થિયેટરોમાં ચાલે છે ધાર્મિક કથાઓનો જાદુ

- પચાસેક વર્ષ પહેલા રજૂ થયેલી ફિલ્મ 'જય સંતોષી મા'એ લાંબા સમય સુધી 'હાઉસફુલ'ના પાટિયાં લટકાવી દીધાં હતાં. ફિલ્મ જોતી વખતે દર્શકો, ખાસ કરીને સ્ત્રીઓ દડ દડ આંસુડે રડતી.
ભારતીયો તેમના દેવી- દેવતાઓને હંમેશાથી શ્રદ્ધાપૂર્વક નતમસ્તક થતા આવ્યાં છે. તેમની કથાઓમાં રહેલી ગહનતા ન સમજી શકતા લોકો તેની સામે તર્કબદ્ધ દલીલ કરે ત્યારે વડિલો અને ધર્મગુરુઓ અચૂક એમ કહેતાં સંભળાય કે 'આસ્થા હોય ત્યાં તર્ક ન ચાલે' આ કારણે જ આપણા પૌરાણિક ગ્રંથોમાં વર્ણવેલા મહાકાવ્યો, મહાકથાઓ આજે પણ એટલી જ શ્રદ્ધાપૂર્વક સાંભળવામાં આવે છે. મહત્વની વાત એ છ ેકે ટીવી પર છેલ્લા ત્રણેક દશકથી પૌરાણિક કથાઓ પરથી બનાવવામાં આવેલી સિરિયલો અવિરતપણે રજૂ થઇ રહી છે. અને હવે મોટા ગજાના ફિલ્મ સર્જકો પણ ધાર્મિક કથાઓને પડદા પર દર્શાવવામાં અગ્રેસર થયાં છે. એટલું જ નહીં, પુરાણોના લોકપ્રિય પાત્રોને લઇને બનાવવામાં આવતી એનિમેશન ફિલ્મો પણ દર્શકોમાં પ્રિય થઇ પડી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે કરણ જોહર જેવો મોટા ગજાનો ફિલ્મ સર્જક પણ હવે પોતાના નિર્માણગૃહ હેઠળ રાધા અને કૃષ્ણ પર ફિલ્મ બનાવવાની તૈયારી કરી રહ્યો છે. અને તેનમું દિગ્દર્શક લવ સ્ટોરીઝ, ફેમિલી ડ્રામા આધારિત સિનેમા બનાવવા માટે જાણીતા દિગ્દર્શક સચિન રવિ કરશે. આજે આપણે આ વિષય પર વાત કરીશું. તાજેતરમાં રજૂ થયેલી ફિલ્મ 'હનુમાન અંશ'ને પ્રારંભિક ઉદાસીનતા પછી બહોળો પ્રતિસાદ સાંપડયો. નાના બજેટની આ ફિલ્મ જોતજોતામાં કરોડોની ક્લબમાં સામેલ થઇ ગઇ. આધ્યાત્મિક ગુરુ નીમ કરોલી બાબાના જીવન પરથી માત્ર બે કરોડના બજેટમાં બનેલી આ સિનેમાની શ્રદ્ધાળુ દર્શકોએ ટુંક સમયમાં દોઢસો કરોડથી પણ વધુની કમાણી કરાવી આપી. આજથી પચાસેક વર્ષ પહેલા રજૂ થયેલી ફિલ્મ 'જય સંતોષી મા'એ પણ તત્કાલીન સમયના વિશાળ સિનેમાઘરોની બહાર લાંબા સમય સુધી 'હાઉસફુલ'ના પાટિયાં લટકાવી દીધા હતા. આ સિનેમાની ટિકિટ ખરીદવા લોકો કતારમાં ઉભી રહેતા. ફિલ્મ જોતી વખતે દર્શકો, ખાસ કરીને સ્ત્રીઓ દડ દડ આંસુડે રડતી. આ ફિલ્મે પુરવાર કરી બતાવ્યું હતું કે આસ્થાળુઓને દેવાલયોની જેમ જ સિનેગૃહોમાં પણ ખેંચી લાવી શકાય.
ગુજરાતી ફિલ્મ 'લાલો- કૃષ્ણ સદા સહાયતે'ની અકલ્પનીય સફળતાએ સિદ્ધ કરી બતાવ્યું કે દર્શકોને જકડી રાખવા માટે ન તો જંગી બજેટની જરૂર છે કે ન ગ્લેમરસ કલાકારોની. જો કહાણીમાં દમ હોય તો સાવ સાધારણ દેખાતા કલાકારો અને મામૂલી ખર્ચમાં બનેલી ફિલ્મને પણ બહોળો આવકાર મળે. માત્ર ૫૦ લાખ રૂપિયાના બજેટમાં બનેલી, સાધારણ લોકોને દર્શાવતી આ ફિલ્મ માત્ર મોઢાંમોઢના પ્રચારથી જ જોતજોતામાં વિશ્વભરમાં ૧૦૦ કરોડથી પણ વધુ રૂપિયા રળી લીધા.
પૌરાણિક કથાઓને લગતી અનેમિશન ફિલ્મો માત્ર બાળકોને જ નહી, તરુણ અને યુવાપેઢીને પણ આકર્ષે છે. ભગવાન વિષ્ણુના નૃસિંહ અવતારને રજૂ કરતી એનિમેશન ફિલ્મ 'મહાવતાર નરસિંહ'ને સંખ્યાબંધ ભારતીય ભાષાઓમાં અનેક સિનેગૃહોમાં રજૂ કરવામાં આવી હતી. આ સિનેમાએ ભારતમાં ૧૮૦ કરોડથી વધુ અને વિશ્વભરમાં ૩૦૦ કરોડ રૂપિયા જેટલી કમાણી કરી હતી. ભગવાન જગન્નાથની કથા વર્ણવતી એનિમેશન 'મહાપ્રભુ જગન્નાથ'ને પણ હિન્દી, ઓડિયા અને તેલુગુમાં રજૂ કરવામાં આવી. શ્રીપાદ વારખેડકરના દિગ્દર્શનમાં બનાવવામાં આવેલી આ ફિલ્મને પણ દર્શકોએ પ્રેમથી વધાવી લીધી હતી.




