દીપિકા સિંહ : વયસ્ક અભિનેત્રી મુખ્ય ભૂમિકા આપવી તે 'બ્રેવ કાસ્ટિંગ' નથી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

'ટેલિવિઝનનું ક્ષેત્ર ધીરે ધીરે ખૂબ બધું સ્વીકારતું થઈ ગયું છે. પછી તે મહિલાઓની વય હોય, લગ્ન હોય કે માતૃત્વને લગતી વાત હોય! જો તમે પ્રામાણિકતા અને ઊર્જા સાથે અભિનય કરશો તો કોઈ પણ વયે પ્રેક્ષકો સાથે જોડાઈ શકશો.'
'મંગલ લક્ષ્મી' ટીવી શો પર આખરી પડદો પડી ગયો. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે શો એક નવા રોમેન્ટિક વળાંક ભણી આગળ વધી રહ્યો હતો. આ શોની અભિનેત્રી દીપિકા સિંહ માટે તો આ અચાનક અંત ખાસ કરીને પચાવવો મુશ્કેલ બની ગયો હતો. આ સંદર્ભે દીપિકા સિંહ કહે છે, 'જ્યારે મેં આ માચાર સાંભળ્યા ત્યારે મને જોરદાર આઘાત લાગ્યો કારણ કે હું તેના માટે બિલકુલ તૈયાર જ નહોતી. 'મંગલ લક્ષ્મી' ફક્ત લંબાતી જતી હતી, ખાસ કરીને અવિનાશ સચદેવના પાત્ર અને મારા વચ્ચેના પ્રેમ ટ્રેક સાતે અને પછી આ અચાનક નિર્ણય કરવામાં આવ્યો.'
'મેં શો માટે તો મારું શ્રેષ્ઠ આપ્યું છે અને આ શોનો સેટ તો ઘર જેવો બની ગયો હતો. જ્યારે કંઈક ઘર બની જાય છે ત્યારે તમે રાતોરાત પેક કરવાની અપેક્ષા રાખતા નથી,' એમ દીપિકા ઉમેરે છે.
એવા તબક્કે જ્યારે ઘણી અભિનેત્રીઓ તેમના જીવનના ૩૦ અને ૪૦ ના સમયકાળમાં પોતાને સહ-અભિનેત્રીની કક્ષામાં ખસેડવાની પ્રયત્ન કરતી હોય ત્યારે દીપિકા સિંહ માને છે કે તેની પ્રતિબધ્ધતા તો સમયપત્રકમાં સતત શીખવાની રહી છે અને તેને કારણે મદદ સુધ્ધાં મળી છે. એક અગ્રણી મહિલા તરીકે લાંબી ઇનિંગ્સ રમી છે. તે કહે છે, 'મારા ઘણા મિત્રો કહે છે કે હું ભાગ્યશાળી છું અને હા હું છું, પણ આ ભાગ્ય પાછળ મારી સાધના છે, જે કોઈને નજરે પડતી નથી. મેં ઓડિસી અને માર્શલ આર્ટ શીખવાનું શરૂ કર્યું - ૨૦૧૪માં અને આ પ્રતિબધ્ધતાને હું આજેય વળગી રહી છું અને જ્યારે ૧૪ કલાકનું શુટિંગ શિડયુલ હતું ત્યારે પણ તેને છોડયું નહોતું. મેં નાટયશાસ્ત્ર, રામાયણ અને ભગવદ્ ગીતાના પણ પાઠ કર્યા છે. આ કંઈ નસીબ નથી આ તો વર્ષોથી ચાલતો દરરોજનો
રિયાઝ છે.'
આ સાથે જ દીપિકા સિંહ માને છે કે ટેલિવિઝનનું ક્ષેત્ર ધીરે ધીરે ખૂબ બધું સ્વીકારતું થઈ ગયું છે. પછી તે મહિલાઓની વય હોય, લગ્ન હોય કે માતૃત્વને લગતી વાત હોય! આ અંગે દીપિકા સિંહ કહે છે, 'જો તમે પ્રામાણિકતા અને ઊર્જા સાથે અભિનય કરો છો તો તમે કોઈ પણ વયે પ્રેક્ષકો સાથે જોડાઈ શકો છો. પરિવર્તન થઈ રહ્યું છે. ભલે ધીમે ધીમે, પરંતુ જ્યારે ૩૫ વર્ષની વધુ વયની કોઈ અભિનેત્રી કોઈ શોની કેન્દ્રીય ભુમિકા કરતી હોય તો આપણે તેને 'બ્રેવ કાસ્ટિંગ' કહીશું. જે દિવસની આપણે તેને 'બ્રેવ' કહેવાનું છોડી દઈશું અને માત્ર કાસ્ટિંગ કહીશું ત્યારે આપણે જાણીશું કે આપણે જીતી ગયા છીએ. માતૃત્વ, લગ્ન અને ઉંમર કોઈ બોક્સ નથી. તે માત્ર જીવન છે અને જીવન મુખ્ય વાર્તાને પાત્ર છે,' એમ દીપિકાએ ઉમેરી સાચી વાત સ્પષ્ટ કરી હતી.









