Chitralok

તાપસી પન્નુ : એક્શનની સાથે ઇમોશન હોય તો જ વાત જામે

By GS Team
17 Sep 20263 mins read
તાપસી પન્નુ : એક્શનની સાથે ઇમોશન હોય તો જ વાત જામે
  • 'દરેક ક્ષેત્રની જેમ સિનેમામાં પણ મહિલાઓએ પોતાની ક્ષમતા પૂરવાર કરવા પુરુષો કરતાં બમણી મહેનત કરવી પડે છે.'

પ્રત્યેક ફિલ્મમાં પોતાના અભિનયથી દર્શકો અને સમીક્ષકોને પ્રભાવિત કરતી અભિનેત્રી તાપસી પન્નુએ એક્શન ફિલ્મોમાં પણ કમાલ કરી બતાવી છે. વાસ્તવિક જીવનમાં અત્યંત આખાબોલી ગણાતી આ અદાકારાએ તાજેતરમાં રજૂ થયેલી પોતાની ફિલ્મ 'ગાંધારી'માં દ્રષ્ટિહીન હોવા છતાં વિકટ પરિસ્થિતિઓનો સામનો કેવી રીતે કરવો તે પડદા પર સાકાર કર્યું છે. આ ફિલ્મ જોકે ન તો ઓડિયન્સને ગમી છે કે ન તો ક્રિટિક્સને. જોકે તાપસીનું પર્ફોર્મન્સ લગભગ સૌને ગમ્યું છે. સો મણનો સવાલ જ આ છે: એક્ટરનો અભિનય ગમે એટલો સારો હોય, પણ જો સ્ક્રિપ્ટમાં જ દમ ન હોય તો શું ફાયદો?
કારકિર્દીના પ્રારંભિક તબક્કામાં 'બેબી' અને 'નામ શબાના' જેવી દમદાર એક્શન ફિલ્મો આપનાર તાપસીએ આ સિનેમામાં પણ એક્શન દ્રશ્યો આપ્યાં છે. જોકે તેણે ઘણા લાંબા સમય પછી ફરી એક્શન જોનર પર હાથ અજમાવ્યો છે. આ બાબતનું કારણ સ્પષ્ટ કરતાં અદાકારા કહે છે કે, 'હું અગાઉ આ જોનરની ફિલ્મો કરીને શારીરિક તેમજ માનસિક રીતે અત્યંત થાકી ગઈ હતી. વળી તે સમયે હું સાવ નોખા પ્રકારની ભાવનાત્મક ફિલ્મો કરવા ઇચ્છતી હતી. મને અંડરકવર એજન્ટ, પોલીસ ઓફિસર કે ખાસ મિશનને લગતી ઘણી બધી ફિલ્મો ઓફર થઈ હતી. પરંતુ મેં મારી ફિલ્મોના જોખમી સાહસિક દ્રશ્યો કોઈપણ સ્પેશિયલ ઇફેક્ટ વિના જાતે જ શૂટ કર્યા હોવાથી હું તન અને મન બંનેથી થાકી ગઈ હતી. વળી, હિંસા મારા મૂળ સ્વભાવમાં બિલકુલ નથી. હું વાસ્તવમાં મારામારી જોઈને ગભરાઈ જાઉં છું. ભલે બહારથી હું ગમે તેટલી બહાદુર દેખાતી હોઉં, પણ મારું મન અંદરથી અત્યંત સંવેદનશીલ અને કોમળ છે. જ્યારે મને 'ગાંધારી'ની વાર્તા સંભળાવવામાં આવી ત્યારે મને લાગ્યું કે મારા બંને હાથમાં લાડવા આવી ગયા છે. આ બરાબર એવી જ પટકથા હતી જેવી હું કરવા માંગતી હતી. તેના એક્શન દ્રશ્યો એકદમ અલગ પ્રકારના છે. મારે કોઈ દેશ બચાવવાના મિશન માટે અહીંથી તહીં ભાગવાનું નહોતું, મારે માત્ર મારી દીકરીને શોધવી હતી અને તેને મેળવવા માટે હું કંઈ પણ કરી છૂટવા તૈયાર હતી. તેથી આ ફિલ્મના એક્શન દ્રશ્યો સીધાં ભાવનાઓ અને ઊંડી સંવેદનાઓ સાથે જોડાયેલાં છે.'
આલિયા ભટ્ટની આ જોનરની ફિલ્મ 'આલ્ફા'ને ધાર્યાે પ્રતિસાદ મળી શક્યો નહોતો. આ સંદર્ભમાં તાપસી કહે છે, 'જો ીને કેન્દ્રમાં રાખીને બનાવાયેલી એકાદ એક્શન ફિલ્મ પણ સુપરહિટ નીવડે તો તેનો યશ તમામ અભિનેત્રીઓને મળે છે અને નિર્માતાઓ અન્ય હિરોઈનો પર પણ મોટો દાવ લગાવવા તૈયાર થાય છે. પરંતુ જો તે ફિલ્મ નિષ્ફળ જાય તો તેનું સીધું નુકસાન અન્ય સઘળી અદાકારાઓને ભોગવવું પડે છે. મારા મતે આ પ્રકારના સિનેમામાં અભિનેત્રીઓ પાસેથી અપેક્ષાઓનું ભારણ ઘણું વધારે રાખવામાં આવે છે. આજે પણ દરેક ક્ષેત્રની જેમ સિનેમામાં પણ મહિલાઓએ પોતાની ક્ષમતા પૂરવાર કરવા પુરુષો કરતાં બમણી મહેનત કરવી પડે છે. જો એવું ન હોત, તો પુરુષ કલાકારોને કેન્દ્ર સ્થાને રાખીને બનાવાયેલી સાવ સાધારણ અને નબળી એક્શન ફિલ્મો બોક્સ ઓફિસ પર આટલી મોટી સફળતા શી રીતે મેળવી શકત?'
વાત તો સાચી.