Chitralok

નીતિશ ભારદ્વાજના જીવન સાથે વણાઈ ગયાં છે કૃષ્ણનાં બોધવચનો

By GS Team
17 Sep 20263 mins read
નીતિશ ભારદ્વાજના જીવન સાથે વણાઈ ગયાં છે કૃષ્ણનાં બોધવચનો
  • 'બી. આર. ચોપરાએ મને ચોખ્ખા શબ્દોમાં કહ્યું હતું કે જો તું કૃષ્ણનું કેરેક્ટર કરવામાં કાચો પડીશ તો આખી 'મહાભારત' સિરીયલ
    નિષ્ફળ જશે.'

બહુ ઓછા એવા એક્ટર્સ છે જેમની વ્યક્તિગત ઓળખ એમણે પડદા પર ભજવેલા આઇકનિક પાત્રમાં વિલીન થઈ જાય છે. એક કે અરુણ ગોવિલ જેઓ રામાનંદ સાગરની ટીવી સીરિયલ 'રામાયણ'માં ભગવાન રામનો રોલ કરી ઘરેઘરે જાણીતા થયા. બીજા છે બી. આર. ચોપરાની સીરિયલ 'મહાભારત'માં શ્રી કૃષ્ણના પાત્રને જીવી જનાર નીતિશ ભારદ્વાજ. 'મહાભારત'ના પ્રસારણને ૩૮ વરસ થયા છતાં આજે પણ કૃષ્ણના પાત્ર વિશે ચર્ચા થાય ત્યારે નીતિશ ભારદ્વાજનો મર્માળુ સ્મિત વેરતો ચહેરો આંખ સામે તરવરી ઉઠે.
હમણાં જન્માષ્ટમી પ્રસંગે ૬૩ વરસના નીતિશે મીડિયા સાથે કૃષ્ણની ભૂમિકા કર્યા બાદ પોતાનું જીવન કઈ રીતે બદલાઈ ગયું એ વિશે વિસ્તારથી વાત કરી. ભારદ્વાજે કૃષ્ણનો રોલ કર્યો ત્યારે તેઓ ૨૩ વરસના યુવાન હતા. એટલે સ્વાભાવિક રીતે જ તેઓ હિન્દુ ધર્મના એક વિરાટ વ્યક્તિત્વની ભૂમિકાને ન્યાય કરી શકશે કે કેમ એ વિશે સંશયમાં હતા. 'મહાભારત'ના મેકર્સે એમનો સ્ક્રીન ટેસ્ટ લીધા બાદ તેઓ રોલ કરવા રાજી થયા હતા. 'મને એ પહેલા એક જ વિચાર આવ્યા કરતો કે આટલી કાચી ઉંમરમાં હું શ્રીકૃષ્ણની ભૂમિકા કઈ રીતે ભજવી શકીશ? મને આજેય 'મહાભારત'ના પ્રોડયુસર-ડિરેક્ટર બી. આર. ચોપરાના શબ્દો યાદ આવે છે. એમણે મને ચોખ્ખા શબ્દોમાં કહ્યું હતું કે તમે કૃષ્ણનું કેરેક્ટર કરવાના છો અને તમે જો એમાં ઉણાં ઉતરશો તો મારી સીરિયલ પણ નિષ્ફળ જશે. હું અદ્વેત વેદાંતનો એક સામાન્ય સાધક છું, જે એમ કહે છે કે બ્રહ્મ જ પરમ સત્ય છે અને આત્મા અને પરમાત્મા જુદા નથી. મારા માતા-પિતા અને ગુરુઓએ મને એવી સીખ આપી છે કે આપણે તો ઈશ્વરના કામમાં નિમિત માત્ર છીએ. આપણાં સારા કામોનો શ્રેય ઈશ્વરને જ જાય છે. મને આવું માધ્યમ બનવાની તક મળી એ બદલ હું કાયમ કૃતજ્ઞા રહીશ.'
છેલ્લા થોડા અરસાથી ભજવાતા નાટક 'ચક્રવ્યૂહ'માં નીતિશ ફરી એકવાર કૃષ્ણની ભૂમિકા કરી રહ્યા છે. એ વિશે પૂછાતા તેઓ કહે છે, 'સ્ક્રીન અને થિયેટર વાર્તા માંડવાના જુદા જુદા માધ્યમો છે પણ એનાથી કોઈ ફરક નથી પડતો. મારે મને હું પ્રેક્ષકોને શું મેસેજ આપું છું એ જ સૌથી વધુ મહત્ત્વનું છે. 'ચક્રવ્યૂહ'માં અમે ભગવદ ગીતા આજના જીવનમાં કેટલી સુસંગત છે અને જીવનની સમસ્યાઓ આપણે કઈ રીતે ઉકેલવી જોઈએ એના પર ફોકસ રાખ્યું છે. લાઈફમાં પોજિટીવ અભિગમ રાખવા અને બહેતર માનવી બનવા ગીતાની ફિલસૂફી અપનાવવી સૌથી અગત્યની છે. માધ્યમો ભલે અલગ હોય પણ કૃષ્ણ તરીકેનો બોધ વધુ મહત્ત્વનો છે.'
પોતાના જીવનનો અભિન્ન હિસ્સો બની ગયેલા શ્રી કૃષ્ણના ઉપદેશો શેર કરતા હિન્દી-મરાઠી ફિલ્મોના એક્ટર, ડિરેક્ટર, સ્ક્રીન પ્લે રાઈટર અને ટીવી સીરિયલોના પ્રોડયુસર ભારદ્વાજ કહે છે, 'કોઈ પણ ભોગે પોતાનો ધર્મ પાળવો એ કૃષ્ણો જગતને આપેલું મૂળભૂત જ્ઞાાન છે. એમાં તમારી પરિવાર, સમાજ, દેશ અને સમગ્ર માનવજાત પ્રત્યેની બધી ફરજો આવી જાય છે. એની સાથોસાથ માનવીએ પોતાનું કર્મ શ્રેષ્ઠ રીતે બજાવવું જોઈએ. આ બધી વાતો મારી સાથે જ રહી છે અને એ મને દોરવણી આપ્યા કરે છે. આ જીવનોપયોગી મૂળભૂત ઉપદેશો મારા વ્યક્તિત્વ સાથે વણાઈ ગયા છે એવું હું માનું છું.'
'મહાભારત' બાદ મુંબઈની વેટરિનરી કોલેજના સ્નાતક નીતિશ ટીવી સીરિયલ 'વિષ્ણુ પુરાણ'માં વિષ્ણુ ભગવાનનો પણ રોલ કરી ચુક્યો છે. કૃષ્ણ તરીકે દેશ અને દુનિયામાં જાણીતા થયા બાદ તેઓ ભાજપની ટિકિટ પર લોકસભામાં પણ ચૂંટાયા હતા. આટલા વરસે પણ લોકો હજુ પોતાને શ્રીકૃષ્ણ તરીકે જ જુએ છે એ સંદર્ભમાં વાત કરતા ભારદ્વાજ સમાપનમાં કહે છે, 'મને આવી ભૂમિકા ભજવવાની શક્તિ આપવા બદલ હું ભગવાન કૃષ્ણ અને મા ભગવતીનો આભારી છું. આજે હું જે કાંઈ છું એ કૃષ્ણની મહિમાને કારણે જ છું. લોકોની માધવ પ્રત્યેની ભક્તિ અને શ્રદ્ધાનો હું પૂરેપૂરો આદર કરતા શીખ્યો છું. હું તો કાયમ એટલું જ કહં્ છું કે હું નિમિત માત્ર છું. મારા માટે જીવનની સૌથી ધન્ય ક્ષણ એ હતી જ્યારે મારી માતાએ મને એકવાર કહ્યું હતું કે હું મેડિટેશન કરું છું ત્યારે મને શ્રીકૃષ્ણ તરીકે બેટા તારો જ ચહેરો દેખાય છે.'