TV Talk

રાહુલ-દિશાની દીકરી ત્રણ વર્ષની થઈ
ગાયક રાહુલ વૈદ્ય અને અભિનેત્રી દિશા પરમારની પુત્રી નવ્યા ત્રણ વર્ષની થઈ ગઈ. પાંચ વર્ષ અગાઉ રાહુલ અને દિશાએ પ્રભુતામાં પગલાં પાડયાં ત્યાર બાદ તેમના ઘરે નવ્યા અવતરી. તાજેતરમાં તે ત્રણ વર્ષની થઈ ત્યારે દિશાએ તેના ઓફિશિયલ આઈજી હેંડલ પર પુત્રી સાથે વિતાવેલી હૃદયસ્પર્શી પળો દર્શાવતો વિડિયો અપલોડ કરવા સાથે લખ્યું હતું, 'મારી નાનકડી વહાલસોઈ, હું તને જેટલો પ્રેમ કરું છું એટલો બીજું કોઈ ન કરી શકે (તારા પિતા પણ એટલો જ પ્રેમ કરી શકે), તું એકદમ સરસ રીતે મોટી થાય, તારા સઘળા શમણાં સાકાર થાય. હું હમેશાં, અંતિમ શ્વાસ સુધી તારી પડખે રહીશ. તને ત્રીજા જન્મ દિનની અઢળક શુભેચ્છા. 'બડે અચ્છે લગતે હૈં'ની આ અદાકારાએ પુત્રીને શુભેચ્છા આપ્યા પછી રાહુલ સાથેના લગ્નજીવનના કેટલાંક સુંદર ફોટા મૂકતાં લખ્યું હતું કે આપણા વિવાહને પાંચ વર્ષ થઈ ગયા. હું મારું શમણું જીવી રહી છું. રાહુલે પણ તેમના વિવાહના અત્યાર સુધી સંતાડી રાખેલા ફોટા મૂકતાં લખ્યું હતું કે આપણા પાંચ વર્ષના સહજીવન પછી પણ હું રોજ તને જ પસંદ કરતો રહું છું. અત્રે ઉલ્લેખનીય છે કે રાહુલે 'બિગ બોસ-૧૪'માં ભાગ લીધો હતો ત્યારે દિશાને તેના ૨૬મા જન્મ દિવસે પ્રપોઝ કર્યું હતું. અને ૨૦૨૧ની ૧૬મી જુલાઈએ બંને લગ્નના બંધનમાં બંધાયાં હતાં.
નાયરા બેનરજી: મને નકારાત્મક ભૂમિકા ભજવવી ગમતી નથી!
'પિશાચિની' નામના સુપરનેચરલ શો પછી- એટલે કે લગભગ ત્રણ વર્ષ પછી અભિનેત્રી નાયરા એમ. બેનરજીએ ટેલિવિઝન ભણી આવવાનો પ્રયત્ન શરૂ કર્યો છે, પણ 'પિશાચિની' પછી તો તેને મોટાભાગની ઓફરો નેગેટિવ રોલ્સની મળતી હતી, તેથી તેણે ટીવીથી થોડું અંતર બનાવી રાખવાનું નક્કી કર્યું હતું. જો કે આજે નાયરા કહે છે, મને 'પિશાચિની' શો પછી લોકો મને માત્ર નકારાત્મક ભૂમિકા માટે જ બોલાવે છે. મને સુપરનેચરલ શો કરવાની મઝા આવે છે, પણ હું આવું કંઈક કરવા માગતી નથી. લોકો સંપૂર્ણપણે ભૂલી ગયા છે કે મેં હમેશાં સકારાત્મક ભૂમિકા ભજવી છે. મેં 'દિવ્યદ્રષ્ટિ', 'એક્સક્યુઝ મી મેડમ', 'રક્ષાબંધન' અને અન્ય કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યું છે. મને નકારાત્મક પાત્રો ભજવવાનો આનંદ જ નથી. હું ખરેખર વેમ્પ શ્રેણીની ભૂમિકાઓમાં પડવા માગતી નથી. મને એમ પણ લાગે છે કે આવી ભૂમિકામાં એક બિન્દુથી આગળ કોઈ પ્રગતિ થતી નથી.
નોરા ફતેહીનો સ્માર્ટ સોદો
જાણીતી ડાન્સર અને નૃત્યને લગતાં રીઆલિટી શોઝમાં નિર્ણાયકની ખુરશી શોભાવનાર નોરા ફતેહીએ તાજેતરમાં એક પોડકાસ્ટમાં ચોંકવનારો ખુલાસો કર્યો હતો. તેણે યાદ કરતાં કહ્યું હતું કે તે 'બિગ બોસ'માં ભાગ લેવા નહોતી ઇચ્છતી. પરંતુ તે વખતે તે નાણાંકીય સંકટમાં હતી. નોરાએ પોતાના મુશ્કેલ સમય વિશે કહ્યું હતું કે મેં ઘણાં ગીતો કર્યાં હતાં, પરંતુ મને તેનું મહેનતાણું નહોતું મળી રહ્યું. નિર્માતાઓએ કદાચ એજન્સીને ચૂકવણી કરી દીધી હતી, પરંતુ એજન્સી મને પૈસા આપવામાં અખાડા કરી રહી હતી. આવા વખતે જ મને 'બિગ બોસ'માં ભાગ લેવાની ઓફર આવી. જોકે મેં પહેલા તો સાફ ઈનકાર કરી દીધો. પણ તેમણે મને મળનારા પૈસાની વાત કરી ત્યારે હું તેમાં ભાગ લેવા તૈયાર થઈ ગઈ હતી. વળી તેમણે મને એમ પણ કહ્યું કે આ શોમાં તને દર્શકોનો મોટો વર્ગ જોશે. અને વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી હોવાને કારણે તને ઝાઝો વખત 'બિગ બોસ'ના ઘરમાં નહીં રહેવું પડે. મને તેમની વાત સાચી લાગી. પરંતુ મેં તેમની સામે એક એક્સચેન્જ ઓફર રાખી. વાસ્તવમાં હું 'ઝલક દિખલા જા' કરવા માગતી હતી. અને 'ઝલક…' પણ એ ચેનલ પર જ આવતો હોવાથી મેં તેમને કહ્યું હતું કે 'બિગ બોસ'માં ભાગ લેવાના બદલામાં મને 'ઝલક દિખલા જા'માં સામેલ કરો. અન ેમારું કામ થઈ ગયું. અત્રે ઉલ્લેખનીય છે કે નોરાએ 'બિગ બોસ-૯'માં ભાગ લીધો હતો. અહીં પ્રિન્સ નરૂલા સાથે તેની ગાઢ મિત્રતા થઈ ગઈ હતી. પ્રિન્સે 'બિગ બોસ'ના ઘરમાં જ નોરાને પ્રપોઝ કર્યું હતું. જોકે નોરા ૨૦૧૫ના ડિસેમ્બરથી ૨૦૧૬ના જાન્યુઆરી સુધીના ત્રણ અઠવાડિયા માટે જ 'બિગ બોસ'ના ઘરમાં રહી હતી. અને તેને બદલે નોરાને 'ઝલક દિખલા જા-૯'માં નિર્ણાયકની ખુરશી પર બેસવા મળ્યું. આ સોદો તેની કારકિર્દીમાં મહત્વનો વળાંક લઈને આવ્યો.




