ડો. રાહી માસુમ રઝા : મહાભારત ટીવી સિરીયલના વિદ્વાન લેખકને ઝાઝેરા સલામ

- હિન્દી ફિલ્મ જગતના સન્માનનીય પટકથા અને સંવાદલેખકની જન્મ જયંતિ આખા ભારતમાં ઉજવાઇ રહી છે ત્યારે તેમની શબ્દયાત્રાના વિવિધ પડાવ જાણીએ
દૂરદર્શનની મહાભારત સિરિયલ (૨-૧૦-૨૯૮૮ થી ૨૪-૬-૧૯૯૦)ની શરૂઆત 'મૈં સમય હૂં'ના નાદથી થતી હતી.
હિન્દી ફિલ્મ જગતના પ્રસિદ્ધ નિર્માતા - દિગ્દર્શક બી.આર. ચોપરાની મહાભારત ટીવી સિરિયલનાં તમામ પાત્રોના યાદગાર અને અર્થસભર સંવાદો સાંભળીને દર્શકો ખુશ થઇ જતાં.
આ તબક્કે મહાભારત ટીવી સિરિયલને યાદ કરવાનું કારણ એ છે કે આ યાદગાર સિરિયલના લેખક ડો. રાહી માસુમ રઝાની જન્મ જયંતિ ૨૦૨૬ની૧, સપ્ટેમ્બરથી આખા ભારતમાં ઉજવાઇ રહી છે. ડો. રાહી માસુમ રઝાનો જન્મ ૧૯૨૭ની ૧, સપ્ટેમ્બરે ઉત્તર પ્રદેશનાગાઝીપુર જિલ્લાના ગંગૌલી ગામમાં થયો હતો. તેમનું અવસાન ૧૯૯૨ની ૧૫,માર્ચે મુંબઇમાં થયું હતું. ડો.રાહી માસુમ રઝા હિન્દી ફિલ્મોના મોટાગજાના પટકથા લેખક અને સંવાદ લેખક હતા. જોકે રાહી માસુમ રઝા સાહેબ મૂળભૂત રીતે તો હિન્દી અને ઉર્દુ સાહિત્યના પ્રતિષ્ઠિત લેખક હતા. સાથોસાથ તેમણે બોલીવુડમાં પણ લગભગ ૩૦૦ ફિલ્મોમાં પટકથા અને સંવાદો લખ્યા હોવાનો સંદર્ભ મળે છે. મહાભારત સિરિયલની પટકથા અને સંવાદો ડો. રાહી માસુમ રઝાએ અને પંડિત નરેન્દ્ર શર્માએ સાથે મળીને લખ્યા હતાં. મહત્વનો મુદ્દો જોકે એ છે કે રાહી માસુમ રઝાને સંસ્કૃતનો અભ્યાસ ન હોવા છતાં તેમણે મહાભારતના અર્થસભર સંવાદો લખ્યા. રાહી સાહેબની આવી કુશળતા જોઇને બોલીવુડને તેમના માટે સન્માન થયું હતું.
મહાભારતનો દુર્યોધન એટલે કે પુનિત ઇસ્સાર જૂનાં સંસ્મરણો યાદ કરતાં કહે છે, હું બી.આર. ચોપરા સાહેબને મળવા ગયો ત્યારે ત્યાં ડશે. રાહી માસુમ રઝા, નરેન્દ્ર શર્મા, કાસ્ટ ડાયરેક્ટર(પાત્રોની પસંદગી કરનારા દિગ્દર્શક) ગુફી પેન્ટલ વગેરે હાજર હતા. તેઓએ મારો પડછંદ દેહ જોઇને તરત જ કહ્યું, ચાલો આપણને ભીમ મળી ગયો. મેં તરત જ કહ્યું, સાહેબ , હું ભીમના પાત્ર માટે નહીં પણ દુર્યોધનની ભૂમિકા માટે આપને મળવા આવ્યો છું.
વળતા જવાબમાં તેઓએ મને કહ્યું, અરે, દુર્યોધનના પાત્રમાં તો તમારે લાંબા લાંબા અને શુદ્ધ હિન્દીમાં અઘરા સંવાદો બોલવા પડશે. મેં કહ્યું, સરજી, મેં હિન્દી સાહિત્યના શુદ્ધ અને આરોહ -અવરોહ સાથે ઉચ્ચારો કરવાની વ્યવસ્થિત તાલીમ લીધી છે. શિક્ષણ લીધું છે. બરાબર આ જ તબક્કે રાહી સાહેબે મને હિન્દી સાહિત્યની કોઇ રચના સંભળાવવા કહ્યું. રાહી સાહેબે અને મારા પિતાજીએ મૈં તુલસી તેરે આંગન કી(૧૯૮૭) ફિલ્મમાં સાથે કામ કર્યું હોવાથી તેઓ મને ઓળખતા હતા. મારા, પિતાજી સુદેશ ઇસ્સાર મૈં તુલસી તેરે આંગન કી ફિલ્મના સહ દિગ્દર્શક , જ્યારે કાલી બસ્તી, જ્વાલા, ભાઇ કા દુશ્મન ભાઇ, વગેરે ફિલ્મોના દિગ્દર્શક હતા. મેં તેઓ સમક્ષ હિન્દી સાહિત્યના આલા દરજ્જાના કવિ મૈથીલી શરણ ગુપ્તની યાદગાર રચના : જયદ્રથ વધ : નું ગાન કર્યું અને તેપણ શુદ્ધ ઉચ્ચારો અને આરોહ અવરોહ સાથે. બસ, રાહી સાહેબ, પંડિત નરેન્દ્ર શર્માજી વગેરે રાજીના રેડ થઇ ગયા. મને મારું મનગમતું દુર્યોધનનું પાત્ર મળી ગયું.
હિન્દી ફિલ્મ જગતના આલા દરજ્જાના દિગ્દર્શક કમાલ અમારોહીના પુત્ર તાજદાર અમરોહી કહે છે, મારા પિતાજી મહાભારત ટીવી સિરિયલના જબરા ચાહક હતા. દ્રશ્યો અને સંવાદો બહુ ધ્યાનથી જોતા અને સાંભળતા. રાહી સાહેબની કલમની ભરપૂર પ્રશંસા કરતા. મને બરાબર યાદ છે કે ખુદ રાહી સાહેબ પોતે કહેતા, મને કમાલ સાહેબ પાસેથી ઘણી પ્રેરણા મળી છે.
એક વખત મારા પિતાજીએ રાહી સાહેબને પૂછ્યું હતું કે તમને સંસ્કૃતનો અભ્યાસ નહીં હોવા છતાં મહાભારત ટીવી સિરિયલના સંવાદો આટલા સારા અને અર્થસભરતાથી કઇ રીતે લખ્યા ? રાહી સાહેબે બહુ સરસ જવાબ આપતાં કહ્યું હતું, બસ, મેં તો મહાભારત ટીવી સિરિયલમાં તખ્લિયા શબ્દનો એકાંત એવો ભાવાનુવાદ કર્યો છે.
ડો. રાહી માસુમ રઝાની પ્રતિભાનું ગગન બહુ વિશાળ હતું. એટલ ેકે તેમણે મેૈં તુલસી તેરે આંગન કી, કર્જ, મિલી, હમ પાંચ, તવાયફ, લમ્હેં, ડિસ્કો ડાન્સર, કસમ પૈદા કરને વાલે કી, ડાન્સ ડાન્સ, એડવેન્ચર્સ ઓફ ટારઝન વગેરે ફિલ્મોના સંવાદ અને પટકથા લખ્યાં હતાં. રાઝા સાહેબને શ્રેષ્ઠ સંવાદ લેખકના ત્રણ ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યા છે.
બોલીવુડના જાણીતા દિગ્દર્શક બી. સુભાષ કહે છે, ડો. રાહી માસુમ રઝા સાહેબ એટલે ભારોભાર બુદ્ધિપ્રતિવાન વ્યક્તિ. એમ કહો કે વિદ્વાન. અમે મારી ડિસ્કો ડાન્સર, કસમ પૈદા કરને વાલે કી વગેરે ફિલ્મોમાં સાથે કામ કર્યું હોવાથી મને તેમની તેજસ્વી બુદ્ધિ પ્રતિભાનો બહુ સારો પરિચય છે.દિગ્દર્શકને ખરેખર શું જોઇએ છે તેનો અંદાજ ફક્ત એક જ શબ્દમાંં સમજી જાય.બસ, પછી તો રાહી સાહેબ તેમના શબ્દોમાં એવી રંગોળી પૂરે કે સાભળનાર અને ફિલ્મનાં દર્શકો રાજી રાજી થઇ જાય.




