જમાઈરાજા રણવીર સિંહ, મારધાડ જરા ઓછી કરો...

રાઈટર-ડિરેક્ટર આદિત્ય ધરની 'ધુરંધર' ફ્રેન્ચાઈઝીની બંને ફિલ્મોએ દુનિયાના દરેક ખૂણે રેકોર્ડબ્રેક બિઝનેસ કર્યો છે. પરંતુ દર્શકોના એક વર્ગને, અને તેમાંય ખાસ કરીને સિનિયર સિટીઝન્સને આ ફિલ્મમાં દર્શાવવામાં આવેલી વધુ પડતી હિંસા પસંદ નથી પડી. 'ધુરંધર'ના લીડ એક્ટર રણવીર સિંહના સસરા પ્રકાશ પદુકોણે પણ તાજેતરમાં આ ફિલ્મ જોયા બાદ આવો જ અભિપ્રાય આપ્યો છે.
ભૂતપૂર્વ બેડમિન્ટન ચેમ્પિયન પ્રકાશ પદુકોણે (૭૧) પોતાના પત્ની ઉજ્જવલા (૬૮) સાથે 'ધુરંધર' જોયા બાદ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, 'આ એક શાનદાર મૂવી છે. ખરેખર ખૂબ જ સરસ રીતે બનેલી ફિલ્મ છે અને તેમાં દરેક એક્ટરે પ્રશંસનીય પરફોર્મન્સ આપ્યું છે. જોકે, અમને એવું લાગ્યું કે તેમાં થોડી વધારે પડતી હિંસા છે. મોટાભાગના લોકોને ફિલ્મ ગમી છે એટલે મને લાગે છે કે આ કહેવું જરૂરી છે.'
તાજેતરમાં રણવીર સિંહ સાથે કેટલીક કમશયલ એડ્સમાં જોવા મળેલા સિનિયર પદુકોણે પોતાના જમાઈ અને તેમના પરિવાર સાથેના સંબંધો વિશે પણ ખુલીને વાત કરી હતી. તેમણે કહ્યું કે, 'અમારા બંને પરિવારો વચ્ચે ખૂબ જ ગાઢ સંબંધો છે. અમે સૌ વર્ષમાં કમસે કમ એક વાર સાથે હોલિડે પર જવાનો આગ્રહ રાખીએ છીએ.'
બેડમિન્ટનના મહાન ખેલાડી પ્રકાશ પદુકોણની મોટી પુત્રી એટલે દીપિકા પદુકોણ. બોલિવુડની ટોપ અને હાઈએસ્ટ પેઈડ એક્ટ્રેસ. રણવીર સાથે લગ્ન કર્યા બાદ દીપિકાએ પુત્રીને જન્મ આપ્યો હતો, જેનું નામ દુવા છે. હવે રણવીર અને દીપિકાના ઘરે ફરીથી પારણું બંધાવવાનું છે. થોડા મહિના પહેલા જ બંનેએ સોશિયલ મીડિયા પર દીપિકા ફરી ગર્ભવતી હોવાની જાહેરાત કરી હતી. પ્રકાશ પદુકોણની નાની દીકરી અનીશા પદુકોણ એક પ્રોફેશનલ ગોલ્ફર છે..









