Gujarat

સ્થાનિકોને નોકરીઓ નહી મળે તો, જે કરવુ પડે તે કરીશ: રાજેન્દ્રસિંહ ચાવડા

By GS Team
11 Oct 20182 mins read
This article was originally published on 11 Oct 2018
સ્થાનિકોને નોકરીઓ નહી મળે તો, જે કરવુ પડે તે કરીશ: રાજેન્દ્રસિંહ ચાવડા

હિંમતનગર,તા. 11 ઓકટોબર 2018, ગુરુવાર

હુમલાઓ થતાં પરપ્રાંતીયો પર ગુજરાત છોડી જઇ રહ્યા છે તે મુદ્દો દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

BJP સરકારે તો ઠાકોરસેના પર આંગળી ચિંધી છે પણ ખુદ BJPના હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાએ પ્રાંતવાદનું ઝેર ઓક્યુ છે જેમાં તેઓ સ્પષ્ટ કહેતાં જણાયાં છકે, ફેક્ટરીઓમાં સ્થાનિકોને નોકરીઓ નહી મળે તો જે કરવુ પડે તે કરીશ.

આ વિડીયો વાયરલ થતા ઠાકોરો-કોંગ્રેસને ભાવતુ રાજકીય ભાથું મળ્યુ છે. સોશિયલ મિડીયામાં વિડીયો વાયરલ થતા BJPની મુશ્કેલી વધી, ઠાકોરો-કોંગ્રેસને ભાવતુ ભાથું મળ્યું

ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા વિડીયોમાં એવુ કહેતાં નજરે પડે છેકે, આ માનવીય સંવેદનાની વાત છે. બીજી વાત યુવાનોની હતી.

ફેક્ટરીઓમાં પરપ્રાંતીયો લોકો છે. પણ હમણાં જ અમારા વિજયભાઇએ જાહેર કર્યું છેકે, કોઇ ફેક્ટરીઓમાં 80 ટકા સ્થાનિકો નહી હોય તો નહી ચલાવી લેવાય.

હું અત્યારે સર્વે કરાવુ છું. કેટલાં સ્થાનિકો છે અને કેટલાં પરપ્રાંતિયો, જો પરપ્રાંતિયો હશે તો,હું જાહેરમાં જવાબદારી લઉં છું.૫૦ ગામોના લોકો અહીં હાજર છે.

આ ગામના લોકોની હાજરીમાં કહુ છુંકે, 80 ટકા સ્થાનિકોને રોજગારી નહી મળે તો, જે કરવુ પડે તે કરીશ.આંદોલન કરવુ પડે તો તે પણ કરીશ.સ્થાનિકોને રોજગારી નહી મળે અમે ચલાવી લેવા માંગતા નથી.

ઠાકોર સેના-કોંગ્રેસ પર આક્ષેપ કરનાર BJPના જ ધારાસભ્ય પ્રાંતવાદનુ ઝેર ઓકી રહ્યાં છે તેવો આક્ષેપ કરતાં કોંગ્રેસ પ્રવક્તા ડૉ.મનિષ દોશીએ જણાવ્યું કે, રોજગારી આપવામાં નિષ્ફળ સરકાર હવે ગુજરાતમાં અંદરોઅંદર ઝઘડાવવા માંગે છે.

જો સરકારની નિયત સાફ હોય તો, આ ધારાસભ્ય સામે પગલાં લેવા જોઇએ. OBC એકતા મંચના ઉપાધ્યક્ષ મુકેશ ભરવાડે ચિમકી ઉચ્ચારી છેકે, દેશમાં પ્રાંતવાદ થકી જાતિ-જાતિમાં વેરઝેર ફેલાવવા BJP-RSSનું કાવતરુ છે.

સરકાર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાની અટકાયત કરે. જો સરકાર ૭૨ કલાકમાં પગલાં નહી ભરે તો, OBC એકતા મંચ સાયબરસેલમાં BJPના ધારાસભ્ય વિરુધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવશે.