Chitralok

આશાએં ખિલે દિલ કી, ઉમ્મીદે હઁસે દિલ કી...ઈકબાલની કહાણી

By GS Team
20 Aug 20267 mins read
TukuTouch Logo
નાગેશ કુકુનૂરની 2005ની ફિલ્મ 'ઇકબાલ' સપનાનું મહત્વ સમજાવે છે. શ્રવણ અને વાણીની ખામી ધરાવતો ઇકબાલ, ક્રિકેટર બનવાનું સ્વપ્ન જુએ છે. નસીરુદ્દીન શાહ (મોહિત) તેને કોચિંગ આપી, ટીમ ઇન્ડિયામાં સ્થાન મેળવવામાં મદદ કરે છે. શ્રેયસ તલપડેનું શાનદાર ડેબ્યુ હતું. આ ફિલ્મ દર્શકોને સપના જોવાની અને તેને સાકાર કરવા માટે પ્રયત્ન કરવાની પ્રેરણા આપે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આશાએં ખિલે દિલ કી, ઉમ્મીદે હઁસે દિલ કી...ઈકબાલની કહાણી
  • દરેક ફિલ્મમેકરના જીવનમાં એકાદ-બે એવી ફિલ્મો આવે જે એની ઓળખ બની જાય. નાગેશ કુકુનૂરની વાત કરીએ તો તેમના જીવનમાં 'ઈકબાલ' કંઈક એવી જ ફિલ્મ. શ્રેયસ તલપડે, નસીરુદ્દીન શાહ, ગિરિશ કર્નાડ, શ્વેતા બાસુ પ્રસાદ, યતિન કાર્યેકર, પ્રતિક્ષા લોણકર સાથે બનાવેલી 'ઈકબાલ' સપનાનું મહત્ત્વ સમજાવે છે. ફિલ્મ સમજાવે કે છે કે સપના જુઓ, ખુલ્લી આંખે જુઓ અને તેના પૂરા કરવા માટે તપસ્યા કરો. એવી તપસ્યા કે, ખુદ ઈશ્વર ફળ આપવા આવે.
  • દરેક માણસનું એક સપનું હોય, પણ બહું ઓછા હિંમત કરી શકે પહેલું પગલું ભરવાની. મોટાભાગના એ પહેલા જ ગિવ-અપ કરી દે. સપનાને મનમાં જ મારી નાખે. વિચારે, સપનું પૂરું કરવા તો આ જોઈએ, તે જોઈએ અને એ બધું મળવું અસંભવ છે. આ વ્યક્તિએ પોતાનું સપનું પૂરું કર્યું, તેને તો આનો સપોર્ટ હતો. અમને કોણ સપોર્ટ કરે? અમારું કોણ? અને, એની પાસે તો આમ, એની પાસે તો તેમ, અમારી પાસે શું? જો તમારા વિચારો પણ કંઈક આવા જ છે, તો પહેલી વાત એ કે, શરૂઆત તો જાતે જ કરવી પડશે. સપનું જેટલું મોટું હશે, આત્મવિશ્વાસ અને અથાગ પરિશ્રમ તે તેટલા જ માંગશે. અને પછી, દરેક પગલે કસોટી થશે. દરેક પગલે સપના માટે કંઈક જતું કરવું પડશે. જેમ, કહેવાય છે ને કે, 'રોમ વોઝન્ટ બિલ્ટ ઈન અ ડે..' એમ સપનું પૂરું કરવા માટે પણ રાહ જોવી પડશે. આમ, કંઈ એક દિવસમાં તો સપના પૂરા ન થાય ને! છેવટે, એક દિવસ આવશે. અનેક તપસ્યાઓ બાદ સપનું પૂરું થતું દેખાશે અને અહીં કસોટી પૂર્ણ નહીં થાય. ઉલ્ટું, અહીં એવી કસોટી થશે કે જે જીવનમાં ક્યારેય ન થઈ હોય. સપનું છોડી દેવા માટે એવી લાલચ આપવામાં આવશે કે, મન ડગ્યું તો ગ્યા, સપનાથી અને તમારા આત્મસન્માનથી. અને જો મન મજબૂત રહ્યું, તો જગ જીત્યાં.
    હવે, તમને સવાલ થતો હશે કે, આવી પ્રેરણાદાયક વાર્તાઓ સાથે કેટલી હિંદી ફિલ્મો બની? તો હા, ઘણી ફિલ્મો બની. પણ, નાગેશ કુકુનૂરની 'ઈકબાલ' જેવી એકય નહીં. તેનું કારણ ફિલ્મની સ્ટોરીની સાથે સાથે નાગેશની પોતાની સ્ટોરી છે. ફિલ્મ પોતાના સપના પાછળ ભાગવાની હિંમત આપે છે ત્યારે નાગેશની રિયલ લાઈફ સ્ટોરી પણ કંઈક એવી જ છે. નાગેશે પોતાના સપના પાછળ દોટ લગાવી ત્યારે જ ફિલ્મ 'ઈકબાલ' બની.
    નાગેશનું સપનું અને ઈકબાલ
    નાગેશ કુકુનૂરનો જન્મ હૈદરાબાદમાં થયો હતો. તેઓ બાળપણથી જ સિનેમાના ચાહક હતા. તેઓ નારાયણગુડાની આસપાસના થિયેટરોમાં તેલુગુ, હિંદી અને અંગ્રેજી મૂવીની રીલિઝની રાહ જોતા. જેવી ફિલ્મ રિલીઝ થઈ નથી કે નાગેશે તેને જોઈ નથી. અભ્યાસમાં સારા હતા એટલે માતા-પિતાનું સપનું હતું કે, 'મેરા બેટા એન્જિનિયર બનેગા'. નાગેશે પહેલા માતા-પિતાનું સપનું સાકાર કર્યું. ઓસ્માનિયા યુનિવર્સિટીમાંથી કેમિકલ એન્જિનિયરિંગ કર્યું. ત્યારબાદ, જ્યોર્જિયા ઈન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજીમાંથી એન્વાર્યમેન્ટ એન્જિનિયરિંગની માસ્ટર્સ ડિગ્રી લીધી અને અમેરિકામાં કન્સલ્ટન્ટ તરીકે કામ શરૂ કર્યું. નાગેશ પાસે એક તરફ, એવી નોકરી હતી કે, જેનાથી મોજશોખ પૂરા થતા અને બીજી તરફ, એવું સપનું કે જે તેમને ખેંચતું.
    નાગેશને ફિલ્મો બનાવી હતી. આ સપના માટે પહેલા એક શરૂઆત જરૂરી હતી. નાગેશે એટલાન્ટાના વેરહાઉસ એક્ટર્સ થિયેટરમાં એક્ટિંગ અને ડિરેક્ટરની ટ્રેનિંગ શરૂ કરી. આ દરમિયાન જોબ તો ચાલુ જ હતી. ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ ભારત આવ્યા. 'વીર હનુમાન' નામની ટીવી સિરિયલના સેટ પર પહોંચ્યા. સિરિયલમાં જે રીતે કામ થતું હતું તે જોઈને તેમને લાગ્યું કે, તેઓ આ રોલમાં ફિટ નહીં બેસે. પછી, વિચાર્યું કે, મારે સપનું પૂરું કરવું હશે તો પોતે જ ફિલ્મ બનાવવી પડશે. આ વિચાર સાથે તેઓ પાછા અમેરિકા ગયા. અમેરિકામાં વધુ કામ કર્યું. ડોલર્સ બચાવ્યા અને ફરી ભારત આવ્યા.
    સાત દિવસની અંદર 'હૈદરાબાદ બ્લૂઝ' નામની ફિલ્મની સ્ક્રિપ્ટ લખી. ૧૭ દિવસની અંદર તેનું શૂટિંગ પૂર્ણ કર્યું. ફિલ્મ માટે પોતાની મહેનતના રૂ. ૧૭ લાખ ખર્ચ્યા. ફિલ્મ બનાવીને પાછા અમેરિકા ગયા. મામી ફિલ્મ ફેસ્ટિવલમાં 'વ્યૂ ફ્રોમ અબ્રોડ' સેક્શનમાં ફિલ્મને સ્થાન અપાવ્યું. ફિલ્મ ૧૯૯૮માં ભારતમાં રિલીઝ થઈ. જબરદસ્ત સફળ રહી. નાગેશના સપનાને અહીં પાંખો મળી. દર્શકોને તે સપના જોવાનું મહત્વ સમજાવે તે પહેલા 'રોકફોર્ડ', 'બોલિવુડ કોલિંગ', '૩ દીવારે' અને 'હૈદરાબાદ બ્લૂઝ ૨' જેવી ફિલ્મો બનાવી. અને પછી ૨૦૦૫માં 'ઈકબાલ' આવી.
    ઈકબાલઃ એક ફિલ્મ
    ઈકબાલ એટલે સપનાનો જીવ. તેનો જન્મ ૧૯૮૩માં થયો હતો. તે જ વર્ષે જ્યારે, ભારતે પહેલો ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો. માતા ક્રિકેટની ફેન હોય છે. તે વર્લ્ડ કપની ઐતિહાસિક મેચ ગામના પાદરે એક નાનકડા ટીવીમાં જોઈને ઘરે પરત ફરતી હોય છે અને ઈકબાલનો જન્મ થાય છે. જન્મ સમયે જ માતાનું સપનું હોય છે કે, મારો દીકરો ભારત માટે ક્રિકેટ રમે. આ સપનું ત્યારે લગભગ અસંભવ લાગે છે જ્યારે તેને ખબર પડે છે કે, ઈકબાલ બોલી અને સાંભળી નથી શકતો. પણ, તે આશા નથી ગુમાવતી.
    બીજી તરફ, ઈકબાલ છે. તે ક્રિકેટ ફેન છે. ક્રિકેટના મેગેઝિન ભેગા કરે. ક્રિકેટર્સની સ્ટોરીઝ વાંચે અને ગામડાની નજીક આવેલી ક્રિકેટ એકેડમીને દૂરથી નિહાળે. ત્યાં ક્રિકેટ રમતા પ્લેયર્સને જોઈને શીખવાનો પ્રયત્ન કરે છે. બહેનને બોલાવે. તેને પૂછે કે, આ પ્લેયર્સ શું વાતચીત કરી રહ્યા છે? કોચ તેમને શું કહી રહ્યા છે? એટલે બહેન તેને આખી વાત સાઈન લેંગ્વેજમાં સમજાવે. એક દિવસ તેની બહેનના પ્રયત્નથી તેને એકેડમીમાં એડમિશન મળી જાય છે. તે બહેનના વિશ્વાસ પર ખરો ઉતરે છે. થોડા સમયમાં જ એકેડમીના બેસ્ટ ક્રિકેટર તરીકે ઊભરી આવે છે. પરંતુ, તેની પ્રતિભા અનેકને નડે છે. તેની વિરૂદ્ધ ષડયંત્ર રચવામાં આવે છે. અને એક દિવસ તેણે એકેડમી છોડવી પડે છે. જે ઈકબાલના જીવનનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થાય છે. એકેડમીના ષડયંત્રકારીઓ એકેડમીમાં જ રહી જાય છે અને ઈકબાલ ટીમ ઈન્ડિયામાં કેવી રીતે સ્થાન મેળવે છે તેની આ કહાણી પ્રેરણાદાયી છે.
    તું આ કરી લઈશ…
    ફિલ્મમાં નસીરુદ્દીન શાહ મોહિત નામના પૂર્વ રણજી ટ્રોફી પ્લેયરના રોલમાં જોવા મળે છે. એવો પ્લેયર કે જેને હંમેશા કોઈ જોઈતું જે કહે કે, મને ખાતરી છે કે, તું આ કરી લઈશ. પિતા કહેતા એટલે એક સફળ ક્રિકેટર બન્યો અને પછી તે ન રહ્યાં એટલે જીવન બરબાદ કર્યું. એક દિવસ અચાનક ઈકબાલ તેની જિંદગીમાં આવે છે અને પિતાની જેમ ફરી એકવાર તેને કોઈ કહેનાર મળે છે કે, તું આ કરી લઈશ. બીજી તરફ, ઈકબાલને તેની બહેન હંમેશા કહે છે કે, તું આ કરી લઈશ. જે સમજાવે છે કે, દરેક માણસને એક એવો વ્યક્તિ જોઈએ જે કહે કે, તું આ કરી લઈશ. 'આ તું આ કરી લઈશ'ની જ તાકાત કે ઘણા સામાન્ય માણસોએ અસંભવ કામો પાર પાડયા છે.
    કમાલની સ્ટારકાસ્ટ
    આ ફિલ્મમાં શ્રેયસ તલપડેનું ભવ્ય બોલિવુડ ડેબ્યુ જોવા મળે છે. અન્ય એક્ટર્સના એ-પ્લસ પરફોર્મન્સને કારણે ફિલ્મ દર્શકોને જકડી રાખે છે. ગિરિશ કર્નાડને પોતાને ઓફર કરવામાં આવેલો રોલ એટલો ગમ્યો હતો કે, ફ્રીમાં કામ કર્યું. નસીરુદ્દીન શાહને તેમની એક્ટિંગ માટે 'બેસ્ટ સપોર્ટિંગ એક્ટર'નો નેશનલ એવોર્ડ મળ્યો. જ્યારે, ફિલ્મને 'બેસ્ટ ફિલ્મ- ઓન અધર સોશિયલ ઈશ્યુઝ'નો નેશનલ એવોર્ડ મળ્યો.
    ઈકબાલ, નાગેશ અને સમાનતા
    જેમ, નાગેશ પાસે ફિલ્મ બનાવવાનું એક સપનું હતું. કોઈ પ્રોડ્કશન હાઉસનો ટેકો નહોતો. તેમ, ઈકબાલ પાસે ક્રિકેટ એકેડમી નહોતી. જેમ, નાગેશે જોબ અને ફિલ્મ ઈન્સ્ટિટયુટ વચ્ચે વર્ક-લાઈફ બેલેન્સ કરવાનું હતી. તેમ, ઈકબાલે પિતાના ખેતરોમાં મજૂરી બાદ કોચિંગ સાથે બેલેન્સ કરવાનું હતું. જેમ, નાગેશે રસ્તો મળ્યો નહીં તો બનાવ્યો. તેમ, ઈકબાલે પણ રસ્તો બનાવ્યો. એવો રસ્તો કે જેના થકી તેની ગણતરી બેસ્ટ મોટિવેશનલ સ્ટોરીઝમાં થવા લાગી.
    ફિલ્મમાંથી શીખવા જેવું
    ધારો કે તમે ભાષણ આપવા મંચ પર પહોંચ્યા. આ તમારા જીવનનું પહેલું ભાષણ છે. એટલે ખૂબ તૈયારીઓ કરીને પહોંચ્યા છો. પણ, જેવા પહોંચ્યા, માઈક સેટ કર્યું અને બધું ભૂલાઈ ગયું. મનમાં વિચાર આવે છે કે, આવું કંઈ રીતે બને? આટલી બધી તૈયારીઓ કરીને છેવટે બધું ભૂલાઈ ગયું? તમે સામે બેઠેલાં દર્શકોને જુઓ છો. દર્શકો પણ તમને જોઈ રહ્યાં છે. તેમને પણ ખબર પડવા લાગી છે કે, તમે ભૂલી ગયા. અચાનક તમારી નજર એક વ્યક્તિ પર ટકે છે. આ વ્યક્તિ કોઈ પરિચિત નથી. પણ, તમારી સામે એવી રીતે જુએ છે જાણે કહી રહી હોય કે, તું આ કરી લઈશ… તમે હિંમત કરો છો. ભાષણ આપવાની શરૂઆત કરો છો. એવું ભાષણ આપો છો, જેની સ્ક્રિપ્ટ તમે લખી જ નહોતી. તેના બાદ જે તાળીઓનો ગડગડાટ સાંભળવા મળે છે તેની તમને કલ્પના જ નહોતી. આ ગડગડાટ વખતે તમે એ વ્યક્તિને શોધી રહ્યા છો, જેણે તમને યોગ્ય સમયે હિંમતનું ઈન્જેક્શન આપ્યું. પણ, એ વ્યક્તિ દેખાતી જ નથી. ગાયબ છે. સ્ટેજ પર દર્શકો ચઢે છે. કહે છે, વાહ..કેટલું સરસ ભાષણ. અમને તો ખબર જ હતી કે, કમાલ કરશો. પણ, તમને ખબર છે કે, આમાં તમારો કોઈ હાથ જ નથી. પેલી વ્યક્તિએ ભલે શબ્દો વગર પણ યોગ્ય સમયે આંખમાં આંખ મિલાવીને ન કહ્યું હોત કે, 'તુ આ કરી લઈશ'. તો આ શક્ય જ નહોતું. આવું જ ફિલ્મમાં ઈકબાલ સાથે થયું હતું. તેને સ્ટેજ પર પહોંચાડનાર વ્યક્તિને યોગ્ય મંચ પર યોગ્ય વ્યક્તિના મહત્વની ખબર હતી. અંતે ફિલ્મના ગીતના શબ્દો સાથે વાતને વિરામ…
    આશાએં આશાએં
    કુછ પાને કી હો આસ આસ
    કુછ અરમાન હો જો ખાસ ખાસ, આશાએં…
    હર કોશિશ મેં હો વાર વાર
    કરે દરિયાં કો આર પાર
    આશાએં…
    તૂફાનો કો ચીર કે,
    મંઝિલોં કો છીન લે
    આશાએં…
    ખિલે દિલ કી,
    ઉમ્મીદેં હંસે દિલ કી
    અબ મુશ્કિલ નહીં કુછ ભી,
    નહીં કુછ ભી….'