શ્રીકૃષ્ણનો રોલ કરી કર્મમાં માનતો થયો સિદ્ધાર્થ ગુપ્તા

સિનેમાના સ્ક્રીન પર ભગવાન બનવું સહેલુ નથી. દરેક એક્ટર માટે એ વિકટ કાર્ય છે પણ એમાં સફળ થયા બાદ એક્ટરને જબરદસ્ત લોકપ્રિયતા હાંસલ થાય છે. જનતા એમને ભગવાન જ માનતી થઈ જાય છે. 'કૃષ્ણાવતારમ પાર્ટ-૧ : હૃદયમ્'માં ભગવાન કૃષ્ણનો રોલ કરનાર સિદ્ધાર્થ ગુપ્તાને એનો સારો અનુભવ છે. ફિલ્મ રિલિઝ થયા બાદ થિયેટરોમાં દર્શકો સાથેનો પોતાનો અનુભવ વાગોળતા ૩૨ વરસનો એક્ટર કહે છે, 'ફિલ્મ જોયા બાદ તમામ વય અને વર્ગના પુરુષો અને સ્ત્રીઓ રડી પડતા અને બધા લાગણીવશ બની મારો ચરણસ્પર્શ કરવા પ્રયાસ કરતા. મને જોઈને એમની આંખોમાં આવતી ચમકમાં મને સાક્ષાત શ્રીકૃષ્ણ દેખાતા. એમનો કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ અદ્ભુત હતો. દર્શકોનો મારા પ્રત્યેનો આદર અલૌકિક હતો. એમની લાગણી જોઈને હું કૃતજ્ઞા બન્યો છું.'
સિદ્ધાર્થની માતા કૃષ્ણભક્ત હોવાથી એને માટે નાનપણથી જન્માષ્ટમીનો તહેવાર એકદમ ખાસ રહ્યો છે. બાળપણમાં પરિવાર સાથે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી યાદ કરતા એક્ટર કહે છે, 'અમે બધા બાળકો મીણમાંથી જાણે કૃષ્ણની મૂર્તિઓ બનાવતા અને એમને સુંદર રીતે રંગતા. મેં મારી કોલોનીમાં નાનો હતો ત્યારે ઘણીવાર દહી હાંડી ફોડી છે. કોલોનીમાં ઘણાંને એમ લાગતું કે હું કૃષ્ણ જેવો જ દેખાવ છું અને મજાની વાત જુઓ કે મારા ભાગે શ્રીકૃષ્ણની ભૂમિકા ભજવવાનું જ આવ્યું.'
આ વરસે સિદ્ધાર્થનો પરિવાર ખાસ જન્માષ્ટમી ઉજવવા મુંબઈ આવ્યો હતો. એક્ટરે પોતાના હાથે કનૈયાની મૂર્તિ બનાવી એને પેઈન્ટ કરી હતી. શ્રીકૃષ્ણના રોલ માટેના હોમવર્ક સમા ભગવદ ગીતાના વાંચનમાંથી મળેલા બોધ અને જ્ઞાાન શેર કરતા ગુપ્તા કહે છે, 'જીવનમાં કર્મયોગી કઈ રીતે બનાય એ હું આ ફિલ્મ કરીને શીખ્યો. મેં જાણ્યું કે વ્યક્તિએ પોતાના કર્મમાં આનંદ લેવો અને પરિણામની ચિંતા ઈશ્વર પર છોડી દેવી જોઈએ. આપણે બધા અવારનવાર સાંભળતા આવ્યા છીએ કે કર્મ કર, ફલ કી ચિંતા મત કર. કર્મ પર જ આપણો અધિકાર છે, એના પરિણામ પર નહિ. આજના સમયમાં એ બહુ ઉપયોગી ઉપદેશ છે. એને જીવનમાં ઉતારો અને પાળતા થાવ તો સ્ટ્રેસ તમારી આસપાસ પણ ન ફરકે. તમે તમારું કર્તવ્ય સારામાં સારી રીતે કર્યું એ જ ઘણું છે. એના પરિણામની ફિકર કરવાની કોઈ જરૂર નથી. જીવનમાં સુખ-શાંતિ જોઈતી હોય તો આ કરવા જેવું છે.'




