની ચોરી કરી નહોતી.' તંત્રી લેખમાં કહેવામાં આવ્યું છે કે ભગવાન રામના નામ પર થઈ રહેલી લૂંટ, દેશની જમીન પર ગેરકાયદેસર કબજો, લોકતંત્ર અને બંધારણને નબળુ પાડવાના બની રહેલા બનાવ જોઈને કોઈને દુ:ખ અને શરમ નથી થતા. જો આમ જ ચાલ્યું તો વિષ્ણનો ૧૩મો અવતાર પણ દેશને બચાવી નહીં શકે.'
દિલ્હીમાં આગઝરતી ગરમીને કારણે પશુ-પક્ષીઓ તકલીફમાં
દિલ્હી - એનસીઆરમાં ગરમી ઘટવાને બદલે વધી રહી છે. ગરમીની અસર ફક્ત માણસો પર નહીં, પરંતુ પક્ષીઓ અને વન્યજીવો પર પણ દેખાઈ રહી છે. હીટ સ્ટ્રોક, ડીહાઇડ્રેશન અને અપુરતા પાણીને કારણે મોટી સંખ્યામાં પક્ષીઓ અને બીજા જાનવરો બીમાર પડી રહ્યા છે. ગરમીને કારણે એમને ડાયેરિયા તેમજ લુ લાગવાની સમસ્યા થઈ રહી છે. જરૂરી ખોરાક પણ તેઓ લઈ શકતા નથી. કેટલાક પક્ષીઓ અને જનાવરો ટપોટપ મરી રહ્યા છે. ચિંતાની વાત એ છે કે કેટલાક પક્ષીઓ આકાશમા ઉડીને આશરો લઈ રહ્યા છે તો કેટલાક પોતાના માળામાં પાછા નથી ફરી રહ્યા. સૌથી વધુ અસર ગરુડ, કબુતર અને બીજા શહેરી પક્ષીઓ પર પડી રહી છે. પશુ-પક્ષી હોસ્પિટલમાં દરરોજ લોકો હીટ સ્ટ્રોકથી ઘાયલ પક્ષીઓને લઈને પહોંચી રહ્યા છે.
કમાલ અખ્તર સાથે અખિલેશ યાદવને શું વાંકુ પડયું
ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીના થોડા મહિના પહેલા વિધાનસભામાં સમાજવાદી પાર્ટીના ચીફ વ્હીપ એટલે કે મુખ્ય દંડક પદેથી ધારાસભ્ય કમાલ અખ્તરએ રાજીનામું આપી દીધું છે. કમાલ મુરાદાબાદની કાંઠ બેઠક પરથી ચૂંટાયા હતા. તેઓ સપાના સિનિયર નેતા અને અખિલેશ યાદવના ખાસ મનાતા હતા. રાજીનામાં બાબતે કમાલ અખ્તરનું કહેવું છે કે એમને રાજીનામું આપવાનો હુકમ અખિલેશ યાદવએ કર્યો હતો. સમાજવાદી પાર્ટીના સાંસદ રૂચી વિરા સાથે કમાલ અખ્તરને સમસ્યા થઈ હતી. ત્યાર પછી લખનૌમાં સપા હાઇકમાન્ડની બેઠક મળી હતી. એ વખતે અખિલેશ યાદવએ કમાલને રાજીનામું આપવા કહી દીધું હતું. આ પહેલા મનોજ પાંડે સમાજવાદી પાર્ટીના દંડક હતા જેમણે ક્રોસ વોટીંગ કરીને સપા છોડી દીધી હતી. હમણા તેઓ ભાજપ સરકારમાં મંત્રી છે.
કાશ્મીર ખીણમાં મટન ગાયબ
કાશ્મીર ખીણ પ્રદેશમાં મટનના વેપારીઓની હડતાળને કારણે બજારમાંથી મટન ગાયબ થઈ ગયું છે. આ સંકટ માટે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉંમર અબ્દુલ્લાએ ફરીથી પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને પત્ર લખ્યો છે. પંજાબ થઈને પસાર થતા વાહનો પાસેથી ખંડણી વસુલીને એમને હેરાન કરવામાં આવે છે જે બાબતે પગલાં લેવા માટે પંજાબના મુખ્યમંત્રીને કહેવામાં આવ્યું છે. ઉંમર અબ્દુલ્લાએ 'ઓલ કાશ્મીર હોલસેલ મટન ડીલર્સ યુનિયન'એ જે મુદ્દા ઉઠાવ્યા હતા એનો ઉલ્લેખ કર્યો છે. ખીણ વિસ્તારના મટન ડીલર્સનું કહેવું છે કે જ્યાં સુધી પંજાબમાંથી પસાર થતા વાહનો પાસેથી ગેરકાયદેસર ખંડણી બંધ નહીં થાય ત્યાં સુધી એમની હડતાળ ચાલુ રહેશે. કાશ્મીર ખીણની બહુમતિ વસ્તી બીન શાકાહારી છે જેને કારણે એમની સમસ્યા વધી રહી છે.
સોનમ રઘુવંશીના જામીન રદ કરવા સુપ્રિમમાં અરજી થશે
હમણા જે રીતે કેતન અગ્રવાલની હત્યાનો કિસ્સો ચકચારી બન્યો છે એ જ રીતે ગયા વર્ષે રાજા રઘુવંશીની હત્યાનો કિસ્સો પણ ખૂબ ચગ્યો હતો. રાજા રંઘુવંશી અને સોનમના લગ્ન ૨૦૨૫ની ૧૧મી મેએ ઇન્દોરમાં થયા હતા. બંને હનીમૂન મનાવવા માટે મેઘાલય ગયા હતા. એ વખતે સોનમએ એના પ્રેમી સાથે મળીને રાજાની હત્યા કરી હોવાની વાત બહાર આવી હતી. પોલીસે સોનમ રઘુવંશી એના પ્રેમી રાજ કુશવાહા અને બીજા ત્રણ મિત્રોની ધરપકડ કરી હતી. ૧૦ મહિના સુધી જેલમાં રહ્યા પછી સોનમને જામીન મળી ગયા હતા. મેઘાલય હાઇકોર્ટે પણ સોનમ રઘુવંશીના જામીન માન્ય રાખ્યા હતા. હવે રાજાના ભાઈ વિપીન રઘુવંશીએ કહ્યું છે કે જામીન રદ કરવા માટે તેઓ સુપ્રિમ કોર્ટમાં જશે. ધરપકડ વખતે પોલીસે કરેલી કેટલીક કાયદાકીય ભૂલોને કારણે સોનમને જામીન મળી ગયા હતા.
જંતર મંતર ખાતે ભૂખ હડતાળ પર બેઠેલા વાંગચૂકની તબીયત બગડી
નીટ પેપર લીકના વિરોધમાં કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)નું જંતર મંતર ખાતે ચાલી રહેલા આંદોલનના ૧૨માં દિવસે લદ્દાખના એક્ટીવીસ્ટ સોનમ વાંગચૂકની તબિયત બગડી છે. સીજેપીના ટેકામાં સોનમ વાંગચૂક ભૂખ હડતાળ પર બેઠા હતા. વાંગચૂકનું બ્લડ શુગર ઘટીને ૬૬ સુધી પહોંચી ગયું છે. વાંગચૂક ૨૮ જૂનથી ભૂખ હડતાળ કરી રહ્યા છે. એમને શિક્ષા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું જોઈએ છે. સીજેપીના સ્થાપક અભિજીત દિપકેનો આરોપ છે કે, જંતર મંતર ખાતે મોટી સંખ્યામાં પોલીસ મૂકવામાં આવી છે. સીજેપીના સમર્થકોને પ્રદર્શન સ્થળ પર જતા રોકવામાં આવે છે. કેટલાક લોકો પાસે ઓળખપત્ર નહીં હોવાને કારણે એમને ધરણા સ્થળે જવા દેવામાં આવતા નથી. લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવવા માટે સોનમ વાંગચૂકે આંદોલન કર્યું હતું ત્યારે એમણે ૧૭૦ દિવસ સુધી જોધપુરની જેલમાં રહેવું પડયું હતું.