Daily Current Affairs

ભારતનું ચૂંટણી પંચ: અનુચ્છેદ 324 હેઠળની બંધારણીય સંસ્થા, રચના, સત્તા અને દૂર કરવાની પ્રક્રિયા

By GS Team
26 Sep 20264 mins read
TukuTouch Logo
ભારતનું ચૂંટણી પંચ, નવી દિલ્હી સ્થિત બંધારણીય સંસ્થા, દેશમાં મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીઓ યોજવા જવાબદાર છે. અનુચ્છેદ 324 હેઠળ સંસદ, રાજ્ય વિધાનમંડળો, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીઓનું દેખરેખ, દિશા-નિર્દેશન અને નિયંત્રણ કરવાની સત્તા ધરાવે છે. હાલ 1 મુખ્ય ચૂંટણી કમિશનર અને 2 અન્ય ચૂંટણી કમિશનર છે, જેમને રાષ્ટ્રપતિ પસંદગી સમિતિની ભલામણથી નિયુક્ત કરે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારતનું ચૂંટણી પંચ: અનુચ્છેદ 324 હેઠળની બંધારણીય સંસ્થા, રચના, સત્તા અને દૂર કરવાની પ્રક્રિયા

ભારતનું ચૂંટણી પંચ ભારતના બંધારણ હેઠળ સ્થાપિત એક કાયમી અને સ્વાયત્ત સંસ્થા બંધારણીય સંસ્થા છે, જે દેશમાં મુક્ત, નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણીઓ યોજવાની જવાબદારી ધરાવે છે. ચૂંટણી પંચનું મુખ્ય મથક નવી દિલ્હી ખાતે આવેલ છે. 

મુખ્ય બંધારણીય જોગવાઈઓ અને સંગઠન

  • અનુચ્છેદ 324  હેઠળ સંસદ, રાજ્ય વિધાનમંડળો, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીઓનું દેખરેખ, દિશા-નિર્દેશન અને નિયંત્રણ કરવાની સત્તા ચૂંટણી પંચ પાસે છે.
  • રચના: પંચમાં એક મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) અને રાષ્ટ્રપતિ દ્વારા નક્કી કરવામાં આવે તેટલી સંખ્યામાં અન્ય ચૂંટણી કમિશનરો (ECs) હોય છે. વર્તમાનમાં, પંચમાં 1 CEC અને 2 ECs સમાવિષ્ટ છે.
  • નિર્ણય પ્રક્રિયા: નિર્ણય સર્વસંમતિથી અથવા CEC અને ECs વચ્ચેના બહુમતી મત દ્વારા લેવામાં આવે છે.

નિમણૂક  પ્રક્રિયા

રાષ્ટ્રપતિ દ્વારા એક પસંદગી સમિતિ (Selection Committee) ની ભલામણના આધારે CEC અને ECs ની નિમણૂક કરવામાં આવે છે. આ પસંદગી સમિતિમાં વડાપ્રધાન (PM), વડાપ્રધાન દ્વારા નામાંકિત કેબિનેટ મંત્રી અને લોકસભાના વિપક્ષી નેતા (LoP) નો સમાવેશ થાય છે.

સેવા શરતો અને કાયદો

 CEC અને અન્ય ચૂંટણી કમિશનર (નિમણૂક, સેવાની શરતો અને કાર્યકાળ) અધિનિયમ, 2023 હેઠળ તેમની જોગવાઈઓ નક્કી થાય છે. આ કાયદાએ 1991 ના જૂના કાયદાનું સ્થાન લીધું છે. આ સિવાય દરજ્જો, પગાર અને ભથ્થાં સુપ્રીમ કોર્ટ (SC) ના ન્યાયાધીશની સમકક્ષ મળે છે. 

કાર્યકાળ અને હોદ્દા પરથી દૂર કરવા અંગે (Removal Procedure)

ચૂંટણી કમિશનરોનો કાર્યકાળ 6 વર્ષ અથવા 65 વર્ષની ઉંમર (જે પણ વહેલું હોય તે) સુધીનો હોય છે. CEC અને ECs ને દૂર કરવાની પ્રોસેસ નીચે મુજબ થાય છે: 

  • CEC ને દૂર કરવા: અનુચ્છેદ 324 અનુસાર, મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) ને સુપ્રીમ કોર્ટના જજની જેમ જ અને તે જ આધારો પર (સિદ્ધ થયેલ ગેરવર્તણૂક અથવા અક્ષમતા - proved misbehaviour or incapacity) પદ પરથી હટાવી શકાય છે.
cec_removal_full_procedure (1).png
  • અન્ય ECs ને દૂર કરવા: અન્ય ચૂંટણી કમિશનરો (ECs) ને મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) ની ભલામણ પર જ પદ પરથી હટાવી શકાય છે.

ભારતીય ચૂંટણી પંચ : સભ્ય રચનાનો ઇતિહાસ 

ભારતીય ચૂંટણી પંચની સ્થાપના 25 જાન્યુઆરી, 1950ના રોજ બંધારણ હેઠળ થઈ હતી. શરૂઆતમાં ચૂંટણી પંચમાં માત્ર મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) હતા. ECIની સત્તાવાર માહિતી મુજબ, 16 ઑક્ટોબર, 1989ના રોજ પ્રથમ વખત બે વધારાના ચૂંટણી કમિશનરોની નિમણૂક કરવામાં આવી. તેથી તે સમયે ચૂંટણી પંચ ત્રણ સભ્યોની સંસ્થા બન્યું. આ સમયે CEC આર. વી. એસ. પેરી શાસ્ત્રી હતા. 

આ બે ચૂંટણી કમિશનરોનો કાર્યકાળ ખૂબ ટૂંકો હતો અને તેઓ 1 જાન્યુઆરી, 1990 સુધી રહ્યા. ત્યારબાદ ચૂંટણી પંચ ફરીથી એક સભ્યની સંસ્થા બન્યું.

ત્યારબાદ 1 ઑક્ટોબર, 1993ના રોજ ફરી બે વધારાના ચૂંટણી કમિશનરોની નિમણૂક કરવામાં આવી. ત્યારથી ચૂંટણી પંચ મુખ્ય ચૂંટણી કમિશનર + બે ચૂંટણી કમિશનરો, એટલે કે ત્રણ સભ્યોની બહુસભ્ય સંસ્થા તરીકે કાર્યરત છે. નિર્ણય પ્રક્રિયામાં ત્રણેય સભ્યોને સમાન મતાધિકાર છે અને નિર્ણય બહુમતીના આધારે લેવાય છે.

અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો 

પ્રશ્ન 1: ભારતના ચૂંટણી પંચની સ્વતંત્રતા અને તેની સત્તાઓના સંદર્ભમાં નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. મુખ્ય ચૂંટણી કમિશનરને તેમના હોદ્દા પરથી સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને હટાવવાની સમાન પ્રક્રિયા દ્વારા જ દૂર કરી શકાય છે.

2. ચૂંટણી પંચ રાજકીય પક્ષોને માન્યતા આપવા અને તેમને ચૂંટણી ચિહ્નો ફાળવવાની અર્ધ-ન્યાયિક સત્તા ધરાવે છે.

3. આદર્શ આચારસંહિતાની અમલવારી માટે ચૂંટણી પંચ પાસે કાયદાકીય દંડ કરવાની સત્તા બંધારણમાં જ આપેલી છે.

4. અન્ય ચૂંટણી કમિશનરોને મુખ્ય ચૂંટણી કમિશનરની ભલામણ વગર હોદ્દા પરથી દૂર કરી શકાતા નથી.

ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?

(A) ફક્ત 1 અને 2

(B) ફક્ત 1, 2 અને 4

(C) ફક્ત 3 અને 4

(D) ફક્ત 2 અને 3

પ્રશ્ન 2: ચૂંટણીઓ યોજતી વખતે ભારતના ચૂંટણી પંચની સત્તાઓ બંધારણમાંથી મેળવવામાં આવે છે. ચૂંટણી વિવાદો અંગે પંચની સત્તાઓ પર નીચેનામાંથી કઈ એક મુખ્ય મર્યાદા છે?

(A) ચૂંટણી પંચ સુપ્રીમ કોર્ટના નિર્ણયોને રદબાતલ કરી શકે નહીં.

(B) ચૂંટણી પંચની સત્તાઓ સંસદના અધિકારક્ષેત્રને આધીન છે.

(C) ચૂંટણી પંચ સીધા જ તમામ મતવિસ્તારો માટે ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરી શકે છે.

(D) ચૂંટણી પંચ પાસે ચૂંટણી વિવાદોને સ્વતંત્ર રીતે ઉકેલવા માટે સંપૂર્ણ ન્યાયિક સત્તાઓ છે.

પ્રશ્ન 3: ભારતના ચૂંટણીપંચ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. બ્રિટીશ ભારતમાં કોઈ ચૂંટણી વ્યવસ્થાપન સંસ્થા ન હોવાથી, ચૂંટણીપંચની રચના સૌ પ્રથમ વાર બંધારણસભા દ્વારા સૂચવવામાં આવી.

2. જ્યારે શ્રી ટી.એન. સેશન મુખ્ય ચૂંટણી કમિશનર હતા ત્યારે ભારતીય ચૂંટણીપંચ પહેલી વાર ત્રણ સભ્યોની સંસ્થા બની.

ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

(A) ફક્ત 1

(B) ફક્ત 2

(C) 1 અને 2 બંને

(D) બંનેમાંથી એક પણ નહિ