ટાઈગર ઉત્તમ સોકર પ્લેયર છેઃ અપારશક્તિ

બોલિવુડના કેટલાક એકટર્સને ક્રિકેટ કરતાં ફુટબોલની રમત વધુ વહાલી છે. જોન અબ્રાહમ, રણબીર કપૂર, ટાઈગર શ્રોફ અને અભિષેક બચ્ચન જેવા સોકર ક્લબના મેમ્બર્સ સમય મળે ત્યારે ફુટબોલ રમવા મેદાનમાં ઉતરી પડે છે. આ ક્લબમાં આયુષ્માન ખુરાનાનો નાનો ભાઈ અપારશક્તિ ખુરાના પણ સામેલ છે. ૩૮ વરસનો અપારશક્તિ 'ઓલ સ્ટાર્સ એફસી' નામની સેલિબ્રિટી ફુટબોલ ટીમ વતી ઘણી મેચો રમી ચુક્યો છે. સેલિબ્રિટીઝની આ ટીમ ચેરિટી માટે મેચો રમે છે.
આખી દુનિયાની નજર અત્યારે ફિફા વર્લ્ડ કપ પર ચોંટેલી છે. જુનિયર ખુરાના પણ આજકાલ પોતાના કામનું શિડયુલ એ રીતે ગોઠવે છે કે ટીવી પર વર્લ્ડ કપની એકેય મેચ ભૂલેચુકેય જોવાનું ગુમાવાય નહિ. આર્જેન્ટીનાના લિયોનલ મેસ્સીનો ફેન અપારશક્તિ એક્ટર ટાઈગર શ્રોફને પોતાની ટીમનો બેસ્ટ ફુટબોલર માને છે. એના મતે ટાઈગરની ફિઝિકલ ફિટનેસની બરોબરી કોઈ ન કરી શકે.
હમણાં એક પોડકાસ્ટમાં ફુટબોલના ડ્રેસિંગ રૂમને ફિલ્મોના સેટ સાથે સરખાવતા ખુરાનાએ સરસ કોમેન્ટ કરી કે, 'હું હાઈએસ્ટ લેવલ પર કદી ફુટબોલ રમ્યો નથી પરંતુ એક વાત ચોક્કસપણે જાણું છું કે સોકરના મેદાન કે લોકર રુમ્સની તુલનામાં કોઈ ફિલ્મનો સેટ ન આવી શકે. ખરા હીરો તો ત્યાં જ મળે છે અને આપણે માત્ર એમના પર ફિલ્મો બનાવી શકીએ છીએ.'
બોલિવુડમાંથી કયા એકટર્સ ફુટબોલરના પાત્રને પૂરેપૂરો ન્યાય આપી શકે એવું પૂછાતા અપારશક્તિએ રણબીર કપૂર અને ટાઈગર શ્રોફના નામ આપ્યા હતા. એણે એવી આગાહી પણ કરી છે કે આ ફિફા વર્લ્ડ કપની ફાઈનલ આજેન્ટીના અને સ્પેન વચ્ચે રમાશે અને એમાં આજેન્ટીનાનો વિજય થશે.









