Chitralok

સની દેઉલ ધરમપાજીની કાર્બન કોપી બની ગયો છે

By GS Team
30 Jul 20263 mins read
સની દેઉલ ધરમપાજીની કાર્બન કોપી બની ગયો છે
  • હવે ફિલ્મોની ક્રેડિટ્સમાં એમનું નામ 'ધર્મેન્દ્રના પુત્ર સની દેઉલ' તરીકે મૂકવામાં આવે છે.

વધતી ઉંમર સાથે સની દેઉલ અદલ પોતાના સદ્ગત પાપા ધર્મેન્દ્ર જેવો દેખાવા લાગ્યો છે. સનીની ચાલ અને ભારેખમ હાથની મૂવમેન્ટ ધરમપાજી જેવી જ થઈ ગઈ છે. આ વાતની નોંધ થોડા દિવસ પહેલા મુંબઈના મીડિયાએ એની સિદ્ધાર્થ પી. મલ્હોત્રા દિગ્દર્શિત ફિલ્મ 'ઇક્કા'ના પ્રેસ સ્ક્રીનિંગમાં લીધી. ઓટીટી પર રિલીઝ થયેલા કોર્ટરૂમ ડ્રામા 'ઇક્કા'માં સની ઉપરાંત અક્ષય ખન્ના, તિલોતમા શોમ અને દિયા મિર્ઝા મહત્ત્વના રોલમાં છે. શો પૂરો થયા બાદ પત્રકારો મિની થિયેટરમાંથી બહાર નીકળવાની તૈયારીમાં હતા ત્યારે એક હૃષ્ટપુષ્ટ વ્યક્તિએ એન્ટ્રી લીધી.
જિન્સ, રોકડ ફુલ્લ-સ્લીવ શર્ટમાં સજ્જ એ વ્યક્તિએ ડાર્ક ગ્લાસ અને કેપ પહેર્યા હતા. પહેલી નજરે તો કોઈ એને ઓળખી ન શક્યું. એણે આંખ પરથી ચશ્મા ઉતાર્યા ત્યારે બધાને બત્તી થઈ કે અરે, આ તો આપણો સની પાજી છે. એક્ટરને હમણાં જ સ્ક્રીન પર દાઢીવાળા અવતારમાં જોઈને ઊભા થયેલા લોકો એને ક્લિન શેવેના લુકમાં જલ્દી ઓળખી ન શકે એ સ્વાભાવિક છે.
શરૂઆતમાં જ એક પત્રકારે એવી કમેન્ટ કરી કે 'સની સર, આજે તમે નવા લુકમાં ઓળખાયા જ નહીં' એ સાંભળી સનીએ એની રમુજ કરી કે 'આમેય આજકાલ એકટર્સની એક્ટિંગ ભુલાઈ ગઈ છે અને એમનો લુક જ વધુ મહત્ત્વનો બની ગયો છે.'
'ઇક્કા'ના ક્રેડિટ્સમાં એના લીડ એક્ટરનું નામ 'ધર્મેન્દ્રના પુત્ર સની દેઉલ' તરીકે આવે છે. પોતાને પિતા તરફથી મળેલા સિનેમાના વારસાની નોંધરૂપે સનીએ પોતાની ફિલ્મ 'બોર્ડર-૨'થી પોતાને આ રીતે ઓળખવાનું શરૂ કર્યું છે. ઇન્ટરએક્શન દરમિયાન એને પૂછાયું પણ ખરું કે હવે તમારું નામ સ્ક્રીન પર કાયમ આ રીતે જ જોવા મળશે કે કેમ? ૬૯ વરસના એક્ટરે એનો ખુલાસો કરવાનું ટાળી દીધું.
'ઇક્કા'માં દેઉલે એક નામી વકીલનું પાત્ર ભજવ્યું છે. ફિલ્મના અમુક કોર્ટરૂમ સીન્સમાં એનો ક્રોધાવેશ એની ફિલ્મ 'દામિની' (૧૯૯૩)ની યાદ દેવડાવે છે. રાજકુમાર સંતોષીની એ આઇકનિક મૂવીમાં પણ સનીએ વકીલનો રોલ કર્યો હતો.
ધરમજીની જેમ એમનો મોટો પુત્ર પણ વિવેકી અને મૃદુભાષી છે. એને પોતાના કોઈ વધુ પડતા વખાણ કરે એ ગમતું નથી. એના જવાબ પણ સરળ અને ટૂંકા હોય છે. દાખલા તરીકે, એક અતિ ઉત્સાહી મીડિયાકર્મીએ ફિલ્મમાં દેઉલના પરફોર્મન્સ બઢાવી-ચડાવીને વખાણ કર્યા ત્યારે એ એટલું જ બોલ્યો કે 'મેં તો સિર્ફ અપના કરતા હું' બીજા પત્રકારે એવી આગાહી કરી કે 'ઇક્કા'ને પબ્લિક તરફથી બહુ સારો રિસ્પોન્સ મળશે. સનીએ એના જવાબમાં હસીને વાત વાળી લેતા કહ્યું કે 'મારી ફિલ્મને ખરેખર સારો પ્રતિસાદ ન મળે ત્યાં સુધી હું એના વિશે બોલવાનું પસંદ નથી કરતો.'
સની દેઉલની નેકસ્ટ ફિલ્મ 'બટવારા ૧૯૪૭' છે. આમિર ખાન પ્રોડક્શન્સની રાજકુમાર સંતોષી દિગ્દર્શિત મૂવી ૧૪ ઓગસ્ટે રિલીઝ થશે. ફિલ્મના બેકગ્રાઉન્ડમાં ભારત-પાકના ભાગલાની સ્ટોરી છે. ત્યાર બાદ દિવાળીમાં એની ફિલ્મ 'રામાયણ પાર્ટ-૧' આવશે. એની બીજી બે ફિલ્મો 'ગબરુ' અને 'જાટ-૨' પણ પાઇપલાઇનમાં છે.