અક્ષય અને અજયની કોમેડી ફિલ્મો બોક્સ ઓફિસને ફરી રિઝવી શકી

- સ્ટાર્સને માત્ર ગ્લેમરસ બતાવીને ફિલ્મ હિટ કરી શકાતી નથી. 'કોકટેલ-ટુ' તેનું ઉદાહરણ છે. શાહિદ કપૂર, કૃતિ સેનન અને રશ્મિકા મંદાના જેવાં ટોપ સ્ટોર્સ હોવા છતાં નબળી સ્ટોરીલાઈન ધરાવતી આ ફિલ્મ ન ચાલી.
તાજેતરના બોક્સ ઓફિસ કલેક્શન સૂચવે છે કે બોલિવુડ માટે સારા દિવસો ફરી આવી ગયા છે અને ફિલ્મમેકર્સ બંને હાથે પૈસા ભેગા કરી રહ્યા છે. તાજેતરની હિટ કોમેડી ફિલ્મ 'વેલકમ ટુ ધ જંગલ'ના ગીતની જેમ બધા એક સુરમાં ગાઈ રહ્યા છે, 'ઇસકા પૈસા, મેરા પૈસા', અને અજય દેવગનની લેટેસ્ટ રિલીઝ 'ધમાલ-૪'નાં પાત્રોની જેમ બધા ખજાનો શોધવા નીકળી પડયા છે.
અક્ષયકુમારની મલ્ટીસ્ટારર એડવેન્ચર-કોમેડી ફિલ્મ 'વેલકમ ટુ ધ જંગલ' હજુ કોઈ કોઈ થિયેટરોમાં ચાલી રહી છે, જ્યારે અજય દેવગનની ક્રેઝી કોમેડી મૂવી 'ધમાલ-૪'એ રિલીઝ થતાં જ તેના બિઝનેસમાં મોટો ભાગ પડાવ્યો છે. અક્ષયની ફિલ્મે રિલીઝના ૧૭ દિવસમાં આશરે રૂ. ૧૨૭ કરોડનું ડોમેસ્ટિક કલેક્શન કરી લીધું હતું, જ્યારે આ જ સમયગાળામાં તેનું વર્લ્ડવાઈડ કલેક્શન લગભગ રૂ. ૩૩ કરોડ સુધી પહોંચી ગયું છે. એના પછી રિલીઝ થયેલી 'ધમાલ-૪'એ ઓપનિંગ વીકએન્ડમાં જ ભારતમાં રૂ. ૬૫ કરોડ અને વિદેશોમાં રૂ. ૧૪ કરોડનો વકરો કરીને બિઝનેસમાં તેને પાછળ રાખી દીધી.
શું આ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ઉજવણીનો અવસર છે? એનો જવાબ 'હા' અને 'ના' બંને છે. 'હા' એટલા માટે કે 'વેલકમ' ફ્રેન્ચાઈઝીની ત્રીજી અને 'ધમાલ' ફ્રેન્ચાઈઝીના ચોથા ભાગે અનુક્રમે અક્ષય અને અજયને બહુ જરૂરી એવી બોક્સ ઓફિસ સ્થિરતા પાછી આપી છે. અને 'ના' એટલા માટે કે બીજી હિન્દી ફિલ્મો થિયેટરોમાં ખાસ સફળ નથી રહી.
દાખલા તરીકે, આલિયા ભટ્ટની 'આલ્ફા' પર ફિલ્મ રિવ્યુઅરોએ માછલાં ધોયા હોવા છતાં બોક્સ ઓફિસ પર થોડા દિવસ ટકી શકી હતી. ઘરાંગણે તેણે રિલીઝના પહેલા ૧૦ દિવસમાં રૂ. ૫૩ કરોડનો બિઝનેસ કર્યો, જ્યારે વિદેશોમાં રૂ. ૨૬ કરોડનું કલેક્શન નોંધાવ્યું. યશરાજ ફિલ્મ્સની આ મૂવીના ઊંચા પ્રોડક્શન ખર્ચ સામે આ કલેક્શન નગણ્ય ગણાય. એકલી આલિયા ભટ્ટે 'આલ્ફા' માટે રૂ. ૨૫ કરોડની ફી લીધી છે. યશરાજ ફિલ્મ્સે પોતાના સ્પાય યુનિવર્સની આ ફિલ્મ પાછળ છૂટા હાથે ખર્ચ કરતા તેનું બજેટ રૂ. ૧૨૫ કરોડથી પણ વધી ગયું હતું. ઇન્ડસ્ટ્રીમાં એવી ચર્ચા છે કે અમેરિકાના નામાંકિત એક્શન કોરિયોગ્રાફર ક્રેગ મેકરે તો આલિયા કરતાં પણ વધુ ફી ચાર્જ કરી હતી. બીજી તરફ, હુમા કુરેશીની ફિલ્મ 'બેબી ડુ ડાય ડુ'એ ૧૦ દિવસમાં રૂ. ૪.૭૨ કરોડ જેટલો અત્યંત નિરાશાજનક બિઝનેસ કર્યો છે.
હવે એ વાત પુરવાર થઈ ચૂકી છે કે સ્ટાર્સને માત્ર ગ્લેમરસ બતાવીને ફિલ્મ હિટ કરી શકાતી નથી. દિનેશ વિજાનની ફિલ્મ 'કોકટેલ-૨' એનો તાજો દાખલો છે. શાહિદ કપૂર, કૃતિ સેનન અને રશ્મિકા મંદાના જેવાં ટોપ સ્ટોર્સ હોવા છતાં, થિયેટરોમાં ૧૯ જૂનથી ૧૨ જુલાઈ સુધીના આખા રન દરમિયાન આ ફિલ્મ માંડ રૂ. ૯૧.૫૨ કરોડ સુધી પહોંચી શકી. નબળી સ્ટોરીલાઈન ધરાવતી આ ફિલ્મને મોટા સ્ટાર્સની હાજરી પણ ન ફળી.
બીજી તરફ, ઇમ્તિયાઝ અલીની ભારત-પાકના ભાગલાની પૃષ્ઠભૂમિ પર બનેલી લવસ્ટોરી રિલીઝ થઈ ત્યારે સીમિત દર્શકોને જ ગમી હતી, પણ ધીમે ધીમે ફિલ્મ ગતિ પકડતી ગઈ. નસીરુદ્દીન શાહના વર્લ્ડક્લાસ અભિનય ધરાવતી આ ફિલ્મ વર્લ્ડ-ઓફ-માઉથથી ખૂબ જોવાઈ. એક તબક્કે એવું લાગતું હતું કે ઉપરાઉપરી બે કોમેડી ફિલ્મો 'વેલકમ ટુ ધ જંગલ' અને 'ધમાલ-૪' રિલીઝ થતાં દર્શકોએ આ ઈમોશનલ ડ્રામા કરતાં હળવી કોમેડી પર વધુ પસંદગી ઉતારી… પણ કાચબાની જેમ ગતિ કરીને 'મૈં તો આઉંગા' ૧૦૦ કરોડના માઇલસ્ટોનને લગભગ સ્પર્શી ચૂકી છે. 'મૈં વાપસ આઉંગા'ની સફળતાએ સુખદ આશ્ચર્ય પેદા કર્યું છે.









