Chitralok

કભી કભી મેરે દિલ મેં ખય્યામ આતા હૈ

By GS Team
1 Oct 20266 mins read
કભી કભી મેરે દિલ મેં ખય્યામ આતા હૈ
  • શર્માજી ઉપનામથી સંગીત આપ્યું, પણ નિષ્ફળ ગયા, તખલ્લુસ બદલ્યું ને જામી ગયા. વિચારધારા સાથે સંગીત કઈ રીતે આપી શકાય તેનું શ્રેષ્ઠ ઉદાહરણ 'ફિર સુબહ હોગી'. સમાંતર સિનેમાની શરૂઆત થઈ તેનાં વર્ષો પહેલાં તેમણે સંગીતની સમાંતર ધારા વહાવી…

ખેમચંદ પ્રકાશે આસમાન પર બેસાડી દીધા હતા, તેઓ આ બધાને મૂકીને એક લો પ્રોફાઇલ સંગીતકાર ખય્યામનું ગીત કેમ પસંદ કરી રહ્યા હતા? એક સંગીતકાર તરીકે આ જ ખય્યામનો પરિચય છે.
મોહમ્મદ ઝહુર ખય્યામ હાશમીનો જન્મ ૧૯૨૭માં પંજાબના એ ભાગમાં થયો હતો, જે વિભાજન પછી પાકિસ્તાનમાં જતું રહ્યું છે. નાનપણમાં ભણવામાં જરાય રસ નહોતો. પાંચ ચોપડી ભણ્યા, પણ સંગીતમાં એટલે ઊંડે સુધી ગયા કે સંગીતના શહેનશાહો તેમને સાંભળે ત્યારે પોતાને અંગૂઠાછાપ મહેસૂસ કરે છે.
ધુનો કી યાત્રા- પુસ્તકમાં પંકજ રાગ લખે છે સંગીતમાં સુકૂનની વાત હોય તો ખય્યામ યાદ આવે છે. ભાગદોડ, પરેશાની અને દેકારા વચ્ચે ખય્યામનું સંગીત નીરવતાની સુંવાળી અને હુંફાળી બાથ ભરી લે છે.
ગુલામ અહેમદ ચિશ્તી ત્યારે લાહોરના ખ્યાત સંગીતકાર હતા. તરુણ વયના ખય્યામ તેમની પાસે કામ માગવા ગયા. તેઓ પોતાની એક ધૂનનો ટુકડો ભૂલી રહ્યા હતા. ન તેમને યાદ આવતો હતો, ન તેમના સાજિંદાને. પડખે બેઠેલા ઝહૂર મિયાંએ તુરંત એ ટુકડો સંભળાવ્યો. ચિશ્તી ખુશખુશાલ થઈ ગયા. તેમણે ખય્યામને પોતાના આસિસ્ટન્ટ તરીકે રાખી લીધા. શીખવાનું અમૂલ્ય હતું એટલે આસિસ્ટન્ટ તરીકેના પગારમાં તેમને મીંડુ આપવામાં આવતું હતું.
ખય્યામની સંગીત શૈલી તદ્દન મૌલિક હતી. તેમાં કોઈ પૂર્વવર્તીની છાંટ નહોતી. ન તો પછીની પેઢીના કોઈ સંગીતકારે તેમનું અનુસરણ કર્યું. હિંદી સિનેમા સંગીતમાં તેઓ એક ટાપુ સમાન બની રહ્યા.
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેમણે સેનામાં નોકરી કરી. બાદમાં બોમ્બે આવી ગયા. ૧૯૪૮માં હીરરાંજા ફિલ્મથી વર્માજી-શર્માજીની જોડીએ હિંદી સિનેમામાં સંગીતકાર તરીકે પદાર્પણ કર્યું. આ શર્માજી એટલે આપણા ખય્યામ સાહેબ અને વર્માજી એટલે રહમાન વર્મા જેઓ ભાગલા પછી પાકિસ્તાન જતા રહ્યા. જોડી તૂટી ગઈ.
પ્રોડયુસર ચંદુલાલ શાહ ફિલ્મ બનાવી રહ્યા હતા, ફૂટપાથ. તેમને શર્માજીનું સંગીત ખૂબ ગમ્યું. સંગીત નિર્દેશનની જવાબદારી તેમને સોંપતા એક શરત મૂકી, આજથી તમારું તખલ્લુસ ખય્યામ. પછી જે બન્યું તે ઈતિહાસ છે. શામ-એ-ગમ કી કસમ, આજ ગમગીં હૈ હમ એટલું હિટ થયું કે લોકો એ પણ ભૂલી ગયા કે આના અદાકાર દિલીપ કુમાર છે. આમાં નવી વાત એ હતી કે બોલિવુડમાં પ્રથમ વખત સ્પેનિશ ગીટાર અને ડબલ બાસ રિધમનો પ્રયોગ થયો.
ફૂટપાથની સફળતા તેમને ગાલીચા પર લાવી શકી નહીં, જોકે જે કંઈ થોડું ઘણું કામ તેમને મળી રહ્યું હતું તેમાં તેઓ પોતાનું બેસ્ટ આપી રહ્યા હતા. તેઓ સફળ થવા લાગ્યા તો ટીકાકારોને મોઢાં ફૂટયાં. ખય્યામ પાસે સંગીતની લિમિટેડ રેન્જ છે.
તેઓ પોતાના સંગીતનું પુનરાવર્તન કરે છે. હશે જે હોય તે. પણ કમસેકમ તેમનું સંગીત તેમનું પોતાનું તો હતું, તેઓ હોલિવુડના સંગીતના ઉતારા નહોતા કરતા. તેમાં વિશુદ્ધ ભારતીયપણું હતું. રાગ પહાડી અને રાગ યમનનો ઉપયોગ કરી તેમણે જે મેલડી સર્જી છે તે અભૂતપૂર્વ છે.
શગુનના ગીત ડુપરહિટ નીવડયા. જગજીત કૌરે તુમ અપને રંજ ઓ ગમ નવી ઊંચાઈએ પહોંચ્યું અને તેમના ખય્યામ સાથેના સંબંધો વૈવાહિક ઊંચાઈ પર પહોંચ્યા. ગીત-સંગીતની જેમ સુખ-દુ:ખના પણ ભાગીદાર બની ગયા. રાગ પહાડીમાં સ્વરબદ્ધ થયેલું અને મોહમ્મદ રફીએ ગાયેલું, પર્બતો કે પેડો સાથે કામ કરી ચૂક્યા હતા. રમેશ સહગલે રાજ કપૂર અને ખય્યામની મીટિંગ ફિક્સ કરી. રાજ કપૂરે તેમને લતા મંગેશકર પાસેથી મળેલો તાનપુરો ભેટ આપ્યો અને કશુંક સંભળાવવાનું કહ્યું. બપો૨નો વખત હતો. ખય્યામે પૂરિયા ધનાશ્રી રાગ સંભળાવ્યો. રાજ સાહેબે ટાઇટલ સોંગ બનાવવા કહ્યું. ખય્યામે ત્યાં બેઠા-બેઠા પાંચ ધૂન સંભળાવી. રાજ સાહેબ રમેશ સહગલને લઈને બીજા રૂમમાં ગયા. થોડી વાર બાદ બંને પાછા ફર્યાને સહગલ ખય્યામને ભેટી પડયા.
ફિર સુબહ હોગીના બધા ગીત હિટ થયા. મુકેશ અને આશાએ ગાયેલું વો સુબહ કભી તો આયેગી ને ફિર ન કિજે મેરી ગુસ્તાખ નિગાહી કા ગીલા લોકપ્રિય બન્યા. સમાજવાદની તર્જ પર બનેલું, ઈશ્વરને ચેલેન્જ કરનારું આસમાં પે હૈ ખુદા ઔર ઝમી પે હૈ હમ વખણાયું. ચીન-ઓ-અરબ હમારા, હિંદુસ્તાં હમારા, રહને કો ઘર નહીં હૈ, સારા જહાં હમારા- ખૂબ પસંદ કરવામાં આવ્યું.
આજે દર બીજી બોલિવુડ ફિલ્મમાં પંજાબી ગીત હોય છે. આ ટ્રેન્ડ શરૂ કરવાનો શ્રેય યશ ચોપડા ઉપરાંત ખય્યામને જાય છે. લવ ટ્રાયેન્ગલ પરથી કભી-કભી બનાવી રહેલા યશજીને એક એવા સંગીતકારની જરૂર હતી જે ઢોલકની ટાપ, ટપ્પા, ગીદ્દા અને ભાંગડાથી પરિચિત હોય. ફિલ્મના ગીતો કેટલા હિટ થયા તે તો આપણે બધા જ જાણીએ છીએ. કભી-કભી મેરે દિલ મેં ખયાલ આતા હૈ માટે મુકેશને મરણોપરાંત ફિલ્મફેર અવોર્ડ મળ્યો.
છેક ૩૦ વર્ષ સુધી સંગીત આપ્યા બાદ ખય્યામનો સિતારો ચમક્યો. તેઓ પ્રથમ પંગતમાં બેસી ગયા. સંગીત માટે ધડાધડ ફિલ્મો મળવા લાગી. કસમ, ત્રિશૂલ, ખાનદાન. શંકર હુસૈન ચલપટનો ઉલ્લેખ ફરજિયાતપણે કરવો પડે. એ પિક્ચરમાં ત્રણ ગીતકાર હતા. એક ગીત તો કમાલ અમરોહીનું પોતાનું હતું, કહી એક માસૂમ નાઝુક સી લડકી. જાંનિસાર અખ્તરનું આપ યૂં ફાસલો સે ગુઝરતે રહે, દિલ પે યૂં કદમો કી આવાઝ આતી રહી. કૈફ ભોપાલીનું અપને આપ રાતો મેં. ત્રીજા ગીતમાં ખય્યામના સંગીતમાં લતા મંગેશકરના અવાજની મેળવણી થતા વિશેષ આકર્ષક બની રહે છે.
ખય્યામની વિશેષતા એ છે કે તેમના નિર્દેશનમાં સંગીત, ગીત અને ગાયન ત્રણે પાંખડી પૂરેપૂરી ખીલે છે. તેમણે બોલિવુડના લોકપ્રિય ગીતકારોને લેવાને બદલે હંમેશા સ્થાપિત કવિઓ પાસે જ ગીત લખાવ્યા અથવા તેમને કૃતિ સંગીતબદ્ધ કરી.
મિર્ઝા ગાલિબ, દાગ, વલી, અલી સરદાર જાફરી, મજરુહ સુલતાનપુરી, સાહિર લુધિયાનવી, નક્શ લાયલપુરી, નીદા ફાઝલી, જાંનિસાર અખ્તર, અહેમદ વાસી. તેઓ માનતા કે કવિતા વધારે સારી હશે તો સંગીતને અધિક સૌંદર્ય અને અર્થપૂર્ણતા મળશે. આથી તેઓ કવિઓને છૂટથી લખવા દેતા. તેમની કવિતામાં ક્યાંય હસ્તક્ષેપ ન કરતા. ફિલ્મ જગતમાં હોવા છતાં તેમને સંગીત નાટક અકાદમી, દિલ્હીનો અવોર્ડ મળ્યો. કેમ કે તેમણે ભારતીય સંગીતમાં મૌલિક ઉમેરણ કર્યું હતું. રહી-રહીને તેમની પ્રતિભાને ખૂબ સરાહના મળી. પદ્મ ભુષણથી સન્માનિત કરવામાં આવ્યા. બોલિવુડમાં સમાંતર સિનેમાનો ટ્રેન્ડ શરૂ થયો તેના વર્ષો પહેલા તેમણે મુખ્યધારા સંગીતની સમાંતરે કામ કર્યું.
રઝિયા સુલ્તાનમાં પણ કમાલ અને ખય્યામ સાથે હતા. તેના એ દિલે નાદાં, આઇ જંઝીર કિ ઝનકાર ખુદા ખૈર કરે અને જલતા હૈ બદન ગીતો આજે પણ એવા જ કંઠસ્થ છે. લતા મંગેશકર મુજરાના ગીતો ભાગ્યે જ ગાતા, પરંતુ ખય્યામને ઇનકાર કરી શકેલા નહીં.
ખલિલ જિબ્રાને પ્રોફેટથી આગળ કંઈ નથી આપ્યું, તેમ ખય્યામના જીવનનું શ્રેષ્ઠ સર્જન એટલે ઉમરાવ જાન. રેખાનો અભિનિય, શહરયારની ગઝલ, ખય્યામનું સંગીત અને આશાનો અવાજ. એક સાથે ચાર શરાબનો કોકટેલ. એક બાજુ એ સમયમાં પંચમ દાની ઢગલાબંધ ફિલ્મો અને બીજી બાજુ ખય્યામની આ એક માત્ર. તેમણે આશા ભોંસલેની ગાયકીને નવો આયામ આપ્યો. બાઝાર ફિલ્મમાં મીર તકી મીરની ગઝલ દિખાઈ દિયે યૂ કી બેખુદ કિયા આશા પાસે ગવડાવીને તેમની ગાયકીને ફાઇનલ ટચ આપી દીધો હતો. તેમણે ઓછું સંગીત આપ્યું, કિન્તુ જેટલું આપ્યું તેટલું માઇલ સ્ટોન. દુકાન ચલાવવા માટે ક્યારેય બાંધછોડ ન કરી. તેઓ ચાહત તો ટ્રેન્ડ પ્રમાણે, હોલીવુડની કોપી મારીને ગીતોના ઢગલા કરી પૈસાના કોથળા ભરી શક્યા હોત. તેવું ન કરવાનો સંયમ જાળવી શક્યા એ તેમની પ્રતિભામાં વિશેષ સુગંધ ઉમેરે છે. ૪૦ વર્ષ લાંબી કારકિર્દીમાં ફક્ત ૩૫ ફિલ્મો કરી કિન્તુ એકથી એક લાકડા જેવી.
જિંદગીભરની મહેનત બાદ કમાયેલા રૃા.૧૦ કરોડની સંપત્તિનું ટ્રસ્ટ બનાવી નાખ્યું, જે નવોદિત ટેકનિશિયનો અને કલાકારોને આગળ આવવામાં મદદ કરે. જોવાની વાત એ છે કે મદનમોહનના કંપોઝિશન્સ લઈને ફિલ્મ બનાવનારા નવા જમાનાના દિગ્દર્શકે ખય્યામ સાહેબની ટેલેન્ટનો ઉપયોગ ન કર્યો. ધેટ્સ લાઇફ.