બેલા હેડિડ : બીમારી સામે ઝૂકીશ નહીં...
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સુપર મોડલ બેલા હેડિડે પોતાની બીમારી સામેની ૧૫ વર્ષ લાંબી અને થકવી નાખનારી લડાઈ વિશે સોશિયલ મીડિયા પર અંગત વાતો શેર કરી છે. ૨૯ વર્ષીય બેલાએ ચાહકોને જણાવ્યું કે, 'અનેક શારીરિક-માનસિક પરેશાનીઓ છતાં તે હિંમત હારી નથી. લાઈમ બીમારીના તાજેતરના ગંભીર હુમલાએ મને હતાશ કરી દીધી હતી. સતત ૧૧ કલાક ઊંઘવા છતાં હું ભારે થાક અનુભવતી હતી. સ્થિતિ એટલી કથળી હતી કે કિચન સુધી જવામાં પણ શ્વાસ ફૂલી જતો અને બેહોશ થયા વિના સ્નાન કરી લેવું તેના માટે એક સિદ્ધિ સમાન હતું. બ્રેન ફોગ તો એટલું બધું હતું કે મારા મગજના છેલ્લા બે સેલ પણ પરસ્પર લડી રહ્યા હતા.'
બેલાએ બીમારીને કારણે આવતી એકલતા, પીડા અને કથળતા માનસિક સ્વાસ્થ્ય વિશે નિખાલસતાથી વાત કરી. 'જૂના ઈલાજ હવે અસરદાર ન રહેતા નિરાશા ઉપજે છે. સ્વસ્થ લોકો માટે આ બીમારીના અનેક પાસાં સમજવા જરૂરી છે.'
બેલાએ મુશ્કેલ દિવસોમાં રડતી સેલ્ફી પોસ્ટ કરી હતી, જેના પગલે મિત્રો, પરિચિત અને ચાહકોને ચિંતા થઈ આવી હતી.
બેલાને ૨૦૧૩માં માત્ર ૧૬ વર્ષની વયે લાઈમ બીમારીનું નિદાન થયું હતું. આ એક પ્રકારનું ઇન્ફેકશન છે, જે સાંધા, હૃદય અને નર્વસ સિસ્ટમ પર અસર કરે છે. ટીનેજર હતી ત્યારથી બેલા અતિશય થાક, તણાવ અને સાંધાની સમસ્યાઓ સામે ઝઝૂમી રહી છે. કેટલીય તેણે અનેકવાર હોસ્પિટલમાં દાખલ થવું પડયું છે. ૨૦૨૩માં તેણે સારવારના એક વધુ મુશ્કેલ તબક્કાની તસવીરો શેર કરી હતી. તે વખતે એની બહેન ગીગીએ એને 'લાઈમ વોરિયર'નું બિરુદ આપ્યું હતું. આ બીમારીએ વાસ્તવમાં સમગ્ર હેડિડ પરિવારને પ્રભાવિત કર્યો છે. માતા યોલાન્ડા ઉપરાંત બેલાનો ભાઈ અનવર હેડિડ પણ આ બીમારી સામે ઝઝૂમી રહ્યાં છે. બેલાની તાજેતરની પોસ્ટે શારીરિક લક્ષણો ઉપરાંત લાંબી બીમારી સાથે જીવતા લોકોના પડકારો વિશે એક પ્રકારની જાગૃતિ ફેલાવી છે એ તો નક્કી.









