જિંદગી કૈસી હૈ પહેલી હાય

- સિને મેજિક- અજિત પોપટ
- રાજેશ ખન્નાને જાણ થઇ કે 'આનંદ'માં મારા પર ફિલ્માવાનું એક પણ ગીત કિશોરકુમારના કંઠમાં નથી ત્યારે એ થોડો અપસેટ થઇ ગયેલો. 'જિંદગી કૈસી હૈ પહેલી…' ગીત હૃષીદાની દ્રષ્ટિએ બેકગ્રાઉન્ડમાં લેવાનું હતું. રાજેશે એવો આગ્રહ રાખ્યો કે એ ગીત પરદા પર હું ગાતો હોઉં એ રીતે મૂકો તો સારું.
- આનંદ
આ જે બીજી ઓક્ટોબર છે. મહાત્મા ગાંધીનો જન્મદિવસ. ગાંધીજીની તસવીરો જોઇએ ત્યારે દાંત વિનાના બોખા મોઢે હસતાં હોય એવી એક અત્યંત આકર્ષક તસવીર છે. સંજોગો તરફેણમાં હોય કે વિપરીત હોય, હોઠ પર હાસ્ય વિલસતું રહે એ એક વિરલ સિદ્ધિ છે. એવી સિદ્ધિ બહુ ઓછા લોકોને વરે છે. હૃષીકેશ મુખરજીનો આનંદ એવી વિરલ સિદ્ધિ ધરાવતું પાત્ર છે. પોતે જીવલેણ બીમારીનો ભોગ બન્યો છે એવું જાણવા છતાં એના હોઠ પરનું સ્મિત વીલાતું નથી, વિલસતું રહે છે.
છેક ૧૯૫૮-૫૯માં રાજ કપૂર અને હૃષીકેશ મુખરજીએ પહેલીવાર ફિલ્મ 'અનાડી'માં સાથે કામ કરેલું. રાજ કપૂર જગવિખ્યાત કલાકાર ચાર્લી ચેપ્લીનના જબરદસ્ત પ્રભાવ હેઠળ હતો. અભિનય સમ્રાટ દિલીપકુમાર સાથેની રાજ કપૂરની દોસ્ત જગજાહેર છે. છેક પેશાવરમાં વીતાવેલા બાળપણના સમયથી બંને જીગરજાન દોસ્તો હતા. પરંતુ હૃષીકેશ મુખરજી સાથેની રાજ કપૂરની દોસ્તી વિશે સામાન્ય માણસ ઝાઝું જાણતો નહોતો. એ તો ફિલ્મ આનંદની સુવર્ણ જયંતી પ્રસંગે હૃષીદાએ પહેલીવાર મોં ખોલ્યું ત્યારે પહેલીવાર સિનેરસિકોને જાણ થઇ કે હૃષીદા અને રાજ કપૂર પણ દોસ્તો હતા. બંને સાથે રશિયાના પ્રવાસે પણ ગયેલા અને ત્યાં રાજ કપૂરની લોકપ્રિયતા જોઇને હૃષીદા આભા થઇ ગયેલા. રાજ કપૂર હૃષીદાને બાબુમોશાય કહેતો એટલે આનંદનો નાયક પણ સતત બાબુમોશાય તરીકે ડૉક્ટર ભાસ્કરને સંબોધે છે.
પરદા પર રાજ કપૂર જેવાં પાત્રો ભજવતો એવો જ હસમુખ અને ખુશમિજાજ વાસ્તવ જીવનમાં હતો. 'અનાડી'માં હૃષીદાએ રાજ કપૂરને બહુ નિકટતાથી જોયો, પિછાણ્યો. પછી બંને જીગરી દોસ્ત બની ગયા. બંને આગવા ફિલ્મ સર્જક હતા. બંને ઓડિયન્સની નાડ પારખી શક્યા હતા. એક સમયે રાજ કપૂરને નાડીના ધબકારાની અનિયમિતતાની તકલીફ થઇ ત્યારે રાજના આપ્તજનોની જેમ હૃષીદા પણ એક પ્રકારનો અજંપો વેઠી રહ્યા હતા. ન કરે નારાયણ અને ક્યાંક હું આ દોસ્તને ગુમાવી ન બેસું એવો એ મૂગો અજંપો હતો.
બીજી બાજુ રાજ કપૂર તો બિછાનામાં પડયો પડયો પણ સતત મલકતો હતો, મળવા આવનારને ખુશ કરી દે એ રીતે વાતો કરતો હતો. હૃષીદાને ત્યારે પહેલીવાર એમની સદાબહાર ફિલ્મ 'આનંદ'ની કથાનો અણસાર આવ્યો. 'આનંદ' માટે પહેલાં તો રાજ કપૂરને જ લેવાનો વિચાર હતો. સાથોસાથ ડૉક્ટર ભાસ્કર બેનરજીના પાત્રની પણ તલાશ હતી. આ કલાકારને લઉં કે પેલા કલાકારને લઉં એવી મીઠી મૂંઝવણમાં સમયની સરિતા વહેતી રહી. આખરે આનંદ તરીકે રાજેશ ખન્ના આવ્યો. ડૉક્ટર ભાસ્કર બેનરજી તરીકે અમિતાભ બચ્ચન. હૃષીદાની દ્રષ્ટિએ ડૉક્ટર બેનરજી જ કથાનાયક છે. એ આરંભથી અંત સુધી પરદા પર રહે છે અને આનંદની જીવનકથા વર્ણવે છે. ભલે ડૉક્ટર બેનરજી સૂત્રધાર જેવું પાત્ર લાગે, કથાના કેન્દ્રમાં એ જ છે.
'આનંદ' પહેલાં અમિતાભ બચ્ચનની લગભગ બાર તેર ફિલ્મો ફ્લોપ ગયેલી. 'આનંદ'થી અમિતાભ એક અદાકાર તરીકે પહેલીવાર પંકાયો. એના સોબર અને સૌમ્ય પાત્રે સિનેરસિકોનાં દિલ જીતી લીધાં. 'આનંદ'માં ફક્ત ચાર ગીતો છે. એક સ્વર-લય વિહોણી કવિતા છે. અહીં ઔર એક રસપ્રદ વાત. રાજેશ ખન્નાને જાણ થઇ કે 'આનંદ'માં મારા પર ફિલ્માવાનું એક પણ ગીત કિશોરકુમારના કંઠમાં નથી ત્યારે એ થોડો અપસેટ થઇ ગયેલો. એ સુપર સ્ટાર થઇ ચૂક્યો હતો, પણ હૃષીદા કે ગુલઝારને મોઢામોઢ પૂછવાની એની હિંમત નહોતી ચાલી. જોકે એણે એક ગીત માટે હૃષીદાને ભાઇબાપા કરેલા. એ ગીત હૃષીદાની દ્રષ્ટિએ બેકગ્રાઉન્ડમાં લેવાનું હતું. રાજેશે એવો આગ્રહ રાખ્યો કે એ ગીત પરદા પર હું ગાતો હોઉં એ રીતે મૂકો તો સારું. હૃષીદા અને ગુલઝારે એ વાત માન્ય રાખી. એ યાદગાર ગીત એટલે 'જિંદગી કૈસી હૈ પહેલી…'
સંગીતકાર સલિલ ચૌધરી પોતે નીવડેલા સાહિત્યકાર અને કવિ હતા એટલે પહેલેથી એમણે મનોમન આ ચારે ગીતોની તર્જ વિચારી રાખેલી. દ્રશ્યને અનુરૂપ અને ગીતના શબ્દોમાં રહેલા ભાવને તાદ્રશ કરે એ રીતે સંગીત પીરસવાની એમની તાસીર પહેલેથી રહી હતી. પહેલાં એમણે મૂકેશને વિશ્વાસમાં લીધા. મૂકેશના ચાહકો આ ગાયકના કંઠમાં રહેલા કુદરતી દર્દને વરસોથી માણતા આવ્યા છે. સલિલદાએ મૂકેશના કંઠે પહેલું જે ગીત રેકોર્ડ કરાવ્યું એ હતું - 'મૈંને તેરે લિયે હી સાત રંગ કે સપને ચુને, સપને સુરીલે સપને…' ગુલઝારે અહીં ગજબની કલ્પના કરી છે. સાત રંગનું સપનું એટલે મેઘધનુષના રંગે રંગાયેલું સપનું. પાછું એ સૂરીલું સપનું. ગાઢ ઊંઘમાં માણસને જે સ્વપ્ન આવે એ કેવા ચડાવ ઉતારતી છલકતું હોય એવી અદભુત કલ્પના અહીં વ્યક્ત થઇ છે. આંખ બંધ કરીને તથા હેડફોન પહેરીને આ ગીત સાંભળો તો તમને શબ્દોની સાથે સ્વરોનો ઊછાળ પણ મહેસૂસ થશે. એની તર્જ સિતારસમ્રાટ પંડિત રવિશંકરે સર્જેલા મનાતા રાગ માંઝ ખમાજમાં છે.
મૂકેશના કંઠે ગવાયેલું બીજું ગીત એટલે 'કહીં દૂર જબ દિન ઢલ જાયે, સાંઝ કી દૂલ્હન બદન ચુરાયે, ચૂપકે સે આયે, મેરે ખયાલોં કે આંગન મેં, કોઇ સપનોં કા દીપ જલાયે…' ગીતકાર યોગેશે જાણે પોતે ગુલઝાર જોડે સંતાકૂકડી રમતાં હોય એવી કલ્પના આ ગીતના શબ્દોમાં કરી છે. દૂર ક્ષિતિજ પર સૂર્યાસ્ત થવાની તૈયારી હોય, સાંજ રૂપી નવવધૂ છાને પગલે, ચૂપચાપ આવે, નાયકના વિચાર રૂપી આંગણામાં સપનાનાં દીવા પ્રગટાવે… અહાહાહા, કેવી જાદુઇ કલ્પના છે કવિની! રોમાન્સરંગી રાગ પહાડીમાં આ ગીત ઉપડે છે અને અંતરામાં યમન કલ્યાણ પર થઇને પહાડીમાં પાછું ફરે છે. મૂકેશના ચાહકોએ આ બંને ગીતો મોડી રાત્રે કે પરોઢિયે હેડફોન પહેરીને માણવા જોઇએ. ૧૯૪૦ના દાયકાના મૂકેશનો કંઠ ૧૯૭૦માં કેવો ઘડાયેલો, મંજાયેલો અને મેચ્યોર અનુભવાય છે એ માણવા જેવું છે.
પોતાને રાજેશ ખન્ના માટે ગાવાની તક મળી એ જાણીને મન્ના ડે ખુશ થઇ ગયેલા. સંગીતકારની ખૂબી જુઓ કે અહીં પણ ફરી રાગ પહાડી છે. પણ ગીતમાં રહેલો ભાવ ચમત્કારની જેમ પ્રગટ થાય છે. 'જિંદગી કૈસી હૈ પહેલી હાય, કભી યે હંસાયે, કભી યે રુલાયે…' આ ગીતમાં પણ યોગેશે કમાલ કરી છે. અંતરામાં કહે છે- 'કભી દેખો મન નહીં જાગે, પીછે પીછે સપનોં કે ભાગે, એક દિન સપનોં કા રાહી, ચલા જાયે સપનોં કે આગે…' ક્યા બાત હૈ…
લતાજીના ભાગે આવેલું ગીત ખુદ લતાજીએ કહ્યા મુજબ ખાસ્સું અઘરું હતું. આપણા સંગીતમાં કેટલાક રાગો એક કે વધુ રાગોના સંયોજનથી બનેલા છે. એવો એક રાગ છે માલગૂંજી. પંડિત ઓમકારનાથ ઠાકુર આ રાગ બહુ ગાતા. વિદ્વાનોના મતે બાગેશ્રી, રાગેશ્રી, ખમાજ અને જયજયવંતી એમ ચાર રાગોના સમન્વયથી આ રાગ બન્યો છે. એ ગાવા માટે ખાસ્સો રિયાઝ અને સ્વરો પર પૂરતો કાબુ જોઇએ. એટલે લતાજીએ આ સ્વરાંકનને અઘરું કહેલું. છ માત્રાના દાદરા તાલમાં ગીત ઊપડે છે- 'ના, જીયા લાગે ના, તેરે બિના મેરા કહીં, જીયા લાગે ના…' શબ્દો અને સ્વરફેંક ખટકાદાર છે. આ એક રીતે વિરહગીત છે. એના શબ્દોને બંદિશમાં એવી રીતે ગૂંથ્યા છે કે રેંજીપેંજી ગાયક માટે મુશ્કેલ બની રહે.
અંતે અમિતાભ બચ્ચનના ઘુંટાયેલા ખરજના કંઠે એક કાવ્ય રજૂ થાય છે. ગુલઝારના શબ્દો છે- 'મૌત તૂ એક કવિતા હૈ…' આખું કાવ્ય યાદગાર છે. ક્યારેક યુટયુબ પર માણજો. આપણે બીજો અંતરો જોઇએ- 'જિસ્મ જબ ખત્મ હો, ઔર રૂહ કો જબ સાંસ આયે, મુઝ કો એક કવિતા કા વાદા હૈ, મિલેગી મુઝ કો…'
સૌ જાણે છે કે આનંદ ફિલ્મ સુપરહિટ હતી. રાજેશ ખન્નાના અસંખ્ય ચાહકોએ પણ આ ફિલ્મમાં રાજેશનું પાત્ર અંતે મૃત્યુ પામે છે એ પણ સ્વીકારી લીધેલું. સમગ્ર રીતે ફિલ્મ સુપરહિટ હતી અને આજે તો કલ્ટ ફિલ્મ ગણાય છે.




