આરિયાના ગ્રાન્ડે એકધારા કામની વચ્ચે ક્રિયેટિવ વિરામ લેવો જરૂરી છે

વિઆરિયાના ગ્રાન્ડે આજે દુનિયાની સૌથી પોપ્યુલર સિંગર-પર્ફોર્મર્સ પૈકીની એક ગણાય છે. થોડા વખત પહેલાં જ એણે 'ઈટર્નલ સનશાઈન' ટૂર પૂર્ણ કરી. આ ગ્રેમી અવોર્ડ વિનર સિંગરે નક્કી કર્યું છે કે હવે એ પબ્લિકની નજરથી થોડો સમય ઓજલ રહેશે. એ સ્ટીફન સોન્ડહેમની પ્રસિદ્ધ મ્યુઝીકલ 'સન્ડે ઈન ધી પાર્ક વિથ જ્યોર્જ'ની આગામી વેસ્ટ એન્ડ રિવાઈવલમાંથી પાછી હટી ગઈ છે. આજકાલ ઇન્ટરનેટ પર તેનું અંગત જીવન અને સ્વાસ્થ્ય વિશે ખૂબ ચર્ચાઓ થઈ રહી છે તેનું કારણ આ જ.
ગ્રાન્ડેએ આપેલી જાણકારી અનુસાર, એની ટૂર ૧લી સપ્ટેમ્બરે પૂર્ણ થશે. પછી તે લાઇવ પરફોર્મન્સમાંથી બ્રેક લેશે. તેણે આ ટૂરના અનુભવને મહત્ત્વનો ગણાવ્યો, પણ એને સતત લોકોની નજરોનો પણ સામનો કરવો પડયો. છેલ્લા એક વર્ષ દરમ્યાન ગ્રાન્ડેના શારીરિક દેખાવ બાબતે ચર્ચા થતી રહી છે. 'પેટલ' ગીત માટે તેનો નવો મ્યુઝિક વીડિયો રિલીઝ થયા પછી અનેક ચાહકોએ તેના દુબળા શરીર વિશે ચિંતા વ્યક્ત કરી હતી. જુલાઈમાં રજૂ થયેલું આરિયાનાના આલ્બમ 'પેટલ'માં લોકપ્રિયતા સાથેના તેના કોમ્પ્લિકેટેડ સંબંધની ઝલક મળે છે.
તાજેતરના વરસોમાં ગ્રાન્ડેની કરીઅર અત્યંત વ્યસ્ત રહી છે. ૨૦૨૪માં પોતાના સાતમા સ્ટુડિયો એલ્બમ 'ઈટર્નલ સનશાઈન' રિલીઝ કરવા ઉપરાંત, તેણે 'વિકેડ' ફિલ્મોની સિરીઝ કરીને હોલિવુડમાં પણ એક મોટુ પગલુ ભર્યું. 'વિકેડ' ફિલ્મના પહેલા ભાગમાં ગ્લિન્ડાના પાત્ર માટે તેને બેસ્ટ સપોટગ અભિનેત્રી માટે તેને ઓસ્કર નામાંકન પણ મળ્યું. ૨૦૨૫માં રજૂ થયેલી 'વિકેડ: ફોર ગુડ'માં પણ એનું કામ વખણાયું. સ્ટેજ અને થિયેટરના કામોથી દૂર રહેવા છતાં ગ્રાન્ડેની અભિનય સફર તો ચાલી જ રહી છે. એ હવે હોલિવુડના દિગ્ગજ કલાકારો રોબર્ટ ડી નીરો અને બેન સ્ટિલર સાથે ૨૫ નવેમ્બરના રોજ રજૂ થનારી 'ફોકર-ઈન-લો'માં દેખાશે. જોકે એ ફિલ્મનું પ્રમોશન કરવાની નથી.
આરિયાના ગ્રાન્ડે, ટૂંકમાં, આ વરસે આરામ ફરમાવશે, ખુદને 'અનવાઇન્ડ' કરશે, અને પછી તાજીમાજી થઈને નવા પ્રોજેક્ટ હાથમાં લેશે. કોઈ પણ કલાકાર માટે આ પ્રકારનો ક્રિયેટિવ વિરામ લેવો આવશ્યક હોય છે, ખરું?









