Chitralok

એમિલિયા ક્લાર્ક આ ડ્રેગન મોમ હવે પછી શું કરવાની છે?

By GS Team
13 Aug 20262 mins read
એમિલિયા ક્લાર્ક આ ડ્રેગન મોમ હવે પછી શું કરવાની છે?

એએમિલિયા ક્લાર્ક તેની પ્રતિભા, પ્રભાવશાળી વ્યક્તિત્વ અને વિશ્વભરના દર્શકોથી જોડાવવાની તેની ક્ષમતાને કારણે લાંબા સમયથી હોલિવુડની પોપ્યુલર અભિનેત્રી રહી છે. લાખો લોકો 'ગેમ ઓફ થ્રોન્સ'ની બેબાક ડેનેરીસ ટાર્ગેરીન તરીકે એને હજી પણ યાદ કરે છે. અલબત્ત, આ એક આઈકોનિક રોલમાં પોતે બંધાઈ ન જાય તે માટે તે ખૂબ મહેનત કરી રહી છે.
ફેન્ટેસી ડ્રામા 'ગેમ ઓફ થ્રોન્સ'માં ડેનેરીસ ટાર્ગેરીનના ક્લાર્કના ચિત્રણે તેને આંતરરાષ્ટ્રીય સેન્સેશન બનાવી નાખી. નાજુક નમણી યુવતીમાંથી એ જે રીતે શક્તિશાળી મધર ઓફ ડ્રેગન્સમાં પરિવતત થાય છે તે કમાલનું છે. શોના આઠ સીઝનના ગાળામાં એને ચાર વાર પ્રાઈમટાઈમ એમ્મી એવોર્ડ નામાંકન મળ્યાં. સિરીઝ પૂરી થઈ તે વાતને ય વષો વીતી ગયાં છે, પણ લોકો મધર ઓફ ડ્રેગનને હજુ પણ યાદ કરે છે.
ક્લાર્કે સ્ટાર વોર્સ યુનિવર્સમાં 'સોલો: એ સ્ટાર વોર્સ સ્ટોરી'માં મહત્ત્વાકાંક્ષી ક્વીરા તરીકે ડગ માંડયાં, 'ટમનેટર જેનેસીસ'માં સારાહ કોનોરનો પડકારજનક રોલ પણ સ્વીકાર્યો, રોમેન્ટિક ડ્રામા 'મી બીફોર યુ'માં તેના અભિનયનું બિલકુલ નવું જ પાસું ઓડિયન્સની સામે આવ્યું. ક્લાર્કે ખૂબ જ ઝડપથી વિસ્તરી રહેલું સ્ટ્રીમિંગ ક્ષેત્ર પણ અપનાવી લીધું. તેણે માર્વેલના સિનેમેટીક યુનિવર્સના સીક્રેટ ઈન્વેશનમાં ગિયાહ તરીકે પ્રવેશ મેળવી લીધો. તાજેતરમાં જ ક્લાર્કે પીકોકની સ્પાય થ્રિલર 'પોનીસ'માં મહત્ત્વની ભૂમિકા નિભાવી.
પોતાની કારકિર્દીના પ્રારંભિક ગાળામાં બે વાર જીવલેણ બ્રેન એન્યુરીઝમમાંથી બચી ગયા પછી એમેલિયાએ મગજની ઈજામાંથી રિકવરી બાબતે લોકોને જાગૃત કરવા પોતાના અનુભવો શેર કર્યા. તેના ઉષ્માયુક્ત, રમૂજી અને વિનમ્ર વ્યક્તિત્વએ તેને ટોક શો, રેડ કારપેટ અને સોશિયલ મીડિયા આ બધી જગ્યાએ લોકપ્રિય બનાવી દીધી છે.
આજે એમિલિયા ક્લાર્ક કમશયલ બ્લોકબસ્ટર સાથે પાત્ર આધારીત પરફોર્મન્સ આપી શકતી હોલિવુડની સૌથી આકર્ષક અભિનેત્રીઓમાં સ્થાન પામે છે. એના દરેક નવા પ્રોજેક્ટ પર ઓડિયન્સ અને ઇન્ડસ્ટ્રી નજર હોય છે. બહોત ખૂબ!.