કરિશ્મા તન્ના પ્રેગ્નન્સીમાં પણ પૂરેપૂરી એનર્જેટિક છે...

- 'મેં કદી એવું વિચાર્યું પણ નહોતું કે ઓહ માય ગોડ, મારી બાયોલોજિકલ ક્લોક પુરી થવામાં છે. સ્ત્રીએ વીસીમાં અથવા ત્રીસીમાં મમ્મી બની જ જવું પડે તે જમાનો હવે ગયો.'
કરિશ્મા તન્નાને તમે ટિપીકલ 'મુંબઈ ગર્લ' કહી શકો. ટીવી સિરિયલો અને હિન્દી ફિલ્મોની ટેલેન્ટેડ એકટ્રેસ જીવનના એક નવા અધ્યાયમાં પ્રવેશવાની તૈયારીમાં છે અને છતાં એની જીવનશૈલી, વિચારો અને દ્રષ્ટિકોણમાં ભાગ્યે જ કોઈ બદલાવ આવ્યો છે. પ્રેગ્નન્સી (ગર્ભાવસ્થા) એને બદલી નથી શકી. દાખલા તરીકે પ્રેગ્નન્સી દરમિયાન પોતાની ફિટનૈસ રેજિમ વિશે વાત કરતા 'બિગ બોસ ૮'ની એકટ્રેસ કહે છે, 'ઘણા કદાચ નહિ માને કે હું પહેલાં હતી એવી જ છું. પ્રેગ્નન્સી પહેલાં મને જે વાનગીઓ ભાવતી એ આજે પણ ભાવે છે. હું પહેલા જેટલી એનર્જેટિક હતી એટલી આજે પણ છું. જોકે પ્રેગ્નન્સીને લીધે કદાચ થોડી એનર્જી ઘટી હશે. મેં વર્કઆઉટ કરવાનું પણ છોડયું નથી અને નથી મારા ડેઈલી રુટીનમાં ધરમૂળથી ફેરફાર કર્યા. મને લાગે છે કે આ ડિસિપ્લીન જ મને ગર્ભાવસ્થામાં એનર્જેટિક રહેવામાં મદદરૂપ થઈ છે.'
નોંધવા જેવી વાત એ છે કે કરિશ્માએ પ્રેગ્નન્સીનો પહેલેથી કોઈ પ્લાન નહોતો બનાવ્યો. 'સ્કૂપ'ની લીડ એક્ટરના જણાવવા મુજબ ચાલીસીમાં સ્ત્રીઓનો ગર્ભાધાનનો પિરીયડ પુરો થઈ જાય છે અને પછી એ મા નથી બની શકતી એવી માન્યતાનું એણે કદી કોઈ પ્રેશર નથી અનુભવ્યું. 'ફ્રેન્કલી કહું તો મારે નાની વયે બાળક નહોતું જોઈતું. મારે બાળક જોઈએ છે કે નહિ એ વિશે પણ મારો કોઈ ચોક્કસ મત નહોતો કારણ કે મારી પાસે પુષ્કળ કામ હતું. મારે કૌટુંબિક જવાબદારીઓ નહોતી જોઈતી, બસ કામ કરવું હતું. મારી દુનિયા મારા પતિ, મારી મમ્મી, મારા ડોગ અને મારા કરિઅર પુરતી સીમિત હતી,' એમ 'ક્યોં કિ સાસ ભી કભી બહુ થી' મારફત એક્ટિંગમાં ડેબ્યુ કરનાર એકટ્રેસ કહે છે.
કોઈ પણ માનુની માટે માતૃત્વના વિચાર બાબતમાં સહજ રહેવું અગત્યનું છે એવું મક્કમપણે માનતી ૪૨ વરસની કરિશ્મા કહે છે, 'મેં કદી એવું વિચાર્યું પણ નહોતું કે ઓહ માય ગોડ, મારી બાયોલોજિકલ ક્લોક પુરી થવામાં છે. તમે મેન્ટલી અને ફિઝિકલી કમ્ફર્ટેબલ હો ત્યાં સુધી બાળકને જન્મ આપી શકો છો. સ્ત્રીઓએ જ્યારે વીસી કે ત્રીસીમાં મમ્મી બની જવું પડતું એ દિવસો ગયા. મને પહેલેથી એટલી ખબર હતી કે મારા ભાગ્યમાં મા બનવાનું હશે તો હું મા બનીશ જ,' એમ 'પાલખી', 'નાગિન ૩' અને 'કયામત કી રાત'માં પોતાના પરફોર્મન્સ માટે જાણીતી એક્ટર કહે છે.
પાંચમી ફેબુ્રઆરી, ૨૦૨૨માં મુંબઈના રિયલ એસ્ટેટ બિઝનેસમેન વરુણ બાન્ગેરાને પરણેલી કરિશ્મા પોતાના પતિના સપોર્ટને બિરદાવતા વધુમાં કહે છે, 'ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓના શરીરમાં ઘણાં બદલાવ આવે છે, એનો મૂડ છાશવારે બદલાયા કરે છે અને બીજુ ઘણું બધુ થાય છે. એમાં પુરૂષ ઝાઝું કાંઈ કરી ન શકે. અને વરુણ આ બધુ સમજે છે. મને પ્રેગ્નન્સી રહી ત્યારથી એ બહુ સપોર્ટિવ રહ્યો છે .'
મોમ બન્યા બાદ તમે અભિનય કરવાનું ચાલુ રાખશો કે કેમ એવી પૃચ્છાના જવાબમાં ગુજરાતી તન્ના પરિવારની પુત્રી ખુલાસો કરે છે, 'હાલ તો હું મારી પ્રેગ્નન્સીને એન્જોય કરવા માગું છું. મારે એવા વિચારોમાં નથી ડુબી જવું કે મારી ડિલીવરી કઈ રીતે થશે કે મા બન્યા બાદ મારી લાઈફમાં ઘણું બધુ થંભી જશે. જીવન તો ચાલતું જ રહેશે. હું હજુ ૪૨ની છું અને મારા કરીઅરમાં કોઈ તકો ગુમાવવાની મારી તૈયારી નથી. એટલે મા બન્યા બાદ હું પહેલાની જેમ જ ફેમિલી અને કરીઅર વચ્ચે બેલેન્સ રાખી શકીશ એની મને ખાતરી છે.' ઓલ ધ બેસ્ટ!









