Chitralok

કૃષ્ણા અભિષેક: અમારી કોમેડીથી ખુશ થયેલા ચાહકો પ્રેમનો વરસાદ વરસાવે છે

By GS Team
13 Aug 20263 mins read
કૃષ્ણા અભિષેક: અમારી કોમેડીથી ખુશ થયેલા ચાહકો પ્રેમનો વરસાદ વરસાવે છે
  • 'મેં ધરમ પાજી, જિતેન્દ્ર, જેકી દાદા વગેરે સ્ટાર્સનાં પાત્ર ભજવ્યાં છે. મને ધરમ પાજીનું પાત્ર ભજવવામાં સૌથી વધુ આનંદ મળે છે.'

આજે કપિલ શર્મા, કૃષ્ણા અભિષેક, સુનીલ ગ્રોવર, ભારતી સિંહ વગેરે હાસ્ય કલાકારો ભારતના મનોરંજન ક્ષેત્રના સુપરસ્ટાર્સ બની ગયાં છે. કપિલ શર્માના ટેલિવિઝન શોમાં દેખાતો કૃષ્ણા અભિષક આજે એક ખૂબ લોકપ્રિય કોમેડિયન ગણાય છે.
કૃષ્ણા અભિષેક ખુશી વ્યક્ત કરતાં કહે છે, મારું સાચું અને મૂળ નામ તો અભિષેક છે શર્મા .મારું અભિષેક નામ હિન્દી ફિલ્મ જગતના મહાનાયક અમિતાભ બચ્ચનના અભિનેતા દીકરા અભિષેક બચ્ચનના નામ પરથી રાખવામાં આવ્યું છે. જોકે સમય જતાં તે નામમાં ફેરફાર કરીને કૃષ્ણા અભિષેક રાખવામાં આવ્યું છે. મારાં માતાનું નામ પદ્મા શર્મા અને પિતાજીનું નામ આત્મ પ્રકાશ શર્મા છે. અમારું મૂળ વતન શિમલા નજીકનું ધામી ગામ છે. મારો જન્મ મુંબઇમાં થયો છે. મને બાળપણથી જ નાટકો અને ડાન્સનો જબરો શોખ રહ્યો છે. વળી, હિન્દી ફિલ્મ જગતના અચ્છા અભિનેતા અને આલા દરજ્જાના ડાન્સર ગોવિંદા મારા સગા મામા છે. મને મારા ગોવિંદા મામાના ફિલ્મી ડાન્સ જોઇને જ ડાન્સ શીખવાની પ્રેરણા મળી છે.
હા, એક તબક્કે મારી અને મારા ગોવિંદામામા વચ્ચે ઘેરી ગેરસમજ થઇ હોવાના અખબારી અહેવાલો પ્રસિદ્ધ થયા હતા. ખરી વાત એ છે કે અમારી વચ્ચે કોઇ જ અણબનાવ કે કડવાશ નથી. હું મારા મામાને હૃદયપૂર્વક પ્રેમ અને આદર કરું છું. થોડા સમય પહેલાં અમે કપિલ શર્માના જ શોમાં રૂબરૂ મળ્યા પણ છીએ. તે વખતે મેં ગોવિંદામામાનાં ચરણ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ માગ્યા હતા. મામાજીએ બહુ જ ખુશ થઇને મને ભેટીને આશીર્વાદ આપ્યા છે.
એક હાસ્ય કલાકાર તરીકે કહું તો આજના જબરા સ્પર્ધાત્મક અને દોડાદોડીના જમાનામાં લોકોનાં જીવનમાં અને શરીરમાં નામ એટલી સમસ્યાઓ છે. આવા સમયમાં હું અને મારા સાથી મિત્રો કપિલ શર્મા, સુનીલ ભાઇ, કીકુ વગેરે લોકોના ચહેરા પર હાસ્ય અને ખુશાલી લાવી શકીએ તો અમારા માટે સૌથી મોટો અને પ્રેમાળ એવોર્ડ છે. વળી, અમને અમારાં મિત્રો અને ચાહકો દ્વારા ભરપૂર પ્રેમ અને સ્નેહ મળે છે તે અમારા માટે પ્રાણવાયુ સમાન છે. ખાસ કરીને બહેનો અને દીકરીઓના ભરપૂર આશીર્વાદ મળે છે એટલે અમનેઅમારી કલા સાર્થક લાગે છે.
અમે દરેક શો અગાઉ ઘણી તૈયારી કરીએ છીએ. ટીમ વર્ક હોય છે કે જેથી લાઇવ શો દરમિયાન કોઇ ભૂલ ન થાય. હા, ક્યારેક લાઇવ શો દરમિયાન પણ આછેરી ગરબડ થઇ જતી હોય છે પણ અમે એકબીજાં સંભાળી લઇએ છીએ. મજેદાર બાબત તો એ છે કે અમારી આ જ ભૂલ દર્શકોને બહુ બહુ ગમી જાય છે. અમારા શો ની સ્ક્રિપ્ટ બહુ લાંબી હોય છે. એટલે અમારે ઘણું રિહર્સલ કરવું પડે છે. સફળતા અને દર્શકોના રાજીપા માટે અમારે જબરી મહેનત કરવી પડે છે.
હું વિવિધ ભૂમિકાઓ ભજવતો રહું છું. કેમેરા સામે આવું તો થોડીક ક્ષણો ગભરામણ જેવું થાય પછી બધું સરળ થઇ જાય. આ બધી બાબતોથી જ તો અમારા કલાકારોનો આત્મવિશ્વાસ વધતો હોય છે. મને કોમેડી શો દરમિયાન માનસિક ભારણનો અનુભવ થાય ત્યારે હું એ પરિસ્થિતિને પણ મજાક બનાવી લઉં છું. આમ પણ એવા તબક્કે મારી નજર સામે પત્ની કશ્મીરા હોય છે. મારા માટે તો એ જ મોટો સ્ટ્રેસ હોય છે. આપ વાંચકો સમજી જજો!
મેં અત્યાર સુધીમાં બોલિવુડના અસલી હી -મેન અને મજેદાર અભિનેતા સ્વ. ધરમ પાજી, જિતેન્દ્રજી, જેકી દાદા વગેરેનાં પાત્ર ભજવ્યાં છે. મેં આવા સિનિયર અને બેહદ લોકપ્રિય કલાકારોની ભૂમિકા ભજવવા માટે ઘણી મહેનત પણ કરી છે. ખરું કહું તો મને ધરમ પાજીનું પાત્ર ભજવવામાં સૌથી વધુ આનંદ અને સંતોષ થયો છે. આમ પણ ધર્મેન્દ્ર જી તો આખા બોલિવુડના અને લાખો-કરોડો ચાહકોના માનીતા અને ગમતીલા હતા. મને તો ધરમજીએ ખોબલે ખોબલે આશીર્વાદ આપ્યા હોવાથી હું તો મારી જાતને ભાગ્યશાળી સમજું છું.
આજે ટેલિવિઝન પર અમુક કોમેડી શો રજૂ થાય છે. નવાં નવાં કોમેડિયન રજૂ થાય છે. આવા નવી પેઢીનાં કોમેડિયન ખરેખર બહુ પ્રતિભાશાળી અને મહેનતુ હોય છે. તેઓ અમને સિનિયર તરીકે ઘણો આદર આપે છે. હકીકતે તો અમે આવી નવી પેઢીનાં કોમેડી કલાકારો પાસેથી પણ ઘણું નવું શીખીએ છીએ. એક કલાકારની આ જ તા નમ્રતા હોય છે.'