Daily Current Affairs

GFCI 40: ગિફ્ટ સિટી વૈશ્વિક નાણાકીય કેન્દ્રોમાં 37મા ક્રમે, 9 સ્થાનનો સુધારો

By GS Team
17 Sep 20262 mins read
TukuTouch Logo
સપ્ટેમ્બર 2026ના ગ્લોબલ ફાઇનાન્સિયલ સેન્ટર્સ ઇન્ડેક્સ 40 (GFCI 40)માં ગુજરાતની ગિફ્ટ સિટીએ 9 સ્થાનનો સુધારો કરીને વૈશ્વિક સ્તરે 37મું સ્થાન મેળવી નાણાકીય કેન્દ્ર તરીકેની સ્થિતિ મજબૂત કરી છે. ફિનટેક ક્ષેત્રમાં પણ ગિફ્ટ સિટી 26મા ક્રમે પહોંચી છે. આ સિવાય, એશિયા-પેસિફિક ક્ષેત્રના ટોચના 15 નાણાકીય કેન્દ્રોમાં ગિફ્ટ સિટી એકમાત્ર ભારતીય કેન્દ્ર છે.

Summarized by AI; it may make mistakes. Check important info

GFCI 40:  ગિફ્ટ સિટી વૈશ્વિક નાણાકીય કેન્દ્રોમાં 37મા ક્રમે, 9 સ્થાનનો સુધારો

સપ્ટેમ્બર 2026માં જાહેર થયેલા ગ્લોબલ ફાઇનાન્સિયલ સેન્ટર્સ ઇન્ડેક્સ 40 (GFCI 40)માં ગુજરાતની ગિફ્ટ સિટીએ વૈશ્વિક નાણાકીય કેન્દ્ર તરીકે પોતાની સ્થિતિ વધુ મજબૂત કરી છે. ગિફ્ટ સિટી વૈશ્વિક સ્તરે 37મા ક્રમે પહોંચી છે, જે અગાઉના GFCI 39માં રહેલા 46મા સ્થાન કરતાં 9 સ્થાનનો સુધારો છે. ભારતના અન્ય નાણાકીય કેન્દ્ર મુંબઈનું સ્થાન પણ 52માંથી સુધરીને 49મું થયું છે.

ગ્લોબલ ફાઇનાન્સિયલ સેન્ટર્સ ઇન્ડેક્સ (GFCI)

ગ્લોબલ ફાઇનાન્સિયલ સેન્ટર્સ ઇન્ડેક્સ વિશ્વના વિવિધ નાણાકીય કેન્દ્રોની સ્પર્ધાત્મકતા અને ક્ષમતાનું મૂલ્યાંકન કરતો વૈશ્વિક સૂચકાંક છે. તેમાં નાણાકીય કેન્દ્રોને વ્યવસાયિક વાતાવરણ, માનવ મૂડી, માળખાકીય સુવિધાઓ, નાણાકીય ક્ષેત્રના વિકાસ અને પ્રતિષ્ઠા જેવા પરિબળોના આધારે આંકવામાં આવે છે.

આ ઇન્ડેક્સ લંડનસ્થિત થિંક ટેન્ક ઝેડ/યેન પાર્ટનર્સ અને ચાઇના ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સંયુક્ત રીતે બહાર પાડવામાં આવે છે. 

 એશિયા-પેસિફિક ક્ષેત્રમાં ગિફ્ટ સિટી

GFCI 40માં ગિફ્ટ સિટીનો સમાવેશ એશિયા-પેસિફિક ક્ષેત્રના ટોચના 15 નાણાકીય કેન્દ્રોમાં થયો છે. આ યાદીમાં ગિફ્ટ સિટી એકમાત્ર ભારતીય નાણાકીય કેન્દ્ર છે.

આ ઉપરાંત, આગામી 2થી 3 વર્ષ દરમિયાન વધુ મહત્વ પ્રાપ્ત કરી શકે તેવા વિશ્વના 15 નાણાકીય કેન્દ્રોમાં પણ ગિફ્ટ સિટીનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

ફિનટેક ક્ષેત્રમાં ગિફ્ટ સિટી

ગિફ્ટ સિટીએ માત્ર એકંદર નાણાકીય કેન્દ્ર તરીકે જ નહીં, પરંતુ ફિનટેક ક્ષેત્રમાં 26મું સ્થાન પ્રાપ્ત કરીને સુધારો કર્યો છે. GFCIનું ફિનટેક મૂલ્યાંકન નાણાકીય ટેક્નોલોજી, નાણાં સુધીની પહોંચ, કુશળ માનવબળ, નિયમનકારી વાતાવરણ અને ICT માળખા જેવા પરિબળો સાથે સંબંધિત છે.

GIFT City અને IFSCAનું જોડાણ

ગિફ્ટ સિટીમાં આવેલ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસિસ સેન્ટર (IFSC) માટે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસિસ સેન્ટર્સ ઓથોરિટી (IFSCA) વૈધાનિક નિયમનકારી સંસ્થા તરીકે કાર્ય કરે છે.

IFSCAનું મુખ્ય કાર્ય ભારતમાં આવેલા IFSCમાં નાણાકીય સેવાઓનું નિયમન અને વિકાસ કરવાનું છે. GIFT IFSC દ્વારા આંતરરાષ્ટ્રીય નાણાકીય પ્રવૃત્તિઓ અને સરહદપાર નાણાકીય વ્યવહારો માટેનું પર્યાવરણ વિકસાવવામાં આવે છે.

પરીક્ષાલક્ષી પ્રશ્ન
પ્રશ્ન 1. નીચેના નિવેદનો ધ્યાનમાં લો:

1. ગિફ્ટ સિટી એશિયા-પેસિફિક ક્ષેત્રના GFCIના ટોચના 15 નાણાકીય કેન્દ્રોમાં સામેલ છે.
2.આ યાદીમાં ગિફ્ટ સિટી એકમાત્ર ભારતીય નાણાકીય કેન્દ્ર છે.
3.ગિફ્ટ સિટીને ફિનટેક ક્ષેત્રમાં 26મું સ્થાન મળ્યું છે.

ઉપરોક્ત પૈકી કયાં નિવેદનો સાચાં છે?

(A) માત્ર 1 અને 2
(B) માત્ર 2 અને 3
(C) માત્ર 1 અને 3
(D) 1, 2 અને 3