નિમિષા સજયન: સઘળો ખેલ કરીઅર અને અંગત જીવનને સંતુલિત રાખવાનો છે

- 'સમાજમાં જે બની રહ્યું હોય તેનું પ્રતિબિંબ જો ફિલ્મમાં પડતું હોય તો મને તે કરવાની મજા પડે. અલબત્ત, ફિલ્મ થકી જે સંદેશો અપાતો હોય તે પણ મને જચવો જોઇએ. મને નેગેટિવ રોલ કરવાની તીવ્ર ઇચ્છા છે.'
આજની હિન્દી ફિલ્મોમાં કામ કરતાં એક્ટર્સ માટે પાત્રની જરૂરિયાત અનુસાર વજન વધારવું કે ઘટાડવું સામાન્ય બની રહ્યું છે. નસીરૂદ્દીન શાહે જલવા ફિલ્મમાં વજન વધારવાનું કામ અસરકારક રીતે કરેલું. ૨૦૧૬માંઆવેલી દંગલમાં પણ આમિર ખાને પોતાના પાત્રની જરૂરિયાત અનુસાર વજન વધારી બતાવ્યું હતું. એ જ રીતે હિરોઇન્સમાં ભૂમિ પેડણેકરે એક વર્ષ અગાઉ ૨૦૧૫માં દમ લગા કે હઇસા ફિલ્મ માટે વજન વધારી બતાવ્યું હતું. પણ એક્ટર્સ માટે આ એક પડકારજનક કામ બની રહે છે. પણ તેના કારણે પાત્ર ભજવવામાં જે સંતોષ મળે છે તે પણ અનન્ય હોય છે. હાલ બબિતાસિંહ રિપોર્ટિંગ નામની ફિલ્મમાં હિરોઇન નિમિષા સજયને પણ ૧૪ કિલો વજન વધારી તેના પાત્ર બેબીને જે ન્યાય આપ્યો છે તેના વખાણ થઈ રહ્યા છે. એમેઝોન પ્રાઇમ પર ઓગસ્ટ મહિનાના અંતમાં રિલિઝ થયેલી આ ફિલ્મનું નિર્દેશન અંબિકા પંડિતે કર્યું છે જ્યારે તેનું લેખન અમિત વ્યાસે કર્યું છે. તેના નિર્માતા સુદીપ શર્મા છે. બબિતાસિંહ રિપોર્ટિંગમાં મુખ્ય ભૂમિકા ભજવનારી નિમિષા સજયન એક મલયાલી હિરોઇન છે પણ રસપ્રદ બાબત એ છે કે તેણે મલયાલમ ભાષામાં બનેલી ફિલ્મોમાં પ્રમાણમાં બહું ઓછું કામ કર્યું છે.
મલયાલમ હોવા છતાં મલયાલી ફિલ્મોમાં કામ ઓછું કરવાનું એક કારણ એ પણ હોઇ શકે કે ૨૯ વર્ષની નિમિષા મૂળ મુંબઇમાં મલયાલી માતાપિતાના પરિવારમાં જન્મીને મુંબઇમાં જ ઉછરી છે. તેના પિતા સજયન નાયર એન્જિનિયર છે. કાર્મેલ કોન્વેન્ટ સ્કૂલમાં ભણી કે.જે. સૌમૈયા કોલેજમાંથી માસ કમ્યુનિક્ેશન્સમાં ડિગ્રી મેળવનારી નિમિષા નાનપણથી જ એક્ટિંગ કરવાનું સ્વપ્ન જોતી આવી છે. તેણે મલયાલમ ફિલ્મોમાં કામ કરવા માટે ઓડિશન આપવાનું શરૂ કરી દીધેલું. આ રીતે તેને પ્રથમ મલયાલમ ફિલ્મ થોન્ડીમુથાલુમ દ્રીકસાક્ષ્યમ ૨૦૨૭માં મળી. પ્રથમ ફિલ્મમાં જ બેસ્ટ ડેબ્યુ ફિમેલ એક્ટ્રેસનો એવોર્ડ જીતી જનારી નિમિષા નાનપણમાં તેની બહેન સાથે મોટાભાગે હિન્દી ફિલ્મો જ જોતી હતી. જ્યારે તેના માતાપિતાને મલયાલમ ફિલ્મો જોવાનું ગમતું હતું. આમ, નાનપણથી જ તેને બંને પ્રકારની ફિલ્મો જોવા મળી. પણ કે જે. સોમૈયા કોલેજમોં તે ભણવા ગઇ તે સાથે તેને વર્લ્ડ સિનેમાનો પરિચય થયો. જે તેના માટે એકદમ અલગ જ અનુભવ બની રહ્યો.
નિમિષા કહે છે, કોરોના કાળમાં મેં વિવિધ પ્રકારની, વિવિધ ભાષાની અને અલગ અલગ ફિલ્મમેકર્સની ફિલ્મો જોવા માંડી. એમ ધીમે ધીમે મારી સિનેમા વિશેની સમજ વિકસવા માંડી. તે પોતાની એક્ટિંગ સ્ટાઇલ વિશે કહે છે, હું દરેક પાત્રને અનુભવું છું. દરેક સ્ટોરીની માંગ અલગ હોય છે. મારા માટે મહત્વની વાત મારી જાતને વફાદાર રહી પાત્રની લાગણીઓને વ્યક્ત કરવાનું હોય છે. જો તમને તમારા પાત્રની હાલત ખરેખર સમજાતી હોય તો તે બાબત પ્રામાણિકતાથી પડદા પર ઉપસી આવે છે. જ્યારે તમે લાગણીને સાચી રીતે અભિવ્યક્ત કરો ત્યારે દર્શકોને પણ તે અનુભવાય છે અને તેઓ પાત્ર સાથે જોડાય છે. મારા માટે સૌથી મહત્વની વાત એ હોય છે કે મારું પાત્ર વાસ્તવિક અને સંબંધ બાંધી શકાય તેવું છે કે કેમ. મને માનવીય લાગણીઓ, સંબંધો અને લોકો વચ્ચેના તાણાંવાણાં ચકાસવાનું ગમે છે. રોજિંદા માનવ અનુભવોમાંથી નીપજેલી સ્ટોરીઓ ભણી હું આકર્ષિત થાઉંં છું. લોકો નાની નાની બાબતોમાંથી પસાર થાય છે અને તેમને તે કેવી રીતે અભિવ્યક્ત કરવી તેની જાણ પણ હોતી નથી. મને આવી માનવીય બાબતો ચકાસવી ગમે છે કેમ કે દર્શકોને પણ તેમાં પોતાની જાતનું દર્શન થાય છે.
નિર્માતા સુદીપ શર્માએ જણાવ્યું હતું કે નિમિષા જો આ પાત્ર માટે વજન વધારવા માટે સંમત ન થઇ હોત તો ફિલ્મ બનાવવાનું મુશ્કેલ બની જાત. મારી ફિલ્મ પાતાલલોકમાં પણ હાથીરામના પાત્ર માટે જયદીપ અહલાવતે વજન વધાર્યું ન હોત તો તેના પાત્રમાં વજન ન આવ્યું હોત. વજન વધારવાની પ્રક્રિયા દરમિયાન એક્ટર્સને તેનું પાત્ર બરાબર સમજવાની તક મળે છે. પણ નિમિષા માટે બબિતાનું પાત્ર ભજવવા માટે ૧૪ કિલો વજન વધારવું સરળ નહોતું. નિમિષા કહે છે ૧૪ કિલો વજન વધારતાં મને બે મહિના લાગ્યા હતા. અમે રોજ ૧૨૦૦ કેલરી વધારવાથી શરૂઆત કરી ધીમે ધીમે ૮૦૦૦ કેલરી સુધી ગયા હતા. આમ તો આ દુ :સ્વપ્ન હતું પણ હું તે પ્રક્રિયાની મજા લેવા માંડી હતી. રસપ્રદ વાત એ છે કે એ જ રીતે જ્યારે મેં વજન ઘટાડવાનું શરૂ કર્યુ ત્યારે એવું લાગ્યું કેે બેબી મને શારિરીક અને માનસિક રીત ે છોડીને જઇ રહી છે. નિમિષાએ શારીરિક સજ્જતા કેળવવામાં કોઇ કસર રાખી નહોતી. જ્યાં બોડીડબલ મોજૂદ હોવા છતાં તેણે અમુક સીન જાતે જ કરવાનો આગ્રહ રાખ્યો હતો.
રસપ્રદ બાબત એ છે કે લગભગ એક દાયકા અગાઉ તે જ્યારે ૧૯-૨૦ વર્ષની હતી ત્યારે પ્રથમ મલયાલમ ફિલ્મ કર્યા બાદ તેણે કોઇ મોટી મલયાલમ ફિલ્મ કરી નથી. નિમિષા તેના પાત્રની બારીકાઇઓ ઉંડાણપૂર્વક રજૂ કરી શકે છે તે બધાં જાણે છે પણ તે એક હલકી ફૂલકી ભૂમિકા કરે તો પણ તેમાં તેને જોવાની મજા પડે. હાલ તો મલયાલમ સિનેમારસિકોને તેવી ફિલ્મની રાહ જોવી પડશે કેમ કે હાલ તે ઉત્તરમાં કેન્દ્રિત ફિલ્મો વધારે કરી રહી છે. હાલ નિમિષા કોચીમાં રહે છે. પણ તેના કારણે તેના કામ પર કોઇ અસર પડતી હોય તેમ તેને લાગતું નથી. તે હાલ તમિલ ફિલ્મોમાં કામ કરી રહી હોઇ તેના મોટાભાગના શૂટિંગ તમિલનાડુમાં હોય છે. પણ તે જ્યારે સમય મળે ત્યારે માતાપિતા સાથે રહેવા મુંબઇ પહોંચી જાય છે. તે કહે છે બધો ખેલ તમારા પ્રોફેશનલ અને પર્સનલ લાઇફ વચ્ચે સંતુલન સાધવાનો છે.
જો કે, નિમિષા હાલ પોતે જે પ્રકારની ભૂમિકાઓ ભજવી રહી છે તેનાથી તે સંતુષ્ઠ છે. તે કહે છે, હાલ હું થોડી તમિલ ફિલ્મો કરી રહી છું. એક હિન્દી ફિલ્મ પણ કરી રહી છું. થોડી ફિલ્મો રજૂઆત માટે તૈયાર પડી છે. પોતાને કેવી ફિલ્મો કરવામાં રસ પડે છે તેના વિશે વાત કરતાં નિમિષા કહે છે, સમાજમાં જે બની રહ્યું હોય તેનું પ્રતિબિંબ ફિલ્મમાં પડતું હોય તો મને તે કરવાની મજા પડે છે. પણ ફિલ્મ કેવો સંદેશઆપે છે તે પણ મને જચવું જોઇએ. એ કહે છે, મેં કદી નેગેટિવ પાત્ર ભજવ્યું નથી એટલે મને ધ ડાર્ક નાઇટના જોકરના પાત્ર જેવું પાત્ર ભજવવાની મહેચ્છા છે.




