ઇમ્તિયાઝ અલીએ ફિલ્મના પ્રમોશનનો નવોનક્કોર ટ્રેન્ડ શરૂ કર્યો

સામાન્યપણે ફિલ્મ રિલીઝ માટે રેડી થઈ ગયા બાદ એના ડિરેક્ટર અદ્રશ્ય થઈ જાય છે. ફિલ્મના લીડ એકટર્સ એના પ્રમોશન માટે રિયાલિટી શોઝમાં ડાન્સ કરે છે અને ઘણાં બધા શહેરો ઘૂમી વળી મીડિયાને ઇન્ટરવ્યુઝ આપે છે. પ્રમોશનલ ઇવેન્ટમાં એક્ટર્સની હાજરી જ મુખ્ય આકર્ષણ બની રહે છે. તાજેતરમાં હિટ ફિલ્મોની ક્લબમાં જોડાયેલી નસીરુદ્દીન શાહ, દિલજિત દોસાંજ, શર્વરી અને વેદાંગ રૈનાની ફિલ્મ 'મૈં વાપસ આઉંગા'ના ડિરેક્ટર ઇમ્તિયાઝ અલીએ આ સંદર્ભમાં એક નવો જ ટ્રેન્ડ શરૂ કર્યો છે.
સૌ જાણે છે એમ ભારત-પાકિસ્તાનના ભાગલાનું બેકગ્રાઉન્ડ ધરાવતી 'મૈં વાપસ આઉંગા'ને સિનેમાઘરોમાં રિલીઝ બાદ બહુ સારો પ્રતિસાદ નહોતો મળ્યો. સમીક્ષકોએ એવું ભાવિ ભાખી દીધું હતું કે ફિલ્મ માંડ એવરેજ બિઝનેસ કરશે. પરંતુ દર્શકોને ફિલ્મની સ્ટોરી સ્પર્શી ગઈ અને માઉથ પબ્લિસિટીના કારણે મૂવી ઉપડી ગઈ. લોકોએ જ ફિલ્મની પબ્લિસિટીનું કામ ઉપાડી લીધું અને એનું બોક્સ ઓફિસ કલેક્શન વધવા માંડયું. એ જોઈને ફિલ્મના રાઇટર-ડિરેક્ટર ઇમ્તિયાઝ અલી મેદાનમાં ઉતર્યા. પોતાની ફિલ્મના પ્રમોશનની આગેવાની લઈ તેઓ દેશના ઘણાં શહેરોમાં ગયા અને ત્યાંના સિનેમાઘરોમાં દર્શકો સાથે બેસી ફિલ્મ જોઈએ. એટલું જ નહિ, ફિલ્મ પુરી થયા બાદ ઇમ્તિયાઝ લોકોને મળી એમની સાથે વાતચીતમાં ગુંથાઈ જતા. એમને ફિલ્મનો ક્યો ભાવુક સીન સ્પર્શી ગયો એ જાણતા. ફિલ્મના ગીતો અને કલાકારોના અભિનય વિશે દર્શકોને પૂછતા. ઉપરાંત, મૂવીમાં શું ન ગમ્યુ અને શું ખામી છે એ પણ નિખાલસપણે પૂછી લેતા. લોકો માટે આ એક નવો અનુભવ હતો. ફિલ્મ જોયા બાદ એના ડિરેક્ટર સાથે અંતરંગ વાર્તાાપ કરવાની તક મળે એ કોને ન ગમે?
અલીની આવી ચેષ્ટાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને યાદ દેવડાવ્યું છે કે ફિલ્મનો સૂત્રધાર કહો કે સુકાની, એ એનો ડિરેક્ટર જ છે. એના જેટલું મૂવી વિશે કોઈ જાણતું નથી. એટલે એ ફિલ્મના કેમ્પેઈનનું પણ નેતૃત્વ કરી શકે છે. ફિલ્મની રિલિઝ બાદ પણ મેકર એનો એમ્બેસેડર (દૂત) બની મેદાનમાં ઉતરી શકે છે.









