Chitralok

બોલિવુડના જમ્પિંગ જેક માટે ગણેશોત્સવ વર્તમાનને ભૂતકાળ સાથે જોડતો સેતુ છે

By GS Team
17 Sep 20265 mins read
બોલિવુડના જમ્પિંગ જેક માટે ગણેશોત્સવ વર્તમાનને ભૂતકાળ સાથે જોડતો સેતુ છે
  • જીતેન્દ્રએ ચાલના મૈત્રીભર્યા વાતાવરણમાં તહેવારની ઉજવણી યાદ કરી
  • આધુનિક ઉજવણીના ઉત્સાહ અને ભવ્યતાનો ઈન્કાર થઈ શકે તેમ નથી. ક્રિયેટિવિટી પણ વધી છે. જોકે જીતેન્દ્ર માને છે કે અગાઉની ઉજવણીઓની સાદગીભરી આત્મીયતા હવે ક્યાંક ખોવાઈ ગઈ છે.

મુંબઈનો અવિરત તાલ ગણેશ ચતુર્થી દરમ્યાન વિશેષ લય ધારણ કરે છે. રસ્તાઓ 'ગણપતિ બાપ્પા મોર્યા'ના ઉલ્લાસભર્યા અવાજથી ગૂંજી ઉઠે છે, જ્યારે ઘરો, હાઉસિંગ સોસાયટીઓ અને વિશાળ પંડાલો ભક્તિ, સંગીત અને ઉજવણીથી જાણે જીવંત બની જાય છે. છતાં, અગ્રણી કલાકાર જીતેન્દ્ર માટે આ તહેવાર મુંબઈની ઓળખ બની ગયેલી ભવ્ય ઉજવણી કરતા કંઈક વધુ આત્મીયતાનું પ્રતિનિધિત્વ કરે છે. ૮૩ વર્ષીય સ્ક્રીન દિગ્ગજ માટે ગણપતિ ભૂતકાળમાં લઈ જતી સફર છે, ગિરગાંવની સાંકડી ગલીઓ, ગીચ ચાલ અને સામુહિક સાદગીભર્યા જીવન તરફની વાપસી છે, જે જીવનશૈલીએ બોલીવૂડના આ કલાકારને તેની લોકપ્રિય 'જમ્પિંગ જેક'ની છબી બક્ષી હતી.
હવે જ્યારે મુંબઈ દર વર્ષની જેમ ગજાનનને આવકારવા તૈયારી કરી રહ્યું છે ત્યારે જીતેન્દ્રની યાદો આઠ દાયકા પાછળ જઈ રહી છે. તેની વાર્તા ફિલ્મી પ્રીમિયરો, વૈભવી ઘરો અથવા સેલિબ્રિટી મેળવાડા વિશે નથી. પણ તેના સ્થાને તે ગિરગાંવની શ્યામ સદન ચાલમાં શરૂ થાય છે, જ્યાં તેણે પોતાના જીવનના બાવીસ વર્ષ ત્યાં રહેતા ૮૦થી વધુ પરિવારો વચ્ચે વીતાવ્યા હતા, ઉજવણીઓ કરી હતી અને એક વિશાળ પરિવારને જેમ એકબીજાને સહાય કરી હતી.
હિન્દી સિનેમાનો સૌથી સફળ સ્ટારમાંથી એક બન્યાના લાંબા સમય અગાઉ જીતેન્દ્ર મુંબઈના વ્યસ્ત હાર્દમાં ઉછરતો માત્ર એક યુવાન હતો. ચાર માળની ચાલ, જ્યાં તેણે પોતાનું બાળપણ વીતાવ્યું, તે માત્ર નિવાસ સ્થાન નહોતું, પણ પોતાની રીતે એક વિશ્વ હતું. પ્રત્યેક પરિવાર એકમેકથી પરિચિત હતો, બાળકો સાથે રમતા અને તહેવારો કોઈ વ્યક્તિગત ઘરની માલિકીના નહોતા પણ સમગ્ર સમુદાયના હતા. સ્વાભાવિક રીતે ગણેશોત્સવ વર્ષનો સૌથી આતુરતાથી રાહ જોવાતો પ્રસંગ હતો.
જીતેન્દ્રના સૌથી મનપસંદ સંસ્મરણો છે ચાલના જીવનની ઓળખ બની ગયેલું અદ્ભુત ખુલ્લાપણું. ગણેશોત્સવના દસ દિવસ દરમ્યાન દરવાજા ખુલ્લા રહેતા, ક્યારેક તો રાત્રે પણ. આધુનિક જીવન શૈલીની ઓળખ બની ગયેલા અવરોધો અને સાવચેતીની ખાસ જરૂર નહોતી પડતી. પરિવારો મુક્તપણે એકબીજાના ઘરમાં આવજા કરતા, ઉછીનુ રાશન, રસોઈનો સામાન અથવા ઘરની જરૂરીયાતો જરૂર પડે ત્યારે લઈ લેતા. કોઈ પડોશીને મદદ કરવામાં અચકાતું નહિ, કારણ કે ચાલમાં, પડોશી જ પરિવાર ગણાતો.
સામુહિકતાની આ ભાવના તહેવારમાં વિશેષ ઉષ્મા લાવતી. તૈયારીઓ સાથે મળીને કરાતી, જવાબદારીઓ વહેંચી લેવામાં આવતી અને ઉજવણીઓ સાથે માણવામાં આવતી. કોઈ ઘરને મદદની જરૂર હોય તો અન્યો તાત્કાલિક આગળ આવતા. ગણપતિની આ ભાવના, જીતેન્દ્ર યાદ કરે છે, માત્ર પ્રતિમા સમક્ષ થતી પ્રાર્થનામાં જ નહિ પણ એકબીજા પ્રત્યે દર્શાવવામાં આવતી કરૂણા અને લાગણીમાં પણ વ્યક્ત થતી.
જો કે અન્ય બાળકોની જેમ યુવા જીતેન્દ્રને પણ તહેવારમાં પોતાનો રસ હતો, પ્રસાદ. ગળ્યુ ખૂબ જ ભાવતુ હોવાથી તે અને તેના મિત્રોએ ગણેશોત્સવ દરમ્યાન ચાલાક ઉપાય અજમાવ્યો. તેઓ બરોબર સાંજની આરતીના સમયે એક ઘરમાંથી બીજા ઘરમાં જતા અને સાવધાનીપૂર્વક તેમના આગમનનો સમય સેટ કરતા. પ્રાર્થના પૂર્ણ થયા પછી તેઓ પ્રસાદ તરીકે ધરવામાં આવેલ પેંડા, લાડુ અને અન્ય મિઠાઈઓની ખુશીથી મિજબાની ઉડાવતા.
એક યુવા કિશોર માટે આ ઉત્સાહજનક સાહસ હતું. આજે જીતેન્દ્ર માટે આ સંસ્મરણો વધુ ગાઢ અર્થ ધરાવે છે, બાળપણની નિર્દોષતા અને જ્યાં સહિયારાપણુ સ્વાભાવિક હોય તેવી સરળ સામૂહિક ઉદારતા. કોઈને પરવા નહોતી કે ઘરમાં કેટલા છોકરા આવ્યા અથવા કેટલો પ્રસાદ વિતરીત થયો. વહેંચવાની ખૂશી મેળવવાના આનંદ કરતા વધુ હતી.
જીતેન્દ્રના પ્રસિદ્ધ કલાકાર તરીકેના ઘડતરમાં ગણેશ ચતુર્થીએ પણ અણધારી ભૂમિકા ભજવી હતી.પોતાના ઊર્જાયુક્ત નૃત્ય માટે પછીથી પ્રસિદ્ધ થયેલા અને બોલીવૂડના 'જમ્પિંગ જેક' તરીકેનું શીર્ષક હાંસલ કરનાર જીતેન્દ્રએ ઘણીવાર સ્વીકાર્યું છે કે તેણે ક્યારેય નૃત્યની ઔપચારિક તાલીમ નથી લીધી. ઉત્સાહ, ઝડપ અને અસીમિત ઊર્જા દ્વારા ચિહ્નિત તેની ડાન્સની વિશિષ્ટ સ્ટાઈલ કોઈ ડાન્સ એકેડમીની દેન નહોતી પણ મુંબઈની ગલીઓમાં જન્મી હતી.
ગણપતિ વિસર્જન તેમજ ગોવિંદા ઉજવણી દરમ્યાન યુવા જીતેન્દ્ર અન્ય યુવાનો સાથે રસ્તાઓ પર ડાન્સ કરતો. ઢોલ, સંગીત, ઉત્સાહ તેમજ રસ્તા પરની ખુલ્લી સ્વતંત્રતા તેને સહજ તાલ આપતી. વર્ષો પછી જ્યારે દર્શકોએ તેને કૂદકા મારતો, ઉછાળા મારતો અને સ્ક્રીન પર ઊર્જા સાથે ફરતા જોયો ત્યારે તેમને ખ્યાલ નહોતો કે આ લોકપ્રિય અદાના મૂળ ગિરગાંવના તહેવારોની ઉજવણી વચ્ચે રોપાયા હતા.
જીતેન્દ્રના ઉછેરે પણ તેને મહારાષ્ટ્રની ભાષા અને સંસ્કૃતિ સાથે ગાઢ જોડાણ બક્ષ્યું. મરાઠી બોલાતા વાતાવરણમાં થયેલા ઉછેરે જીતેન્દ્રને મરાઠીમાં નિપુણ બનાવ્યો અને સાંસ્કૃતિક પરંપરા તેમજ વિસ્તારની સંવેદનશીલતા સમજવામાં સહાય કરી. હિન્દી સિનેમામાં અપાર પ્રસિદ્ધિ હાંસલ કર્યા પછી પણ તે બાળપણમાં આત્મસાત કરેલા મૂલ્યોમાં જડાયેલો રહ્યો. આજે ભલે જીતેન્દ્ર તેની સફર જ્યાંથી શરૂ થઈ તેવી મધ્યમ ચાલથી દૂર જુહુની સગવડ અને વૈભવમાં મહાલતો હોય, પણ તેની સફળતાએ ગિરગાંવ સાથે તેનો ભાવનાત્મક સંબંધ નથી તોડયો. વર્ષો પછી પણ તે ગણેશ ચતુર્થી દરમ્યાન તેના વ્યક્તિત્વને ઘડનાર સ્થળ સાથે જોડાણ સાધવા અને આરતી કરવા શ્યામ સદન ચાલ પહોંચી જાય છે. આ મુલાકાતોથી એક સરળ સત્ય ઉજાગર થાય છે: સરનામા ભલે બદલાય, બાળપણના મૂળ હૃદયમાં કાયમ અંકિત થયેલા રહે છે.
ગણેશ ચતુર્થીના બદલાતા પ્રકાર વિશે મંથન કરતા જીતેન્દ્ર કહે છે કે તેના બાળપણની ઉજવણી અને વર્તમાન સમયના તહેવારમાં નોંધપાત્ર તફાવત છે. અગાઉ પંડાલો સાદા હતા, સજાવટ વિનમ્ર હતી અને ઉજવણીઓ મુખ્યત્વે ભક્તિ અને પડોશીની હિસ્સેદારી પર કેન્દ્રિત હતી. આજે ગણેશોત્સવ ભવ્ય સાંસ્કૃતિક તમાશામાં પરિવર્તિત થયો છે જેમાં ભવ્ય શ્રુંગાર, ચમકતી લાઈટો, જોરદાર સાઉન્ડ સીસ્ટમો અને ભવ્ય બજેટ હોય છે.
જીતેન્દ્ર કબૂલ કરે છે કે આધુનિક ઉજવણીના ઉત્સાહ અને ભવ્યતાનો ઈન્કાર થઈ શકે તેમ નથી. મુંબઈના ગણેશ પંડાલો હવે ભારે ભીડ, સેલિબ્રિટી, પ્રવાસીઓ તેમજ વ્યાપક મીડિયાનું ધ્યાન ખેંચી રહ્યા છે. રચનાત્મકતા અસાધારણ સ્તરે પહોંચી ગઈ છે, અને અનેક આયોજકો આ તહેવાર મારફત સામાજિક જાગૃકતા તેમજ સામૂહિક મુદ્દાને પ્રોત્સાહન આપતા જણાય છે. છતાં જીતેન્દ્ર માને છે કે અગાઉની ઉજવણીઓની સાદગીભરી આત્મીયતા ક્યાંક ખોવાઈ ગઈ છે.
બોલીવૂડના 'જમ્પિંગ જેક' માટે ગણપતિ માત્ર દર વર્ષે આવતો કોઈ તહેવાર નથી, પણ એક જીવંત યાદ છે, એક ઈશારો છે કે જીવન આપણને ભલે ગમે તેટલા ઊંચે લઈ જાય, આપણા મૂળ તો કાયમ જમીનમાં જ રહેવાના.