Daily Current Affairs

ભારતીય સેનાની ‘આશ્વસ્ત’ લેબોરેટરી, ડ્રોનના સોફ્ટવેર-ફર્મવેરમાં છુપાયેલા જોખમોની થશે તપાસ

By GS Team
8 Sep 20262 mins read
TukuTouch Logo
ભારતીય સેનાએ નવી દિલ્હીમાં DG EME મુખ્યાલય ખાતે 'આશ્વસ્ત' સોફ્ટવેર પ્રયોગશાળા શરૂ કરી છે. આ લેબ લશ્કરી ડ્રોન અને ઇલેક્ટ્રોનિક સંરક્ષણ પ્રણાલીઓમાં છુપાયેલા સોફ્ટવેર જોખમો, અનધિકૃત ઘટકો અને સુરક્ષા ખામીઓ શોધશે. તે ડ્રોનના ફર્મવેર અને સંબંધિત ઇલેક્ટ્રોનિક ઘટકોની તપાસ કરશે, જેમાં બેકડોર્સ અને અનધિકૃત ફેરફારો શોધવામાં આવશે. આ પહેલ 'આત્મનિર્ભર ભારત' માટે મહત્વપૂર્ણ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારતીય સેનાની ‘આશ્વસ્ત’ લેબોરેટરી, ડ્રોનના સોફ્ટવેર-ફર્મવેરમાં છુપાયેલા જોખમોની થશે તપાસ

ભારતીય સેનાએ નવી દિલ્હીના ડિરેક્ટોરેટ જનરલ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એંડ મિકેનિકલ એન્જિનિયરિંગ (DG EME) મુખ્યાલય ખાતે ‘આશ્વસ્ત’ નામની સોફ્ટવેર વિશ્લેષણ અને વેલિડેશન પ્રયોગશાળા સ્થાપી છે. આશ્વસ્ત નું પૂર્ણ સ્વરૂપ Assessment and Analysis of Electronic Systems Hardware for Vulnerabilities and Security Threats (AASHVAST) છે. આ પ્રયોગશાળાનો મુખ્ય હેતુ લશ્કરી ડ્રોન અને અન્ય ઇલેક્ટ્રોનિક સંરક્ષણ પ્રણાલીઓમાં છુપાયેલા સોફ્ટવેર જોખમો, અનધિકૃત ઘટકો અને સુરક્ષા ખામીઓ શોધવાનો છે.

આ પ્રયોગશાળા ખાસ કરીને ડ્રોનના ફર્મવેર અને સંબંધિત ઇલેક્ટ્રોનિક ઘટકોની તપાસ કરે છે અને તપાસ દરમિયાન નીચેના જોખમો શોધવામાં આવે છે:

  • છુપાયેલા બેકડોર્સ 
  • એમ્બેડેડ ઓળખપત્રો એટલે કે સિસ્ટમમાં છુપાયેલા ઓળખપત્રો
  • ડ્રોનની ઉડાન મર્યાદામાં અનધિકૃત ફેરફાર
  • છુપાયેલા રિમોટ-એક્સેસ ટૂલ્સ
  • ગુપ્ત આદેશ પાથ
  • અનધિકૃત ચિપ્સ અને અન્ય હાર્ડવેર ઘટકો

પ્રયોગશાળાની તકનીકી વિશેષતાઓ

1. એર-ગેપ્ડ સિસ્ટમ
આશ્વસ્ત સંપૂર્ણપણે એર-ગેપ્ડ પ્રણાલી તરીકે કાર્ય કરે છે. એટલે કે તે ઇન્ટરનેટ સહિત કોઈપણ બાહ્ય નેટવર્ક સાથે જોડાયેલી નથી. આ વ્યવસ્થા બાહ્ય સાયબર જોખમોને ઘટાડે છે.

2. રીડ ઓન્લી એન્વાયરમેન્ટ
પ્રયોગશાળા રીડ ઓન્લી એન્વાયરમેન્ટમાં કાર્ય કરે છે. એટલે પરીક્ષણ હેઠળના સંરક્ષણ સાધનના હાર્ડવેરમાં બહારથી ડેટા લખી કે તેમાં ફેરફાર કરી શકાતો નથી.

3. ફર્મવેરની તપાસ
ડ્રોનનું ફર્મવેર હાર્ડવેરની વિવિધ કામગીરીને નિયંત્રિત કરતું એમ્બેડેડ સોફ્ટવેર છે. આશ્વસ્ત તેની સુરક્ષા અને વિશ્વસનીયતાની તપાસ કરે છે.

4. સોફ્ટવેર અપડેટની ચકાસણી
સંરક્ષણ પ્રણાલી માત્ર ઉત્પાદક દ્વારા મંજૂર કરાયેલા સોફ્ટવેર અપડેટ જ સ્વીકારે છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવે છે.

5. જીપીએસ સ્પુફિંગ અને જામિંગની ચકાસણી
ડ્રોન જીપીએસ સ્પુફિંગ અને જીપીએસ જામિંગ જેવી ઇલેક્ટ્રોનિક યુદ્ધ પદ્ધતિઓ સામે કેવી રીતે પ્રતિસાદ આપે છે તેનું પણ મૂલ્યાંકન કરી શકાય છે.

સંરક્ષણ ક્ષેત્રમાં આશ્વસ્તનું મહત્વ

આધુનિક યુદ્ધમાં ડ્રોન અને ઇલેક્ટ્રોનિક પ્રણાલીઓનું મહત્વ ઝડપથી વધી રહ્યું છે. તેથી માત્ર હાર્ડવેરની ગુણવત્તા પૂરતી નથી, પરંતુ તેમાં રહેલા સોફ્ટવેર, ફર્મવેર અને કમ્યુનિકેશન સિસ્ટમ્સની સુરક્ષા પણ જરૂરી છે સાથે આ પહેલ ‘આત્મનિર્ભર ભારત’ના સંરક્ષણ ક્ષેત્રમાં સ્વદેશી તકનીકી ક્ષમતા વિકસાવવાના પ્રયાસો સાથે પણ સુસંગત છે.

પરીક્ષાલક્ષી પ્રશ્ન
પ્રશ્ન 1: ભારતીય સેનાએ ‘આશ્વસ્ત’ પ્રયોગશાળા કયા હેતુથી સ્થાપી છે?

(A) નવા ડ્રોનનું ઉત્પાદન કરવા
(B) લશ્કરી ડ્રોન અને ઇલેક્ટ્રોનિક સંરક્ષણ પ્રણાલીઓમાં રહેલા સોફ્ટવેર જોખમો અને સુરક્ષા ખામીઓ શોધવા
(C) સૈનિકોને ડ્રોન ઉડાવવાની તાલીમ આપવા
(D) માત્ર ઉપગ્રહોના પ્રક્ષેપણ માટે