રાજકુમાર રાવે 'દાદા'ની બાયોપિકની ઘોષણા જર્સી ફરકાવીને કરી

મહેન્દ્ર સિંહ ધોની બાદ ભારતીય ક્રિકેટ ટીમના વધુ એક મહાન સુકાનીની બાયોપિક બની રહી છે. આ ફિલ્મનું નામ 'દાદા: ધ સૌરવ ગાંગુલી સ્ટોરી' રાખવામાં આવ્યું છે. મૂવીમાં 'દાદા' તરીકે જાણીતા સૌરવ ગાંગુલીની એક આશાસ્પદ યુવાન ક્રિકેટરથી લઈને ભારતના સૌથી સફળ અને નીડર કેપ્ટન બનવા સુધીની સફરને આવરી લેવાશે. આઠમી જુલાઈએ ગાંગુલીના જન્મદિવસે ફિલ્મના પ્રોડયુસર્સ લવ રંજન અને અંકુર ગર્ગ દ્વારા મૂવીનો ફર્સ્ટ લુક બહાર પાડવામાં આવ્યો હતો.
પોસ્ટરમાં રાજકુમાર રાવ 'દાદા'ના રોલમાં શર્ટ કાઢીને પોતાની બ્લુ જર્સી હવામાં ફરકાવતો નજરે પડે છે. બાયોપિકના ફર્સ્ટ લુક માટે દેશના કરોડો ક્રિકેટપ્રેમીઓના મનમાં કાયમ માટે અંકિત થઈ ગયેલી એ ઐતિહાસિક ક્ષણને પસંદ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ૨૪ વર્ષ પહેલાં ભારતીય ક્રિકેટ ટીમે એક દિલધડક ફાઈનલ મેચમાં નેટવેસ્ટ સિરીઝ જીત્યા બાદ સૌરવ ગાંગુલીએ ઉત્સાહમાં આવીને લંડનના લોર્ડ્સ સ્ટેડિયમની બાલ્કનીમાં પોતાની જર્સી ઉતારીને ધ્વજની જેમ ફરકાવી હતી અને ક્રિકેટ ઇતિહાસમાં આ ક્ષણને અમર કરી દીધી હતી.
ફર્સ્ટ લુક માટે આ યાદગાર પળને પસંદ કરવા પાછળનું કારણ આપતાં ફિલ્મમેકર્સે કહ્યું કે, એ પ્રસંગ ગાંગુલીના નેતૃત્વમાં શરૂ થયેલા ભારતીય ક્રિકેટના એક આક્રમક અને બોલ્ડ યુગનું પ્રતીક છે. તે ભારતીય ટીમના નવા આત્મવિશ્વાસ અને જુસ્સાની ઓળખ છે. દાદાનો રોલ કરી રહેલા રાજકુમાર રાવે પણ ઉમેર્યું કે, 'કરોડો ભારતીયોની જેમ હું પણ દાદાની નિર્ભયતા અને તેમના નેતૃત્વનો મોટો પ્રશંસક રહ્યો છું. હું જે વ્યક્તિનો ચાહક છું તેમનું પાત્ર પડદા પર ભજવવું મારા માટે ખૂબ મોટા સન્માનની વાત છે.'
ગાંગુલીની બાયોપિકનું શૂટિંગ આ વર્ષના એપ્રિલ મહિનાથી જ શરૂ થઈ ગયું છે. આ ફિલ્મને આવતા વર્ષે ૧૪મી મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ કરવાનું આયોજન છે. ફિલ્મનું નિર્દેશન વિક્રમાદિત્ય મોટવાની કરી રહ્યા છે.









