Chitralok

જીંદગી ખ્વાબ હૈ... ખ્વાબ મેં જૂઠ ક્યા

By GS Team
30 Jul 20265 mins read
જીંદગી ખ્વાબ હૈ... ખ્વાબ મેં જૂઠ ક્યા
  • સિનેમેજિક- અજિત પોપટ
  • 'જાગતે રહો' ફિલ્મના 'જાગો મોહન પ્યારે…' ગીતનો ઇમ્પેક્ટ એટલો જાદુઇ બની રહેલો કે રેકોડગ પછી દિવસો સુધી રાજ કપૂર અને જયકિસન એને સાંભળ્યા કરતા. સલિલદાએ આ ગીતના આરંભે એક અજોડ પ્રયોગ કર્યો છે.

આબિમલ રૉયની 'દો બીઘા જમીન' સુપરહિટ નીવડયા બાદ સંગીતકાર સલિલ ચૌધરી મુંબઇમાં રહી પડયા. પેડર રોડ પર કલ્યાણજી- આણંદજીના નિવાસસ્થાનની પાછળ એ રહેતા. પહેલી ફિલ્મ હિટ નીવડી એટલે ધાર્યા કરતાં વધુ ઓફર્સ મળી. એવી થોડીક ફિલ્મો કરી પણ ખરી. શરદબાબુની નવલકથા 'બિરાજ બહુ' પરથી બિમલ રૉયે એ જ નામે બનાવેલી ફિલ્મ ઉપરાંત, 'નૌકરી' (આ ફિલ્મનું એક ગીત 'છોટા-સા ઘર હોગા બાદલોં કી છાંવ મેં…' આજે પણ લોકપ્રિય છે), 'અમાનત', 'ટાંગેવાલી' વગેરે ચાર-પાંચ ફિલ્મો કરી. જો કે 'દો બીઘા જમીન' જેવી અથવા કહો કે એનાથી પણ વધુ યશ સલિલદાને રાજ કપૂરની ફિલ્મ 'જાગતે રહો'ના સંગીતથી મળી. મિત્ર અટક ધરાવતા બંધુ અમિત અને શંભુ મિત્રની વાર્તા પરથી આ બંધુબેલડીએ પોતે નિર્દેશિત કરેલી આ ફિલ્મનું નિર્માણ રાજ કપૂરે કરેલું છતાં એમાં સંગીત શંકર-જયકિસનનું નહોતું. કદાચ બંગાળી બાબુ મિત્ર એવા બંધુઓ અને ફિલ્મના સંકલનકાર (એડિટર ) હૃષીકેશ મુખરજીના આગ્રહથી રાજ કપૂરે આ ફિલ્મનું સંગીત સલિલ ચૌધરીને સોંપેલું.
ગીતો શૈલેન્દ્રનાં હતાં. એક ગીત પ્રેમ ધવનનું હતું. હિન્દી ફિલ્મ 'જાગતે રહો' બંગાળીમાં 'એક દિન રાત્રે'ના ટાઇટલ સાથે રજૂ થયેલી. નજીવા ફેરફાર સાથે બંગાળી ભાષામાં બનેલી આ ફિલ્મને પણ જબરદસ્ત આવકાર મળેલો. સલિલ ચૌધરીની સૌથી મોટી કમાલ આ ફિલ્મમાં જોવા મળી. એમનું બાળપણ અને કિશોરાવસ્થા આસામના ચાના બગીચાઓમાં અને એની આસપાસ ઇશાન ભારતના વિસ્તારોમાં વીત્યું હતું. આમ છતાં આ ફિલ્મમાં એમણે એક એવો અદ્ભુત ભાંગડા આપ્યો કે રાજ કપૂર મંત્રમુગ્ધ થઇ ગયો.
આઝાદી પછી હિન્દી ફિલ્મોનો આ પહેલવહેલો ભાંગડા. આ ફિલ્મનું સંગીત સાંભળીને રાજ કપૂર ઉપરાંત શંકર-જયકિસનની જોડીવાળા જયકિસન અને સંગીતકાર ઓ. પી. નય્યરને પણ ખુશ થઇ ગયેલા. જયકિસને તો મોકળા મનથી સલિલદાને બિરદાવેલા. રાજ કપૂરે પણ મોઢેથી તો કહેલું કે હું ભવિષ્યમાં પણ તમારી સાથે ફિલ્મ કરીશ. જોકે એ મૌખિક વચન રાજ કપૂરે પાળ્યું નહીં.
ફિલ્મની કથા માત્ર એક રાતની અને ચાર લીટીમાં કહી દેવાય એવી હતી. એક ગરીબ ગામડિયો ખેડૂત કામની શોધમાં શહેરમાં આવે છે. ખૂબ તરસ્યો છે. ગળે શોષ પડયો છે. એક કો-ઓપરેટિવ સોસાયટીમાં ઘુસે છે તો લોકો એને ચોર સમજીને એની પાછળ પડે છે. પેલો એક ફ્લેટમાંથી બીજા ફ્લેટમાં ભાગમભાગ કરે છે. કહેવાતા ભદ્ર સમાજમાં રાતના અંધારામાં કેવાં કૌભાંડો થાય છે એ દંભથી છલોછલ આ સોસાયટીમાં નાયકને જોવા મળે છે. એમ કરતાં પરોઢિયું થઇ જાય છે. ભજન ગાતી એક મહિલા (નરગિસનો કેમિયો) કૂવે પાણી ભરે છે. એ આ ગરીબને પાણી પીવડાવે છે ત્યાં ફિલ્મ પૂરી થાય છે. ફિલ્મમાં પાંચ ગીતો હતાં. એનાં સૌથી યાદગાર બે ગીતોમાં એક લતાજી અને કોરસના કંઠમાં છે અને બીજું મૂકેશે ગાયું છે.
લતાજી અને કોરસવાળા ગીતથી આરંભ કરીએ. આ ગીતનો યશ ભલે શૈલેન્દ્રજીને મળે. વાસ્તવમાં આ ગીતનું મુખડું ક્લાસિકલ સંગીત (ગાયન) શીખતા બાળકોને પ્રાતઃકાલીન રાગ ભૈરવના ગીત રૂપે શીખવાતી રચના પરથી શૈલેન્દ્રજીને મળ્યું રચ્યું છે. મુખડું મૂળ ક્લાસિકલ રચનાનું છે. બાકીનું બધું શૈલેન્દ્રનું છે. અહીં પણ સલિદાએ અલૌકિક કામ કરી દેખાડયું છે. કોઇ વાંકદેખા સમીક્ષકો એમ ન કહી જાય કે આ તો ક્લાસિકલ સંગીતની ઘરાનેદાર રચના છે એવું વિચારીને સલિલદાએ ગીતના આરંભે એક અજોડ પ્રયોગ કર્યો છે. લયવાદ્ય વિના લતાજી ભૈરવ રાગના એક વીજળીના ઝબકારા જેવા આલાપથી શરૂ કરે છે… આલાપ પછી તરત શબ્દો આવે છે- 'જગ ઊજિયારા ચાહે, મન કા અંધેરા જાયે, કિરનોં કી રાની ગાયે, જાગો હે મેરે મનમોહના પ્યારે, જાગો રે…' એ સાથે જ કોરસ શરૂ કરે છે- 'જાગો રે જાગો રે, સબ કલિયાં જાગી, નગર નગર સબ કલિયાં જાગી…' આ કોરસની સાથોસાથ નૌબત-નગારા અને ઢોલકની થાપ જાણે સૌને જગાડતી હોય એમ ગૂંજી ઊઠે છે. એ પછી લતાજી મૂળ ગીત શરૂ કરે છે- 'જાગો મોહન પ્યારે…' ગીતનો ઇમ્પેક્ટ એટલો જાદુઇ બની રહેલો કે રેકોડગ પછી દિવસો સુધી રાજ કપૂર અને જયકિસન એને સાંભળ્યા કરતા.
બીજું જે ગીત સૌથી વધુ પ્રભાવશાળી હતું એ મૂકેશના કંઠમાં હતું. કાંજીવાળો કડક ઇીદાર જભ્ભો અને ધોતિયું પહેરેલો અભિનેતા મોતીલાલ હાથમાં શરાબની બોતલ સાથે ડોલતો ડોલતો ગાતો આવે છે 'જીંદગી ખ્વાબ હૈ, ખ્વાબ મેં જૂઠ ક્યા, ઔર ભલા સચ ભી ક્યા…' મોતીલાલના નેચરલ અભિનયે ગીતની તર્જને વધુ આસ્વાદ્ય બનાવી દીધેલી. રાગ ઝિંઝોટીમાં સ્વરાંકિત આ ગીતને બંગાળી શબ્દો દ્વારા મૂળ તર્જલય સાથે ફિલ્મના બંગાળી રૂપાંતરમાં પણ સમાવી લીધેલું અને બંગાળી ઓડિયન્સ પણ 'જાગો મોહન પ્યારે' અને 'જીંદગી ખ્વાબ હૈ' ગીતો સાંભળતાં ધરાતું નહોતું. મૂકેશવાળા ગીતનું એક વર્ઝન મન્ના ડેના કંઠમાં પણ છે. કદાચ તમને યુ ટયુબ પર સાંભળવા મળી જશે.
પંજાબી ભાંગડા ગીત મુહમ્મદ રફી અને બલબીરના કંઠમાં હતું. આ ગીત પ્રેમ ધવનની રચના હતી. એમાં કડવું સત્ય રજૂ કરેલું. જેમ કે 'વેખે પંડિત જ્ઞાાની, ધ્યાની, દયા-ધર્મ દે બંદે, રામ નામ જપ દે ખાન્દે ગૌશાલા કે ચંદે, તે કી મૈં જૂઠ બોલિયા, કોઇ ના ભાઇ કોઇ ના…' (વરસો પછી લાલુ યાદવ ચારા કૌભાંડમાં સંડોવાયા હતા એ યાદ કરવા જેવું છે.) ઔર એક અંતરામાં કહ્યું, 'સચ્ચે ફાંસી ચડદે વેખે, જૂઠા મૌજ ઊડાયે, લોકી કહંદે રબ દી માયા,મૈં કહંદા અન્યાય, તે કી મૈં જૂઠ બોલિયા….' ફિલ્મની કથાને વેગ આપવા માટે અને અંધારી રાત્રે કહેવાતી ભદ્ર સોસાયટીમાં કેવું કેવું ચાલે છે એ દર્શાવવા મૂકાયેલાં બે ત્રણ ગીતોમાંનું એક એટલે 'આ તે કી મૈં જૂઠ બોલિયા…' બોલિવુડનું આ પહેલુંવહેલું ભાંગડા સોંગ.
એવું જ ઔર એક ગીત આશા ભોંસલેના કંઠમાં છે. ચૌદ માત્રાના દીપચંદી તાલમાં અને સેમિ ક્લાસિકલ ગણાયેલા રાગ તિલક કામોદમાં ગવાયેલું આ ગીત રોમાન્ટિક રચના છે. 'ઠંડી ઠંડી સાવન કી ફુહાર, પિયા આજ ખીડકી ખુલી મત છોડો…' પરદા પર તેમજ ઓડિયોમાં પણ આ ગીત માણવું ગમે તેવું છે.
એક રચના મુજરા ટાઇપની છે. આ ગીત બંગાળી ગાયિકા સંધ્યા મુખર્જી અને પુરુષ ગાયક હરિધનના કંઠમાં છે. (આ હરિધન નામના ગાયકનું ફક્ત આ એક ગીત સમગ્ર કારકિર્દીમાં સાંભળવા મળ્યું છે.) 'મૈંને જો લી અંગડાઇ, ધીરે સે મુસકાઇ, તેરી મહફિલ સે સદા યે આયી, મૈં અકેલી લાખોં દિવાને દિલ કે, દેખોજી મેરી છોટી સી જાન, યે કૈસી આફત આયી…' કોઠામાં સંભળાય એવા લચકદાર કહેરવા તાલમાં આ ગીતે સારી જમાવટ કરી હતી.
ફિલ્મ સુપરહિટ નીવડી હતી. એમાંય સોવિયેત સંઘમાં રાજ કપૂરની જે ધૂમ લોકપ્રિયતા હતી એને કારણે રશિયામાં આ ફિલ્મ માણવા મોટી જનમેદની ઉમટી પડી હતી. ફિલ્મે રાજ કપૂરની તિજોરી છલકાવી દીધેલી. જો કે ત્યારબાદ આર. કે.ની કોઇ ફિલ્મમાં સલિલદાને તક અપાઇ નહોતી. રાજ કપૂર તો પક્કો બિઝનેસમેન હતો. ઓલિયા સ્વભાવના સલિલદાએ સામે ચાલીને કોઇ પાસે કામ માગ્યું નહોતું.