અમાલ મલિકની સ્પષ્ટ વાત : આજના બોલિવુડમાં ફિલ્મના નામે જબરો વેપલો ચાલે છે

- 'હું ક્યારેય કોઇ સ્ટાર સાથે સીધો સંબંધ નથી રાખતો. રાખવા ઇચ્છતો પણ નથી. હું વૈભવી ફિલ્મી પાર્ટીઓમાં પણ નથી જતો કે કામ માટે કોઇની આરતી પણ ઉતારતો નથી.'
- મારા પ્રતિભાવાન પિતાજી ડબ્બુ મલિકને હાડોહાડ અન્યાય થયો છે. મારા સગા કાકા અનુ મલિકે પણ અમારી સાથે જબરા ખેલ ખેલ્યા છે'
આજનું નવા જમાનાનું હિન્દી ફિલ્મ જગત બે ભાગમાં વહેંચાઇ ગયું છે. એક તરફ પ્રતિભા છે તો બીજી બાજુ વેપાર. ફોડ પાડીને કહીએ તો બોલિવુડમાં અમુક નિર્માતાઓનું અને દિગ્દર્શકોનું જૂથ ફિલ્મ સર્જનના નામે અને બહાને તગડો બિઝનેસ કરે છે. પોતાની નવી ફિલ્મમાં સાંઇઠ -સિતેરના દાયકાની ફિલ્મોનાં મીઠાં મધુરાં અને લોકપ્રિય ગીતો ઉમેરીને અથવા તો તેમાં મનફાવે તેવા ફેરફાર કરીને બોક્સ ઓફિસ પર રૂપિયા કમાય છે.
જે કોઇ પ્રતિભાશાળી સંગીત નિર્દેશક કે ગાયક પેલા જૂથ સાથે સંમત ન થાય કે તેના ચીલે ન ચાલે તેની કારકિર્દીને ભારે નુકસાન થાય છે.
નવી પેઢીના અને ભારોભાર પ્રતિભાશાળી સંગીત નિર્દેશક અમાલ મલિક આજના બોલીવુડમાં સર્જનકલા વિરુદ્ધ વેપારની જે કાંઇ રમત રમાઇ રહી છે તેના પ્રત્યે ઘેરી નારાજી વ્યક્ત કરતાંકંઇક આવું કહે છે. બોલીવુડમાં જામેલી જબરી જૂથબંધીથી સામે સાફ શબ્દોમાં આકરી ટીકા કરી રહ્યો છે.
અમાલ મલીકની પહેલી અને સૌથી મોટી ઓળખાણ એટલે એટલે સૂરજ ડૂબા હૈ ગીત(ફિલ્મ : રોય: ૨૦૧૫)નો મ્યુઝિક ડાયરેક્ટર. અમાલ મલીક એટલે હિન્દી ફિલ્મ જગતના ૫૦ -૬૦ ના દાયકાના મજેદાર સંગીત નિર્દેશક સરદાર મલીકનો પૌત્ર. ડબ્બુ મલીકનો પુત્ર. બોલીવુડના જાણીતા મ્યુઝિક ડાયરેક્ટર અનુ મલીકનો ભત્રીજો.
સરદાર મલીક જેવા પ્રતિભાશાળી અને મીઠા સંગીત નિર્દેશકના પરિવારમાં જન્મેલો અમાલ મલીક કહે છે, મને સંગીત વારસામાં મળ્યું છે. અમારા પરિવારમાં છેલ્લાં સાત દાયકાથી સંગીતની સરગમ વહી રહી છે. હું બાળપણથી જ મારા દાદાજી અને ગુરુજી સરદાર મલીક પાસેથી સંગીતના પાઠ શીખ્યો છું. (સરદાર મલીક એટલે સારંગા, અબે - હયાત, ઠોકર, ચોર બાઝાર,મેરા ઘર મેરે બચ્ચે,ઔલાદ,લૈલા મજનુ, નાગ મોહિની, મા કે આંસુ, જંતરમંતર વગેરે ફિલ્મોના સંગીત નિર્દેશક : સારંગા તેરી યાદ મેં ગીત બહુ લોકપ્રિય બન્યું હતું.) મેં મારા દાદાજી પાસેથી હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત સાથોસાથ વિવિધ વાદ્યોની પણ તાલીમ લીધી છે. ઉપરાંત, મેં ટ્રીનીટી કોલેજ ઓફ મ્યુઝિકમાં વેસ્ટર્ન ક્લાસિકલ, ઝાઝ,રોક મ્યુઝિકની પણ તાલીમ લીધી છે.
મારા દાદાજીએ તેમની કારકિર્દી વિશે કહ્યું હતું, મેં હિન્દી ફિલ્મ જગતના મહાન ગાયક મોહમ્મદ રફી સાહેબ, મુકેશજી, લાતાજી, આશા ભોંસલેજી વગેરે સાથે કામ કર્યું છે. આ બધાં ગાયક -ગાયિકાઓએ મારી સંગીત ધૂન પર બનેલાં ગીતો ગાયાં છે. આમ છતાં હિન્દી ફિલ્મ જગતમાં મારી જાતને અને કલાને કઇ રીતે રજૂ કરવી કે કઇ રીતે પ્રચાર કરવો તે ન સમજી શક્યો કે ન મને તે આવડયું.
એમ.એસ. ધોની : ધ અનટોલ્ડ સ્ટોરી ફિલ્મ(૨૦૧૬) ના શ્રેષ્ઠ સંગીત નિર્દેશકના ફિલ્મફેર એવોર્ડનું સન્માન પ્રાપ્ત કરનારો અમાલ મલીક મહત્વનો મુદ્દો રજૂ કરતાં કહે છે, મેં મારા બાળપણના તબક્કે ઘણા આરોહ -અવરોહ જોય છે અને અનુભવ્યા પણ છે. મારા પિતા દેબુ મલીકને તેમની સંગીત પ્રતિભા મુજબ બોલીવુડમાં ન્યાય કે સન્માન નથી મળ્યાં. ખરું કહું તો મારા પિતાજીએ લગભગ ૨૦ વર્ષ સુધી તેમના મોટાભાઇ અનુ મલીક (અનુ મલીકનું સાચું નામ અનવર મલીક છે) ને ભરપૂર સહકાર આપ્યો. જોકે મારા કાકા અનુ મલીકને બાઝીગર(૧૯૯૩) ફિલ્મના સંગીત નિર્દેશક તરીકે સુપરહીટ સફળતા મળી કે તરત જ બંનેભાઇઓના રસ્તા નોખા થઇ ગયા.
મારા પિતાજી ડબ્બુ મલીક પણ બહુ અચ્છા મ્યુઝિક ડાયરેક્ટર હોવા છતાં તેમને બોલિવુડમાં જરાય સફળતા ન મળી.
આ જ સમયગાળા દરમિયાન મેં અને મારા નાના ભાઇ અરમાન મલીકે એક મ્યુઝિક આલ્બમ બનાવ્યું. તે આલ્બમ લઇને અરમાન દિવસો સુધી મેહબુબ સ્ટુડિયો બહાર સલમાન ખાનને રૂબરૂ મળવા ઉભો રહ્યો હતો. એક દિવસ સલમાન ભાઇની મુલાકાત થઇ. સલમાન ભાઇ અમારા મ્યુઝિક આલ્બમનાં ગીતો સાંભળીને બેહદ રાજી થયા. તેમણે મને મળવા બોલાવ્યો. સલમાન ખાને એ જ તબક્કે અમારા આલ્બમનાં ગીતો તેમની નવી ફિલ્મ જયા હો (૨૦૧૪)માં રજૂ કરવાનો બહુ મહત્વનો નિર્ણય કર્યો. આમ જય હો ફિલ્મ મારી મ્યુઝિક ડાયરેક્ટર તરીકેની કારકિર્દીમાં પહેલી સોનેરી સફળતા બની રહી. અમાલ મલીક બહુ મહત્વનો મુદ્દો રજૂ કરતાં અને આજના બોલીવુડનો સાચુકલો ચહેરો દર્શાવતાં કહે છે, એક મ્યુઝિક ડાયરેક્ટર તરીકે મારા સંબંધ ફિલ્મના દિગ્દર્શકો સાથે ક્યારેય પણ નથી રહ્યા. મારો સીધો સંબંધ મોટાગજાના નિર્માતા ભૂષણ કુમાર સાથે રહ્યો છે. આ જ ભૂષણજીએ મારી સંગીત પ્રતિભા પારખીને મને ઘણો સહકાર આપ્યો છે. બીજા દિગ્દર્શકો તો પછી મારો સંપર્ક કરવા લાગ્યા. ખરેખર તો આ બધા દિગ્દર્શકોને તેમની ફિલ્મમાં હીટ મ્યુઝિક જોઇતું હતું.
જુઓ, હું ક્યારેય પણ કોઇ સ્ટાર સાથે પણ સીધો સંબંધ નથી રાખતો. રાખવા ઇચ્છતો પણ નથી. કે ફિલ્મની વૈભવી પાર્ટીઓમાં પણ નથી જતો કે કામ માટે કોઇની આરતી પણ નથી ઉતારતો.
ફોડ પાડીને કહું તો બોલીવુડમાં મારું કોઇ જ નેટવર્ક નથી. મારો જેટલો પણ ઐનુભવ છે તેના આધારે કહું તો આજના બોલીવુડને ફિલ્મના નામે ફક્ત અને ફક્ત બિઝનેસ કરવામાં જ રસ છે. તેઓને ફિલ્મના ગીત -સંગીત સાથે કોઇ જ લેવાદેવા નથી. મેં આ રમત સાથે સમાધાન કર્યું હોત તો મને ઘણો તગડો ફાયદો થયો હોત પણ ના, મેં સમાધાન નથી કર્યું.
રહી વાત બીગ બોસ નામના ટીવી કાર્યક્રમમાં હિસ્સો લેવાની. તો અમાલ મલીક સ્પષ્ટતા કરતાં કહે છે, જુઓ, મેં મારી પોતાની ઓળખ અને પ્રતિભા પુરવાર કરવા ઘણી મહેનત કરી છે.બોલીવુડમાં મને અરમાન મલીકના ભાઇ કે ફક્ત મલીક તરીકે જ ઓળખતા હતા. હું અમાલ મલીક છું એ સત્ય જાહેર કરવાના હેતુથી જ બીગ બોસ કાર્યક્રમમાં જોડાયો હતો. હા, હું બીગ બોસ કાર્યક્રમમાં જોડાઇને ઘણી જીવન ઉપયોગી બાબતો શીખ્યો છું.
ફક્ત બોલીવુડ સાથે જ નહીં, પોતાના પરિવાર અને મ્યુઝિક ડાયરેક્ટર કાકા અનુ મલીક સાથે પણ નારાજી હોવાની ચર્ચા વિશે સ્પષ્ટતા કરતાં અમાલ કહે છે, ખરી વાત એ છે કે દરેક માતાપિતાને પોતાનાં સંતાનો પાસે લીલીછમ અપેક્ષા હોય છે. મારી માતાને પણ અમારા બંને ભાઇઓ પાસે ઘણી આશા -અપેક્ષા રહી છે. આ જ અપેક્ષામાં ક્યારેક અજાણતામાં પણ બંને દીકરા વચ્ચે સરખામણી થઇ જતી હોય છે.મારો ભાઇ અરમાન તેની ઉંમર કરતાં વધુ સમજદાર, વિચારશીલ, પ્રતિભાવાન છે. જ્યારે હું થોડોક વધુ આક્રમક છું. આક્રમકનો અર્થ છે સાચી વાત કહેવામાં જરાય ખચકાટ નથી અનુભવતો. હા, મને ગર્વ છે કે મારી સંગીત સફરથી મારાં માતાપિતાને ભરપૂર સંતોષ અને ગૌરવ છે. ખાસ કરીને મારા પિતાજી દેબુ મલીક મને બહુ સારી અને સાચી રીતે સમજે છે.
મારા કાકા અનુ મલીક જબરા મહત્વાકાંક્ષી છે. તેમના માટે ફક્ત કામ અને સફળતા મહત્વનાં છે, પરિવાર નહીં. અનુ મલીકે બોલીવુડમાં મ્યુઝિક ડાયરેક્ટર તરીકે સ્થિર થવા અને સફળતા મેળવવા શક્ય બધા ખેલ ખેલ્યા હોવાની વાતો તો અમારા જ વર્તુળમાં થઇ રહી છે. ઉદાહરણરૂપે મારા સગા કાકાએ નિર્માતા -દિગ્દર્શક મહેશ ભટ્ટ સાહેબને એવો ફોન કર્યો હતો કે સર, હું તમારી મર્ડર ફિલ્મમાં મ્યુઝિક આપવા માટે એક પણ પૈસો નહીં લઉં પણ તમે દેબુ( નાનો ભાઇ) ને તક નહીં આપતા. તેમણે તો સલમાન ખાનને પણ આવા જ ફોન કર્યા હોવાની વાતો મને મળી છે. ગમે તે હોય પણ એક મ્યુઝિક ડાયરેક્ટર તરીકે મને તેમના પ્રત્યે ઘણું સન્માન છે પણ એક માણસ તરીકે મારા અંતરમનમાં કંઇક જુદું જ ચિત્ર છે.









