Chitralok

દીપિકા ચિખલિયા : 'સીતા'ની ઈમેજ ભૂંસ્યા વિના નવી છબી કંડારવા ઉત્સુક

By GS Team
17 Sep 20262 mins read
દીપિકા ચિખલિયા : 'સીતા'ની ઈમેજ ભૂંસ્યા વિના નવી છબી કંડારવા ઉત્સુક
  • 'હું એક અનુભવી અદાકારા છું અને જો મને તક આપવામાં આવે તો હું મારું કૌશલ્ય ઓટીટી પર પણ બતાવવા તૈયાર છું. હું મારી સમગ્ર કારકિર્દી માત્ર 'સીતા'ના રોલમાં સમેટી લેવામાં માનતી નથી. હું આ ભૂમિકાથી પણ ઘણું વધુ કરી શકું તેમ છું.'

૧૯૮૭-૮૮ દરમિયાન ટીવી પર આવેલી રામાનંદ સાગરની પૌરાણિક ધારાવાહિક 'રામાયણ'માં 'સીતા'ની ભૂમિકા ભજવનાર દીપિકા ચિખલિયા આજે પણ 'સીતા' જ કહેવાય છે અને અદાકારાને એ વાતનું ગૌરવ પણ છે. દીપિકા કહે છે: 'હું સીતાની ઈમેજને સાથે રાખીને કાંઈક નવું, અર્થપૂર્ણ કરવા માગુ છું. ઘણાં કલાકારો તેમના સીમાચિહ્નરૂપ પાત્રની છબિમાં હમેશાં માટે જકડાઈને રહી જતાં હોય છે. અલબત્ત, એ રોલની લોકપ્રિયતાને પગલે. પરંતુ જો તમે થોડા સમય સુધી બીજી કોઈ ભૂમિકા ભજવો તો લોકો તમને તેમાં પણ સ્વીકારવા લાગે એ વાત ચોક્કસ.
મેં મારી અભિનયની સફર ફિલ્મોથી શરૂ કરી હતી. પરંતુ પહેલી ફિલ્મ કર્યા પછી લોકો મને જોઈને સીટી મારતાં તે મને નહોતું ગમતું. લોકો મને સ્વીમિંગ કોશ્ચ્યુમમાં અને ગ્લેમરસ ભૂમિકાઓમાં જ જોવા માગતા હતા. હું ઈશ્વરને પ્રાર્થના કરતી કે મને એવું કિરદાર અપાવો જેમાં જોયા પછી લોકો મને માન આપે અને ભગવાને જાણે કે મારી પ્રાર્થના સાંભળી લીધી. રામાનંદ સાગરે 'રામાયણ' બનાવી અને મને તેમાં સન્માનજનક પાત્ર ભજવવાની તક મળી.
હું એક અનુભવી અદાકારા છું અને જો મને તક આપવામાં આવે તો હું મારું કૌશલ્ય ઓટીટી પર પણ બતાવવા તૈયાર છું. આજની તારીખમાં ૫૦થી ૭૦ વયની અભિનેત્રીઓ માટે પણ માતા કે દાદી સિવાયના સારા રોલ લખાય છે. હું પણ આજના સમયને અનુકૂળ થવા તૈયાર છું. હું ઇચ્છું છું કે ફિલ્મ સર્જકો મને 'સીતા' સિવાયના કોઈ રૂપમાં પણ કલ્પે અને મને અલગ પ્રકારના પાત્રો ભજવવાની તક આપે. મને ટીવી પર સારા રોલ ઓફર થઈ રહ્યાં છે. પરંતુ મહિનામાં બાવીસ દિવસ સુધી, રોજેરોજ ચૌદ ચૌદ કલાક સુધી કામ કરવાની મારી ઇચ્છા નથી. મેં ક્યારેય પૈસા માટે કામ નથી કર્યું. મને સારી ભૂમિકા ભજવવાનો આનંદ લેવો છે. હું મારી સમગ્ર કારકિર્દી માત્ર 'સીતા'ના રોલમાં સમેટી લેવાના પક્ષમાં નથી. હું આ ભૂમિકાથી પણ ઘણું વધુ કરી શકું તેમ છું.'