Chitralok

પરિણીતી ચોપરા: માતૃત્વ સાથે જ ધમાકેદાર રોલમાં વાપસી

By GS Team
17 Sep 20263 mins read
પરિણીતી ચોપરા: માતૃત્વ સાથે જ ધમાકેદાર રોલમાં વાપસી
  • સિરીઝમાં પરિણીતી ભયાનક પરિસ્થિતિમાં ડૂબેલી મા બની છે, જે બેબાકળી બનીને પોતાના બાળકને શોધી રહી છે. બીજી તરફ, વાસ્તવિક જીવનમાં એ ખુદ માતા બનવાના અંગત અનુભવમાંથી પસાર થઈ રહી હતી.
  • બોલિવુડની 'પરી' હવે પરિપક્વ બની છે. નવી સિરીઝ એની કારકિર્દી માટે મહત્ત્વનો વળાંક સાબિત થઈ શકે છે…

પરિણીતી ચોપરા કાયમ વિવિધ પ્રકારની લાગણીઓ દર્શાવવા તૈયાર અભિનેત્રી રહી છે, પણ તેની આગામી સીરીઝ 'શક: ટ્રસ્ટ નો વન'માં તેની વ્યાવસાયિક અને અંગત લાગણીઓ અદ્ભુત રીતે એકમેકમાં ભળી જતી જોવા મળે છે. સિદ્ધાર્થ પી. મલ્હોત્રા દ્વારા રચિત અને રેન્સિલ ડી' સિલ્વા દ્વારા દિગ્દર્શિત આ થ્રિલરમાં પોતાના અપહ્યત બાળક માટે માતાના અવિરત સંઘર્ષની વાત છે. રસપ્રદ બાબત છે કે સીરીઝના શૂટ સમયે પરિણીતી વાસ્તવમાં માતૃત્વ તરફ ડગ માંડી રહી હતી, જેના કારણે પ્રોજેક્ટમાં એક ભાવનાત્મક પરિમાણ પણ ઉમેરાયું.
મલ્હોત્રાના જણાવ્યા અનુસાર કેન્દ્રવર્તી ભૂમિકા માટે પરિણીતી સાહજિક રીતે પ્રથમ પસંદગી હતી. જ્યારે ડી'સિલ્વાએ તેમને વાર્તા સંભળાવી ત્યારે તેમની તાત્કાલિક પ્રતિક્રિયા હતી કે પરિણીતીએ મુખ્ય નાયિકાની ભૂમિકા નિભાવવી જોઈએ. બંનેને પરિણીતીની ક્ષમતા યોગ્ય રીતે બંધબેસતી લાગી.
આ વાર્તાને વધુ રસપ્રદ બનાવે છે કેેમેરા પાછળની ઘટનાઓ. સીરીઝના શૂટ દરમ્યાન સર્જકોને જાણ થઈ કે પરિણીતી સગર્ભા છે. મલ્હોત્રાએ જણાવ્યું તેણે શરૂઆતમાં ટીમને કહ્યા વિના કામ કરવાનું ચાલુ રાખ્યું, જો કે તેમને શક તો હતો જ!
સિરીઝમાં પરિણીતી ભયાનક પરિસ્થિતિમાં ડૂબેલી માતા બની છે, જે બેબાકળી બનીને પોતાના બાળકને શોધી રહી છે. બીજી તરફ, સ્ક્રીનની બહાર તે પોતે જ માતા બનવાના અત્યંત અંગત અનુભવમાંથી પસાર થઈ રહી હતી. આ યોગાનુયોગથી ફિલ્મ શકમાં એક અલગ જ પ્રકારની ભાવુકતા જોડાઈ ગઈ, પછી ભલે તે પરિણીતીના વાસ્તવિક જીવન અનુભવથી અત્યંત ભિન્ન વાર્તા હોય.
પરિણીતીએ ઓક્ટોબર ૨૦૨૫માં પુત્રને જન્મ આપ્યો અને પોતાના જીવનમાં નવુ પ્રકરણ શરૂ કર્યું. આ રોલ માટે માત્ર ભય અને અસહાયતા દર્શાવવું પૂરતું નહોતુ, તેના માટે એવી અભિનેત્રીની જરૂર હતી જે એક માતાના એવા સ્વાભાવિક દ્રઢ સંકલ્પને વ્યક્ત કરી શકે, જે સંપૂર્ણ હાર સામે હોવા છતાં પણ હાર નથી માનતી.
મલ્હોત્રા અને તેની ટીમ માટે શક એક લાંબા સમયથી ચાલી આવેલો પસંદગીનો પ્રોજેક્ટ રહ્યો છે. કહેવાય છે કે આ સીરીઝ એક અખબારી રિપોર્ટથી શરૂ થઈ, જેના પર આઠ વર્ષથ વધુ સમય અગાઉ ડી સિલ્વાનું ધ્યાન ગયું હતું. જ્યારે મલ્હોત્રાને આ વાર્તા સંભળાવવામાં આવ, તો તેમને તુરંત લાગ્યું કે એમાં માત્ર એક સામાન્ય થ્રિલરના સ્થાને જોરદાર સીરીઝ બનવાની ક્ષમતા છે. ત્યારે પછી નેટફ્લિક્સે આ કોન્સેન્પટ પ્રત્યે સકારાત્મક પ્રતિક્રિયા આપી, જેનાથી પ્રોજેક્ટ સ્ક્રીન સુધી પહોંચવાની લાંબી સફર માટે શરૂ થઈ ગયો.
આ પ્રોજેક્ટના શીર્ષકમાં પણ ફેરફાર કરાયો છે. ઓટીટી પાર્ટનરની ૨૦૨૬ની જાહેરાતો દરમ્યાન તેનો પ્રથમ લક 'તલાશ: અ મધર્સ સર્ચ' શીર્ષક સાથે દર્શાવાયો હતો. મલ્હોત્રાએ જણાવ્યું કે મૂળ શીર્ષક શક, અગાઉ પણ કોઈએ રજિસ્ટર કરાવ્યું હતું, જેના કારણે સર્જકોએ થોડો સમય તલાશનો ઉપયોગ કરવો પડયો. જો કે સદ્નસીબે તેમને મનપસંદ ટાઈટલ મળી ગયું, જેનાથી સીરીઝની પોતાની અસલ ઓળખ 'શક: ટ્રસ્ટ નો વન' સાથે વાપસી થઈ શકી.
પરિણીતી ચોપરા માટે આ સીરીઝ તેની કારકિર્દીમાં એક મહત્વનો પડાવ સાબિત થઈ શકે છે. રોમાન્સ, ડ્રામા, કોમેડી અને ગંભીર પાત્રોમાં પોતાની ઓળખ બનાવ્યા પછી હવે તે એક સાયકોલોજીકલ થ્રિલરના કેન્દ્રમાં છે, જે વિશ્વની સૌથી સામાન્ય અને ગાઢ ભાવનાઓમાંથી એક, માતાના પોતાના બાળક માટેના પ્રેમ પર આધારીત છે.
રસપ્રદ વાર્તા, લાંબો સમય સુધી ચાલેલી વિકાસ પ્રક્રિયા અને પરિણીતીનો એવો રોલ જેમાં ખૂબ જ ભાવનાત્મક ઊંડાણની જરૂર હોય, આ તમામ કારણોસર 'શક: ટ્રસ્ટ નો વન' તેનો સૌથી વિશિષ્ટ સ્ક્રીન પ્રોજેક્ટમાંથી એક બની શકે છે. અને કદાચિત આ પ્રોજેક્ટની સૌથી રસપ્રદ વાત છે જ્યારે પરિણીતી સ્ક્રીન પર એક માતાની બેબાકળીભરી શોધ નિભાવી રહી છે ત્યારે પોતે પણ વાસ્તવિક જીવનમાં માતા બનવાની સફરની શરૂઆત કરી રહી હતી, એક એવો સંયોગ જે આ સીરીઝને એક માનવીય સ્પર્શ આપે છે.