ખરાબ રોલ કરવા કરતાં અભિનય શીખવવાનું કામ બહેતર: રાજેશ તૈલંગ

- 'ફિલ્મમાંથી મારો રોલ કપાઈ ગયો હોય એવું ઘણી વાર બન્યું છે. એક નામાંકિત ડિરેક્ટરની ચાર ફિલ્મોમાંથી મારા રોલ કાપી નખાયા હતા. આ લાઈનમાં આવી મજબુરીઓ આવે છે. એક્ટરે એની ફિકર ના કરવી જોઈએ.'
બેવેબ સીરિઝ 'મિર્ઝાપુર' (૨૦૧૮) અને 'દિલ્હી ક્રાઈમ'એ કેટલાક એકટર્સનું ભાગ્ય ઉઘાડી દીધું. એમાં કેરેક્ટર એક્ટર રાજેશ તૈલંગનું નામ પણ સામેલ છે. 'મિર્ઝાપુર'માં ગુડ્ડુ પંડિતના પિતાના રોલમાં એમનું કામ વખણાયું હતું. 'મિર્ઝાપુર'ની બંને સિજનને મળેલી અપાર લોકપ્રિયતાને પગલે એના પર ફિલ્મ 'મિર્ઝાપુર : ધ મૂવી' બની. આ ફિલ્મે થિયેટરોમાં ધુમ મચાવી રહી છે.
દિલ્હીની પ્રતિષ્ઠિ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાં (એનએસડી)માં એક્ટિંગનું પ્રશિક્ષણ લેનાર તૈલંગે વરસોના સંઘર્ષ બાદ પોતાના ભાગે આવેલી સફળતા વિશે અમુક મીડિયા સાથે સંવાદ કર્યો. સંવાદમાં એમને સૌથી પહેલા પૂછાયું કે 'સર, તમે ૧૯૯૪માં 'શાંતિ' નામની ટીવી સીરિયલથી ડેબ્યુ કર્યું હતું. તમારા કરીઅરનો એ શરૂઆતનો તબક્કો કેવો રહ્યો?' વર્સેટાઈલ એક્ટર એનો વિગતવાર ઉત્તર આપતા કહે છે, 'તમને કદાચ ખબર હશે કે શાંતિ ભારતની પ્રથમ ડેઈલી સોપ સીરિયલ હતી. એના આસરે ૭૮૦ એપિસોડ્સ પ્રસારિત થયા હતા, જે પૈકી ૩૦૦થી વધુ એપિસોડ્સમાં હું હતો. શાંતિના પ્રસારણ દરમિયાન રોડ પરનો અદનો આદમી મને ઓળખતો થયો. એટલે મેં પ્રસિદ્ધિનો એ તબક્કો જોયો છે. પરંતુ સીરિયલનું પ્રસારણ પુરું થયા બાદ હું ફરી જ્યાં હતો ત્યાં પાછો આવી ગયો. જાણે મારી ઓળખ રાતોરાત ચાલી ગઈ. એટલે જ હું અવરનવાર કહેતો હોઉં છું કે ટીવી સીરિયલો અખબારો જેવી છે. આજે એનું મહત્ત્વ છે અને આવતીકાલે એ છાપાની પસતિ બની જશે. હું પહેલેથી ફિલ્મોમાં જ કામ કરવા માગતો હતો. હવે તો ઓટીટી નામનું ત્રીજું મીડિયમ પણ છે. એ ફિલ્મો અને સીરિયલો વચ્ચેનો સ્વીટ સ્પોટ છે.'
રાજેશ તૈલંગ કહે છે, 'ફિલ્મમાંથી મારો રોલ કપાઈ ગયો હોય એવું ઘણી વાર બન્યું છે. એક નામાંકિત ડિરેક્ટરની ચાર ફિલ્મોમાંથી મારા રોલ કાપી નખાયા હતા. પહેલી વાર ગોવિંદ નિહલાનીની ફિલ્મ 'હજાર ચૌરાસી કી મા'માં આવું બન્યું. એ વખતે યુવાન વય હતી એટલે સીધુ જ ગોવિંદજીને આવું કરવા પાછળનું કારણ પૂછી લીધું. એ વખતે મને એમણે જે જવાબ આપ્યો એ આજેય અક્ષરશ: યાદ છે. એમણે કહ્યું, જો મારો એ સીન કાપવાનો પહેલેથી જ ઈરાદો હોત તો મેં એ શૂટ જ શા માટે કર્યો હોત? મને એ સીન કાપવાની ફરજ પડી છે. એ મારી મજબુરી છે. ગોવિંદજીની વાત સાચી છે. આ લાઈનમાં આવી મજબુરીઓ આવે છે. ઈટ્સ પાર્ટ ઓફ ધ ગેમ. એક્ટરે એની ફિકર ના કરવી જોઈએ.'
ઓટીટી મીડિયમે ઘણાં ભુલાઈ ગયેલા ચહેરાઓને લાઈમલાઈટમાં લાવી દીધા છે. એમાં તૈલંગ પણ સામેલ છે. એ સંબંધમાં જ એક્ટરને સમાપનમાં પૂછાય છે, 'સર, ઓટીટી આવ્યું એ પહેલા તમારી પાસે કોઈ કામ નહોતું. એ લાંબા ગાળા દરમિયાન તમારી આજીવિકા કઈ રીતે ચાલી?' એનો નિસાસો નાખીને ખુલાસો કરતા રાજેશ કહે છે, 'હું એ પીરિયડમાં મુંબઈ છોડી દિલ્હી ચાલ્યો ગયો હતો. એટલા માટે નહિ કે મને કામ મળતું જ નહોતું પણ એ કારણસર કે મારે જેટલું કામ જોઈતું હતું અને જેવા રોલ્સ કરવા હતા એ મળતા નહોતા. મને ડોક્ટર, વકીલ, પોલીસ ઓફિસર કે ચાચા-તાઉ જેવા ફુટકડિયાં રોલ્સ કરવામાં જરાય રસ નહોતો. એટલે મેં રાઇટિંગ, ડિરેક્ટીંગ અને એનએસડીમાં ભણાવવા જેવા બીજા કામ શરૂ કરી દીધા. એનએસડીમાં મેં ૧૦ વરસ ટીચિંગ કર્યું. મનમાં હતું કે ફિલ્મોમાં સારું કામ મળશે તો એ કરીશ. સદનસીબે મને રિચી મહેતાની મૂવી 'સિદ્ધાર્થ' મળી, જેમાં મારો લીડ રોલ હતો. એ રોલ માટે બેસ્ટ એક્ટરનું એક ઇન્ટરનેશનલ એવોર્ડમાં નોમિનેશન પણ મળ્યું હતું. 'સિદ્ધાર્થ' પછી લોકો મારી એક એક્ટર તરીકે નોંધ લેવા લાગ્યા. પછી મને ઇંગ્લીશ મૂવી 'ધ સેકન્ડ બેસ્ટ એક્ઝોટિક મેરીગોલ્ડ હોટલ' મળી, જેમાં મેં જ્યુડી ડેન્ચ અને મેગી સ્મિથ જેવા નામી એક્ટર્સ સાથે કામ કર્યું. બસ ત્યારથી આપણી ગાડી ફરી પાટા પર ચડી
ગઈ.'




