રાષ્ટ્રપ્રેમ પર આધારિત ફિલ્મોનો જુવાળ

- 'કર ચલે વો ફિદા જાનોતન સાથિયોં..'
- વેલેન્ટાઇન ડે અને ફ્રેન્ડશિપ ડેના રંગમાં રંગાયેલી આજની પેઢી પર બસંતી રંગ ખાસ ચઢી શક્યો નથી. આજે પણ દેશભક્તિની ફિલ્મો બને છે, પણ તે અગાઉની ફિલ્મો જેવી દેશદાઝ ઉત્પન્ન કરી શકતી નથી…
દેશ ભક્તિ અને આપણા ફિલ્મી સર્જકોનો નાતો વર્ષો પૂરાણો છે. દેશમાં આઝાદીની ચળવળ શરૂ થઇ કે તરત જ આપણા ફિલ્મ સર્જકોએ દેશ ભક્તિ પર આધારિત ફિલ્મો બનાવી લોકોમાં દેશ દાઝની જ્વાળા ફેલાવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. 'પ્યારા વતન', 'વતન ફરોશ', 'વતન કી પુકાર', 'સ્વર્ગ સે સુંદર દેશ હમારા' જેવી ઘણી ફિલ્મો તે જમાનામાં બની હતી આઝાદી પછી પણ દેશભક્તિનો જુવાળ ઓસર્યો નથી. બોલીવૂડનો ઇતિહાસ દેશ ભક્તિના રંગથી રંગાઇ ગયેલો જોવા મળશે.
આઝાદીના અમર લડવૈયા શહિદ ભગતસિંહની વાત કરીએ તો અત્યાર સુધી શહિદ ભગતસિંહ પર ઘણી ફિલ્મો બની છે. ૧૯૬૩માં રિલિઝ થયેલી 'શહિદ ભગતસિંહ'માં શમ્મી કપૂરે ભગતસિંહનું પાત્ર ભજવ્યું હતું. તેમને પ્રેમનાથ, ઉલ્હાસ, શકીલા, સપ્રુ, અચલા સચદેવ અને વિજયકુમારે સાથ આપ્યો હતો. અને હુશ્નરામ ભગતરામના સંગીતમાં બધ્ધ થયેલા દેશ ભક્તિના ગીતોએ ભારતની જનતાને દેશ પ્રેમમાં ઝબોળી નાખી હતી. આ પછી ૧૯૬૫માં મનોજ કુમારને ભગતસિંહ બનવાની ધૂન ઉપડી અને તેમણે પ્રેમ ચોપરા, નિરૂપા રોય, કામિની કૌશલ, પ્રાણ, મનમોહન, ઇસ્તેખાર, મદન પૂરી જેવા કલાકારો સાથે 'શહીદ' બનાવી આ ફિલ્મે તે જમાનામાં ઘણી લોકપ્રિયતા મેળવી હતી પ્રેમ ધવનના સંગીતમાં બદ્ધ થયેલા ગીતોએ પણ ઘણી ધૂમ મચાવી હતી આ પછી 'મિ. ભારત'નું બિરુદ મેળવનાર મનોજકુમાર દર્શકોને 'ઉપકાર', 'પૂરબ ઔર પશ્ચિમ', 'ક્રાંતિ', 'રોટી કપડા ઔર મકાન' જેવી દેશ ભક્તિ પર આધારિત ઘણી ફિલ્મો આપી અને આ ફિલ્મોએ ઘણી લોકપ્રિયતા મેળવી હતી. 'મેરા ભારત મહાન' તેમજ 'જય જવાન જય કિસાન' જેવા સૂત્રોએ લોકપ્રિય બનાવવા પાછળ મિ. ભારતનો ફાળો નાનોસૂનો સમજવાની ભૂલ થઇ શકે તેમ નથી વેલ, ૧૯૪૮માં દિલીપકુમારને પણ દેશ માટે શહિદ થવાની ઇચ્છા થઇ હતી. અને તેમણે કામિની કૌશલ, ચંદ્ર મોહન, લીલા ચિટણીસ જેવા કલાકારો ધરાવતી આ ફિલ્મમાં ભૂમિકા ભજવી હતી.
કર્મામાં પણ જેલ ઓફિસર દિલીપ કુમારે ૨૬મી જાન્યુઆરીએ જેલમાં ભારતીય તિરંગાને લહેરાવ્યો હતો અને નૂતને દેશ ભક્તિનું એક ગીત ગાઇ દેશ પ્રેમનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડયું હતું. 'લીડર'માં પણ દિલીપ કુમારની દેશભક્તિ જોવા મળી હતી. ૧૫મી ઓગસ્ટ કે ૨૬મી જાન્યુઆરીએ તિરંગા લહેરાવાનું દ્રશ્ય ઘણી ફિલ્મોમાં જોવા મળશે.
દેશ ભક્તિ પર આધારિત ગીતોની વાત આવો છે ત્યારે અય મેરે વતન કે લોગો ગીત યાદ આવ્યા વિના રહેતું નથી, આ ઉપરાંત 'ઝીરો દિયા મેરે ભારતને…' ગીત દ્વારા મનોજ કુમારે પણ એનઆરઆઇઓને આપણાં દેશની બુધ્ધિમત્તાનો પરિચય આપી દીધો હતો.
'હકીકત', 'બોર્ડર', 'એલએસી' જેવી યુદ્ધ ફિલ્મો દ્વારા પણ દેશ પ્રેમના જલવા જોવા મળ્યા હતા. દેશની આઝાદી માટે પ્રાણની આહુતિ આપનાર લોકોને અંજલિ આપવાનો આથી શ્રેષ્ઠ માર્ગ કયો મળવાનો છે?
જો કે ૧૯૪૭ પૂર્વે બ્રિટિશ સેન્સર બોર્ડ તેમના શાસન વિરુધ્ધના મામલામાં ઘણા સતેજ હતી. કોઇ પણ ફિલ્મના ગીતમાં દેશભક્તિ પાંખ ફેલાવે એવી તેમને શંકા જાય તો તેઓ તરત જ પાંખ કાપી લેતા હતા. આથી મોટે ભાગે ઐતિહાસિક કે ધાર્મિક ફિલ્મો દ્વારા દેશ ભક્તિનો સંદેશ આમ જનતા સુધી પહોંચાડવામાં આવતો હતો.
આ દરમિયાન બોમ્બે ટોકિઝની 'બંધન' ફિલ્મ રિલિઝ થઇ અશોકકુમાર અને દેવિકા રાણી અભિનિત આ ફિલ્મ સાધારણ પ્રેમ કથા હતી. પણ દેશભક્તિ પર ગીતો લખવાના બેતાજ બાદશાહ પ્રદીપે લખેલા આ ફિલ્મના 'ચલ ચલ રે નૌજવાન' ગીતે તે જમાનામાં ધૂમ મચાવી હતી. આ ગીતે દર્શકોની નસ-નસમાં દેશ પ્રેમનું લોહી ભરી દીધું. આ ગીતને રાષ્ટ્રગીત તરીકે લેવાનો પ્રસ્તાવ પણ મૂકાયો હતો. ફરી એકવાર કવિ પ્રદીપે 'કિસ્મત'માં દૂર હશે યે દુનિયાવાલો હિંદુસ્તાન હમારા હૈ ગીત દ્વારા બ્રિટિશરોને હલબલાવી મૂક્યા હતા. આઝાદી પછી રિલિઝ થયેલી દિલીપકુમારની શહીદે ઘણી લોકપ્રિયતા મેળવી હતી. ગુલામ હૈદરના સંગીતમાં બનેલા 'વતન કી રાહ પર' ગીતે ધૂમ મચાવી હતી. ત્યારબાદ 'સમાધિ' 'ખામોશ સિપાહી' જેવી ઘણી ફિલ્મો બની.
આ ઉપરાંત 'નાસ્તિક'ના 'કિતના બદલ ગયા ઇન્સાન', 'જાગૃત્તિ'ના હેમ લાયે હૈ તુફાન સે કિશ્તી નિકાલ કે, 'દેદી હમેં આઝાદી વિના ખડગ બિના ઢાલ' જેવા ગીતોએ તે જમાનામાં ધૂમ મચાવી હતી. પરંતુ 'ઉપકાર', 'પુરબ ઔર પશ્ચિમ' 'ક્રાંતિ' જેવી ફિલ્મો દ્વારા મનોજકુમારે આઝાદી અને દેશભક્તિને દુલ્હનના લિબાશમાં રજૂ કરી. દુલ્હન ચલી ઓ પહન ચલી તીન રંગ કી ચોલી' યાદ છે ને?
'હકીકત'ના કર ચલે હમ ફિદા જાનોંતન સાથિયો' ગીતે દર્શકોની આંખમાં અશ્રુઓની ધારા વર્ષાવવામાં સફળતા મેળવી હતી. દેવ આનંદને પણ 'પ્રેમ પુજારી' અને 'હમ દોનોં' ફિલ્મ દ્વારા દેશની સેવા કરવાની ચાનક ચઢી હતી. દિલીપ અને રાજની ત્રિપુટીમાંથી રાજ કપૂર બાકાત રહી જાય એ કેમ ચાલે? તેમણે પણ 'હમ ઉસ દેશ કે વાસી હૈ જીસ દેશમેં ગંગા બહતી હૈ'' કહી દેશ દાઝનો પરચો આપ્યો હતો. અને 'સંગમ'માં યુદ્ધ મોરચે જઇ પોતાની જન્મભૂમિની રક્ષા પણ કરી હતી. જટ યમલા પગલા દીવાના ધર્મેન્દ્રએ પણ 'હકીકત'માં 'કર ચલે હમ ફિદા જાનોતન સાથિયો' ગાતા-ગાતા નવી પેઢીને દેશની રક્ષાનું સુકાન સોંપી જાનનું બલિદાન આપ્યું હતું. 'લલકાર' અને 'આંખે' જેવી ફિલ્મોમાં પણ દેશભક્તિના ગીતો લલકાર્યા' હતા. 'લલકાર'માં તેને સાથ આપનાર રાજેન્દ્ર કુમારે પણ 'અમન'માં 'અમનકા ફરિશ્તા' બની દેશને માટે પોતાનો પ્રાણ કુરબાન કર્યો હતો.
વીસમી સદીના અંતમાં દેશભક્તિ પર આધારિત ફિલ્મો વિરાટ ક્લેવરની તેમજ સુંદર દ્રશ્યોથી ભરપૂર ટેન્કો, રાયફલો, વિમાનો, યુદ્ધ તોપો તેમજ બારૂદના ધમાકાથી ભરપુર હતી. આમાની કેટલીક ફિલ્મો બોક્સ ઓફિસ પર સફળ થઇ હતી. 'ગદર' 'બોર્ડર' જેવી ફિલ્મોને ઝળહળતી સફળતા મળવા પામી હતી. દેશપ્રેમી, હિન્દુસ્તાન કી કસમ ,અબ તુમ્હારે હવાલે વતન સાથિયોંમાં બિગ બી એ દેશ ભક્તિની દાઝ વ્યક્ત કરી હતી. જો કે બચ્ચનની પ્રથમ ફિલ્મ 'સાત હિંદુસ્તાની' પણ આ જ કેટેગરીમાં આવી શકે છે અને હા, 'રોટી કપડા ઔર મકાન'માં પણ તેઓ જવાનના રૂપમાં જોવા મળ્યા હતા. ખેદની વાત એ છે કે વેલેન્ટાઇન ડે અને ફ્રેન્ડશીપ ડેના રંગમાં રંગી આજની પેઢી પર બસંતી રંગ ચઢી શક્યો નથી. 'મેરા રંગ દે બસંતી ચૌલા'નો સ્વર આજે ધીમો પડી ગયો છે. જો કે પ્રેમ કહાનીઓની ફિલ્મોમાં પણ હીરો કે હિરોઇનનો દેશ પ્રેમ વ્યક્ત કરવામાં આવે છે. પરંતુ આ ફિલ્મો અગાઉની ફિલ્મો જેવી દેશ દાઝ ઉત્પન્ન કરી શકતી નથી એ વાત અલગ છે.
આમ છતાં હજુ પણ ઘણા નિર્માતાઓ દેશભક્તિ પર આધારિત ફિલ્મો બનાવવા પ્રેરાય છે. 'ઉરી' , 'લક્ષ્ય', 'ઓપરેશન સિંદુર', 'ગાઝા', 'શેરશાહ', 'પરમાણુ', 'સ્વદેશ', 'રંગ દે બસંતી','રાઝી' 'ભારત' 'ગદર-૨' જેવી અનેક ફિલ્મો બની રહી છે કાં તો બની રહી છે.
૨૦૦૨ની સાલમાં નિર્માતા- દિગ્દર્શકો પર ભગત સિંહને પડદા પર જીવંત કરવાનો ચસકો ચઢયો હતો પરંતુ આમાની એક પણ ફિલ્મ મનોજ કુમારની ફિલ્મ શહિદનો જાદુ પુર્નજીવિત કરી શકી નહીં. ભગત સિંહ ઉપરાંત ગાંધીજીને પણ રિચર્ડ એટનબરોએ પડદા પર જીવીત કર્યા હતા. નૈનિહાલના 'મેરી આવાઝ સુનો પ્યાર કા રાગ સુનો, મેંને એક ફૂલ જો સિનેસે લગાયા હે..' ગીતને મોહમ્મદ રફીએ અમર બનાવી દીધું છે.
રાષ્ટ્ર પ્રેમ પર આધારિત ફિલ્મો ઘણી છે. ભારતની પ્રજામાં રાષ્ટ્ર પ્રેમનો જુવાળ ફેલાવવામાં આ ફિલ્મોના ફાળાની અવગણના કરી શકાય તેમ નથી અને સમય આવ્યે આપણા વતનના લોકો 'જરા આંખમેં ભર કે પાની' આ શહિદોની કુરબાની યાદ કરી લેશે. સાથે સાથે 'હકીકત'થી.. હવાલે સુધી થયેલા દેશના હાલ વિશે પણ બે આંસુ સારી લેશે.









