સના સઈદ છ વર્ષ સુધી ઇટિંગ ડિસ્ઓર્ડરથી પીડાઈ

- 'એક વાર મારા હાથમાં એક પુસ્તક આવ્યું. મેં તે વાંચ્યુ ત્યારે મને સમજાયું કે હું બુલિમિયા નામની બીમારીના સપાટામાં આવી છું. મને સાજા થતાં ચાર વર્ષ જેટલો લાંબો સમય લાગ્યો હતો.'
- હું ખાધા પછી ખૂબ ઊલટીઓ કરતી : અદાકારા
તા જેતરમાં અભિનેત્રી સના સઈદે પણ કાંઈક આવું જ કર્યું હતું. અદાકારાએ તેની ઇટિંગ ડિસ્ઓર્ડરની બીમારી વિશે વાત કરી હતી. સનાએ કહ્યું હતું કે તે લાગલગાટ છ વર્ષ સુધી બુલિમિયા નામે ઓળખાતા ઇટિંગ ડિસ્ઓર્ડરમાંથી પસાર થઈ હતી. આ બીમારીમાં જે તે રોગી અમાપ ખાય અને પછી ઊલટી કરે. સનાએ ઇન્સ્ટાગ્રામ પર આ વાત જણાવતાં વધુમાં કહ્યું હતું કે છ-છ વર્ષ સુધી મને સમાજ જ નહોતી પડી કે મને શું થઈ રહ્યું છે. હું એમ માનતી રહી કે આવું માત્ર મને જ થઈ રહ્યું છે. મને એ વાતની કલ્પના સુધ્ધાં નહોતી કે આ એક ઇટિંગ ડિસ્ઓર્ડર છે.
૧૯૯૮માં આવેલી ફિલ્મ 'કુછ કુછ હોતા હૈ'માં બાળકલાકાર તરીકે અભિનય ક્ષેત્રે કદમ માંડનાર સના ઉમેરે છે કે એક વાર મારા હાથમાં એક પુસ્તક આવ્યું. મેં તે વાંચ્યુ ત્યારે મને સમજાયું કે હું કઈ વ્યાધિના સપાટામાં આવી છું. ત્યાર પછી મારી સાજા થવાની પ્રક્રિયા શરૂ થઈ. જોકે મને સાજા થતાં પણ ચાર વર્ષ જેટલો લાંબો સમય લાગ્યો હતો. તે વખતે હું કોલેજમાં હતી અને ઝીરો ફિગર ટ્રેન્ડમાં હતું. મારું ફિગર હાડપિંજર જેવું પાતળું રાખવા આખો આખો દિવસ ભૂખી રહેતી. વળી ફિલ્મોમાં કામ કરવા માટે પણ પાતળા રહેવું અત્યાવશ્યક હતું. મને વર્ષ ૨૦૧૨માં 'સ્ટુડન્ટ ઓફ ધ યર-ટુ'માં કામ પણ મળ્યું.
ધીમે ધીમે મને સમજાવા લાગ્યું કે જો હું આવી સાંઠીકડા જેવી રહીશ તો લગ્ન પછી મારું વિવાહિત જીવન શી રીતે માણી શકીશ? અને હું માતા બનીશ ત્યારે શું? શું હું મારા સંતાનને પણ કુપોષિત રાખીશ? મને ગમે તેમ કરીને સ્વસ્થ રહેવું જ પડશે.
હવે સના કાયમ માટે લોસ એંજલસમાં સ્થાયી થઈ ગઈ છે. તે તેના વિદેશી પતિ સાબા વેેંગર સાથે મળીને નિર્માણગૃહ ચલાવે છે, તે કહે છે કે કોઈ નથી જાણતું હોતું કે ભૂતકાળમાં તમે કેવી સ્થિતિમાંથી પસાર થયા હતા. પરંતુ મારા આ કપરા કાળે મને સમજાવ્યું કે મને શું કરવું છે.









