VIDEO| ગુજરાતમાં કાળમુખો શનિવાર: ડાંગ અને બનાસકાંઠા સહિત 5 જિલ્લામાં ગમખ્વાર અકસ્માતો, 7 લોકોના મોત, 5 ઈજાગ્રસ્ત!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Road Accident: ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં માર્ગ અકસ્માતોના અલગ-અલગ બનાવમાં 7 લોકોના મોત થયા છે, જ્યારે 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમાં ડાંગના આહ્વા-વઘઈ માર્ગ પર પૂરપાટ ઝડપે દોડતી કાર રેલિંગ તોડીને સીધી ખાપરી નદીમાં ખાબકતા બે યુવકોના કરુણ મોત નિપજ્યા છે, તો બીજી તરફ બનાસકાંઠા, જામનગર, સુરેન્દ્રનગર અને દ્વારકા સહિતના પંથકોમાં પણ બેકાબૂ વાહનો અને સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવવાની ઘટનાઓમાં 5નો જીવ ગયો છે. જ્યારે પંચમહાલના શહેરાના બાહી ગામે તળાવમાંથી યુવકનો મૃતદેહ મળતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ડાંગ: આહ્વા-વઘઈ માર્ગ પર બેકાબૂ કાર રેલિંગ તોડીને સીધી ખાપરી નદીમાં ખાબકી, 2ના મોત, 1 ગંભીર
ડાંગ જિલ્લાના આહવા-વઘઈ માર્ગ પર શનિવારે(10 ઑક્ટોબર) વહેલી સવારે પૂરપાટ ઝડપે જઈ રહેલી કારના ચાલકે કાબૂ ગુમાવતા રસ્તા પરની રેલિંગ તોડીને સીધી ખાપરી નદીમાં ખાબકી હતી. આ અકસ્માતમાં કારમાં સવાર ત્રણ લોકો પૈકી બે વ્યક્તિના ઘટનાસ્થળે જ દર્દનાક મોત થયા હતા, જ્યારે એકને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે નજીકની હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતને પગલે સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચીને ક્રેનની મદદથી કારને નદીમાંથી બહાર કાઢી હતી અને મૃતદેહને પીએમ અર્થે હૉસ્પિટલ લઈ જવાયા છે.
બનાસકાંઠા: બાઇક સાથે કારની ગંભીર ટક્કરમાં 2ના મોત
બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના ઘાટા કપાસિયા રોડ પર બાઇક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં બાઇક પર સવાર બે વ્યક્તિના મોત નીપજ્યા છે. બાઇકને જોરદાર ટક્કર મારનાર કારચાલકની પોલીસે અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગર: ખાનગી બસ સાથે કારની ટક્કરથી 1નું મોત, ત્રણ ઈજાગ્રસ્ત
જામનગર શહેરના નૂરી ચોકડી વિસ્તારમાં આવેલી ઇદ્રસપીરની દરગાહ પાસે 9 ઑક્ટોબરની રાત્રે થાર ગાડીએ કારને ટક્કર મારતાં કાર ભયાનક રીતે ખાનગી બસ સાથે અથડાઈ હતી. આ બનાવમાં કારમાં સવાર અફઝલ રહીમભાઇ ચાવડા નામના યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ લોકો ઇજાગ્રસ્ત થતાં તેઓને સારવાર માટે સરકારી જી.જી.હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર મામલે સિટી-એ ડિવિઝન પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ આદરી છે.
સુરેન્દ્રનગર: સાયલા-ચોટીલા હાઇવે પર કાર-બાઇક વચ્ચે જોરદાર ટક્કરથી 1નું મોત, 1ને ગંભીર ઈજા
સુરેન્દ્રનગરના સાયલા–ચોટીલા હાઇવે પર કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં એક યુવકનું મોત નીપજ્યું છે, એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે. ઘટના એમ છે કે, ગત 9 ઑક્ટોબરની મોડીરાત્રે મોર્ડન સ્કૂલ નજીક બાયડ ગામના સુરેનશ સોલંકી તેમના મિત્ર સાથે ચોટીલા તરફ રહ્યા હતા, ત્યારે અકસ્માત સર્જાયો હતો. જેમાં સુરેશ સોલંકીનું મોત નીપજ્યું છે અને એકને યુવક ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે સાયલા સરકારી હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જો કે, વધુ સારવાર માટે યુવકને સુરેન્દ્રનગરે રીફ કરવામાં આવ્યો છે. ઘટનામાં મૃતક યુવકના મૃતદેહને પીએમ અર્થે ખસેડી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દ્વારકા: બાઇકચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા ડિવાઈડર સાથે અથડાયો, ઘટનાસ્થળે મોત
ભોગાત ગામ તરફથી દ્વારકા જતા સમયે ઓખા મઢી ટોલ પ્લાઝા નજીક બાઇકચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા ડિવાઇડર સાથે અથડાયો હતો. આ બનાવમાં બાઇકચાલકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે.
પંચમહાલ: શહેરાના બાહી ગામે તળાવમાંથી યુવકનો મૃતદેહ મળ્યો
પંચમહાલના શહેરા તાલુકાના બાહી તળાવમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. ગામના તળાવમાં મૃતદેહ તરતો દેખાતા સ્થાનિકોએ સરપંચને જાણ કર્યા બાદ સ્થાનિક પોલીસને માહિતગાર કરવામાં આવ્યા હતા. ઘટનાને પગલે શહેરા પોલીસે બાહી ગામના તળાવ પાસે પહોંચી યુવકના મૃતદેહને તળાવમાંથી કાઢ્યો હતો અને મૃતદેહને ગોધરા કોલ્ડ રૂમમાં મૂકવાની કાર્યવાહી હાથ ધરી છે. યુવક ક્યાંનો છે અને કોણ છે, તેમજ હત્યા છે કે આત્મહત્યા તે દિશામાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.





