ધારી સફળતા કેમ નથી પામતી સ્ટાર કલાકારોની લાડકવાયીઓ?

- આ અદાકારાઓ પોતાના હુન્નરને માંજવા એક્ટિંગ વર્કશોપ્સના સ્થાને જિમ અને બ્યુટી ક્લિનિકોમાં વધુ દેખાય છે. તેમનું સંપૂર્ણ ધ્યાન પોતાના ફિગર તેમ જ સૌંદર્ય પર હોય છે. દેખાવને પગલે તેમને ફિલ્મો મળી જાય છે, પણ…
વાત સર્વવિદિત છે કે હિન્દી ફિલ્મોમાં કામ કરવા માગતા સેંકડો યુવાનો અને યુવતીઓ દરરોજ મુંબઈની ધરતી પર ઉતરી પડે છે. દેશના ખૂણે ખૂણેથી આવતા આ મહત્વકાંક્ષી છોકરા-છોકરીઓમાંથી આંગળીના વેઢે ગણી શકાય એટલા લોકોને જ ૭૦ એમએમના પડદા પર પોતાના હુન્નરનું પ્રદર્શન કરવાની તક મળે છે. આમ છતાં એ વાત કબૂલવી જ રહી કે જેમણે ફિલ્મોમાં પોતાના અભિનયની કમાલ બતાવી છે તેમને દર્શકોએ પોતાના દિલમાં નોખું સ્થાન આપ્યું છે. જ્યારે બીજી તરફ સ્ટાર કલાકારોના સંતાનોને ખાસ સંઘર્ષ કર્યા વિના જ બોલિવુડમાં પ્રવેશ તો મળી જાય છે, પરંતુ જો તેઓ દર્શકોની અપેક્ષા પર ખરા ન ઉતરે તો ફેંકાઈ જાય છે. અલબત્ત કપૂર ખાનદાનની પૃથ્વીરાજ કપૂરથી લઈને રાજ કપૂર, ઋષિ કપૂર અને રણબીર કપૂર સુધીની ચાર પેઢીઓએ હિન્દી ફિલ્મોદ્યોગ પર પોતાનો જાદુ ચલાવી બતાવ્યો છે. પરંતુ એ પણ જોવામાં આવ્યું છે કે સ્ટાર કલાકારોના પુત્રોએ જેવી સફળતા પ્રાપ્ત કરી છે એવી કીર્તિ પામવામાં તેમની પુત્રીઓ ઊણી ઉતરી છે. રણધીર કપૂરની દીકરીઓ કરિશ્મા અને કરિનાને બાદ કરતાં અન્ય જાણીતા કલાકારોની પુત્રીઓનો વિચાર કરવામાં આવે તો હેમા માલીની - ધર્મેન્દ્રની વહાલસોઈ ઈશા દેઓલ, શ્રીદેવીની પુત્રીઓ જાન્હ્વી અને ખુશી કપૂર, સૈફ અલી ખાનની દીકરી સારા, ચંકી પાંડેની પુત્રી અનન્યા, સંજય કપૂરની દીકરી શનાયા, અનિલ કપૂરની લાડલી સોનમ, શર્મિલાની વહાલસોઈ સોહા, સુનીલ શેટ્ટીની દીકરી આથિયાએ હજી સુધી ધારી સફળતા નથી મેળવી. હા, શત્રુઘ્ન સિંહાની દીકરી સોનાક્ષીએ થોડાં વર્ષ સુધી પડદા પર રાજ કર્યું ખરું. પણ હવે સોનાક્ષીને ગોતવી પડે એવો તાલ સર્જાયો છે. મહત્વની વાત એ છે કે કરણ જોહર જેવા જાણીતા સર્જકો સ્ટાર કલાકારોની કન્યાઓને લોન્ચ કરવા તલપાપડ રહે છે. આમ છતાં ગણતરીની સ્ટારબેટીઓ સિવાય કોઈ દર્શકોના દિલ પર રાજ કેમ નથી કરી શકી?
આના જવાબમાં જાણકારો કહે છે કે બહારથી આવતી અભિનય ઇચ્છુક કન્યાઓ ફિલ્મોદ્યોગમાં પગ મૂકવા કપરો સંઘર્ષ કરે છે. તેમનું લક્ષ્ય માત્ર કામ મેળવવાનું અને પોતાની અભિનય ક્ષમતા પુરવાર કરીને ટકી રહેવાનું હોય છે. તેમને અન્ય કોઈ પ્રકારના નખરાં કરવાનું નથી પોસાતું અને એક વખત તેઓ દર્શકોના દિલમાં ચોક્કસ સ્થાન મેળવી લે ત્યાર પછી કિસ્મત સાથ આપે તો તેમને વધુને વધુ ફિલ્મો મળતી રહે છે. માધુરી દીક્ષિત, કંગના રણૌત, દીપિકા પાદુકોણ, કિયારા અડવાણી જેવી આજની અભિનેત્રીઓ તેના શ્રેષ્ઠ ઉદાહરણ છે. જ્યારે ૬૦-૭૦ના દશકની વાત કરીએ તો વૈજયંતી માલા, રીના રોય, મીના કુનારી, માલા સિન્હા, મધુબાલા જેવી અભિનેત્રીઓ આજે પણ લોકચાહનામાં ટોચનું સ્થાન ધરાવે છે. જ્યારે સ્ટાર કલાકારની દીકરીઓને પહેલી વખત પડદા પર દેખાવા માટે ઝાઝો સંઘર્ષ નથી કરવો પડતો. વાસ્તવમાં અભિનય કરવો તેમનું પેશન હોય છે. તેઓ પોતાના કામ પ્રત્યે બહારથી આવેલી અભિનેત્રીઓ જેટલી ગંભીર નથી હોતી. તેથી તેમના અભિનયમાં જે ઊંડાણ હોવું જોઈએ તે નથી દેખાતું. તેમનું કામ હૃદયસ્પર્શી નથી હોતું. આ અદાકારાઓ પોતાના હુન્નરને માંજવા એક્ટિંગ વર્કશોપ્સના સ્થાને જિમ અને બ્યુટી ક્લિનિકોમાં વધુ દેખાય છે. તેમનું સંપૂર્ણ ધ્યાન પોતાના ફિગર તેમ જ સૌંદર્ય પર હોય છે. તેમના દેખાવને પગલે તેમને ફિલ્મો મળી પણ જાય છે. આમ છતાં દર્શકો માત્ર તેમનું રૂપ જેવા સિનેમાઘરો સુધી લાંબા નથી થતાં.
આ તો થઈ સ્ટાર કલાકારોની લાડકવાઈઓમાં રહેલી ખામીની વાત. તેના સિવાયના અન્ય કેટલાંક પરિબળો પણ તેમની સફળતામાં આડખીલી બને છે. જેમ કે સ્ટાર કલાકારોની પુત્રીઓને પોતાની ફિલ્મોમાં કામ આપતાં સર્જકો પર આવતું દબાણ. અહીં એશા દેઓલનું ઉદાહરણ શ્રેષ્ઠ પુરવાર થશે. જ્યારે એશાએ ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું ત્યારે દેઓલ પરિવાર તરફથી જે તે ફિલ્મ સર્જક પર એશા સાથે માત્ર સૌમ્યતાથી વર્તન કરવાનું, ચોક્કસ સમય સુધી જ તેની પાસેથી કામ કરાવવાનું, રોમાંટિક દ્રશ્યોમાં મર્યાદા જાળવવાનું, દેહ પ્રદર્શન ન કરાવવાનું દબાણ રહેતું. આવી સ્થિતિમાં ફિલ્મ સર્જકો પોતાની આ હીરોઈનો પાસેથી પોતાની મરજી મુજબનું કામ ન કઢાવી શકતાં. સ્વાભાવિક રીતે જ ફિલ્મ સર્જકોએ સ્ટાર કલાકારોની પુત્રીઓને કામ આપવાનું ટાળવા માંડયું. જ્યારે સંજય દત્તે તો ખુલ્લંખુલ્લા ધમકીના સ્વરમાં કહી દીધું હતું કે જો કોઈપણ નિર્માતા તેની પુત્રી ત્રિશલાને ફિલ્મોમાં કામ આપશે તો તેની ખેર નથી. છેવટે ત્રિશલાની ૭૦ એમએમના પડદા પર દેખાવાની મહત્વકાંક્ષા પર પાણી ફરી વળ્યું અને જ્યારે તેમનો પરિવાર જ તેમને આડે આવે તો ફિલ્મ સર્જકો પણ શું કરે?
જોકે અહીં એ વાતની નોંધ પણ લેવી રહી કે ફિલ્મી પરિવારની પુત્રીઓ સોશ્યલ મીડિયા પર છવાઈ જવા પાછળ જ એટલો બધો સમય વેડફી નાખતી હોય છે કે તેમને અભિનયના ઊંડાણમાં ઉતરવા વખત મળતો હશે કે કેમ તે પ્રશ્ન થઈ પડે.









