એક અગન બુઝી, એક અગન લગી...

- સલિલદા એવા પહેલા સંગીતકાર હતા જેમણે પોતાનું એક સુપરહિટ ગીત વિદેશી સંગીતને આધારે બનાવ્યું હોવાનું પોતે જ નિખાલસપણે જાહેર કરી દીધું હતું. પહેલી જ ફિલ્મમાં સંગીત પીરસ્યા પછી આવો નિખાલસ એકરાર કરવાની પણ નૈતિક હિંમત જોઇએ.
- દો બીઘા જમીન
આજે તો પેરેલલ સિનેમાની કોઇને નવાઇ રહી નથી, પણ છેક ૧૯૫૦ના દાયકામાં જ્યારે પેરેલલ સિનેમા શબ્દ પણ કોઇન થયો નહોતો એવા સમયે ડાબેરી ઝુકાવ ધરાવતા ફિલ્મ સર્જક બિમલ રૉયે પેરેલલ કહી શકાય એવી એક ફિલ્મ બનાવી હતી. એ પહેલવહેલી પેરેલલ ફિલ્મ ગણી શકાય. કથા નવી નહોતી. જરાક જુદા દ્રષ્ટિકોણથી મહેબૂબ ખાને પોતાની હિટ ફિલ્મ 'ઔરત'ની સુધારેલી આવૃત્તિ જેવી 'મધર ઇન્ડિયા' ફિલ્મ બનાવી એ પહેલાંની વાત છે. બિમલ રૉયની ફિલ્મમાં પણ શ્રીમંત જમીનદાર દ્વારા ગરીબ કિસાનના થતા શોષણની વાત હતી. પોતાની બે વીઘા જમીન માટે સતત સંઘર્ષ કરીને પ્રાણ ગુમાવનાર ખેડૂતની વાત હતી. યસ, ૧૯૫૨-૫૩માં બિમલ રૉયે બનાવેલી 'દો બીઘા જમીન' ફિલ્મે દેશીવિદેશી ડઝનબંધ એવોર્ડ મેળવ્યા હતા. અગાઉ સોફેસ્ટિકેટેડ રોલ કરી ચૂકેલા બલરાજ સાહનીએ ગરીબ ખેડૂતનો રોલ કરવા માટે રીતસર પરસેવો પાડયો હતો. કલકત્તા જઇને હાથરિક્શા ખેંચતા શ્રમજીવી સાથે થોડા દિવસ ગાળીને રિક્શા ચલાવવાનો પુરુષાર્થ પણ કર્યો હતો. એ જ રીતે પૌરાણિક દેવીઓના દૈવી રોલ કરતી નિરુપા રૉયે પણ ખૂબ મહેનત કરી હતી.
રસપ્રદ વાત એ છે કે કવિવર રવીન્દ્રનાથ ટાગોરના એક કાવ્ય 'દૂઇ બીઘા જોમી' અને સંગીતકાર સલિલ ચૌધરીએ પોતે લખેલી એક વાર્ચા 'રિક્શાવાલા' પરથી આ ફિલ્મ બની હતી. સંવેદનશીલ ઓડિયન્સ થિયેટરના અંધકારમાં ચોધાર આંસુએ રડી પડે એવી કથાની માવજત બિમલ રૉયે કરી હતી. મુલાયમ અધ્યાત્મ રંગે રંગાયેલાં ગીતો શૈલેન્દ્રનાં હતાં. સંગીત સલિલ ચૌધરીનું હતું. કથાપ્રવાહને સતત વહેતો રાખવા માત્ર ચાર ગીતો બિમલદાએ રાખ્યાં હતાં. ચારે ગીતોમાં ઇશાન ભારતના લોકસંગીતની સાથોસાથ સલિલદાએ શુદ્ધ ક્લાસિકલ રાગરાગિણી ઉમેરી દીધાં હતાં. સૌથી વધુ કમાલ તો એ વાતની હતી કે સલિલદા એવા પહેલા સંગીતકાર હતા જેમણે પોતાનું એક સુપરહિટ ગીત વિદેશી સંગીતને આધારે બનાવ્યું હોવાનું પોતે જ નિખાલસપણે જાહેર કરી દીધું હતું. પહેલી જ ફિલ્મમાં સંગીત પીરસ્યા પછી આવો નિખાલસ એકરાર કરવાની પણ નૈતિક હિંમત જોઇએ.
શૈલેન્દ્રની કમાલ એ હતી કે ફિલ્મની કથાના પ્રસંગો ઉપરાંત રોજબરોજના જીવનમાં ઉપયોગી થઇ પડે એ રીતે ગીતો રચ્યાં હતા. દાખલા તરીકે, 'ધરતી કહે પુકાર કે બીજ બિછા દે પ્યાર કે…' ગીત ખેતરમાં વાવણી થતી હોય એવા પ્રસંગે સંભળાય છે. આગળ કહે છે- 'ધરતી કહે પુકાર કે બીજ બિછા દે પ્યાર કે, મૌસમ બીતા જાય…' અને એ પછી 'અપની કહાની છોડ જા, તુ કુછ તો નિશાની છોડ જા, કૌન કહે ઇસ ઔર તુ, ફિર આયે ન આયે…' કથાનાયક પોતાનું દેવું ચૂકવવા કલકત્તા કમાવા જાય છે ત્યારે જાણે આ પંક્તિ દ્વારા ફિલ્મ સર્જક સૂચવે છે કે આ માણસ જીવતો પાછો નહીં ફરે, 'કૌન કહે ઇસ ઔર તુ ફિર આયે ન આયે…'
આ ગીતની તર્જ પોતાને રેડ આર્મી માર્ચ સોંગ પરથી સૂઝેલી એવો નિખાલસ એકરાર સંગીતકાર સલિલ દાએ કર્યો હતો. રેડ આર્મી માર્ચ સોંગ એટલે રશિયામાં સામ્યવાદી લશ્કરની માર્ચિંગમાં ગવાયેલું ગીત. એની મૂળ તર્જને હાનિ પહોંચાડયા વિના સલિલદાએ એનું આપણી સદા સુહાગન રાગિણી ભૈરવીમાં રૂપાંતર કરી નાખ્યું. પરદા પર એક તરફ ખેતરોમાં વાવણી થાય છે, એની સાથોસાથ કથાનાયક ગામ છોડીને કલકત્તા તરફ રવાના થાય છે એવું હૃદયંગમ દ્રશ્ય બિમલદાએ સર્જ્યું હતું. બ્લેક-એન્ડ-વ્હાઇટ ફિલ્મ હોવા છતાં એનો ઇમ્પેક્ટ જબરદસ્ત હતો. આજે પણ યુટયુબ પર આ ગીત માણી શકો છો. આ ગીત લતા મંગેશકર, મન્ના ડે અને કોરસના સ્વરોમાં છે. ગીતની સાથે ઓવરલેપિંગ દ્વારા મન્ના ડે 'ઓ… ભાઇ રે…'ના સ્વરો વહેતા મૂકે ત્યારે રૃંવાડાં ખડાં થઇ જાય એવી સરસ સૂરાવલિ છે.
પાછળથી ટ્રેજેડી ક્વીન તરીકે પંકાયેલી મીનાકુમારી પર ફિલ્માવાયેલું એક હાલરડું (ફિલ્મી ભાષામાં લોરી) સાત માત્રાના રૂપક તાલમાં લતાના કંઠે સંભળાય છે- 'આજા રે આ, નીંદીયા તુ આ, ઝીલમીલ સિતારોં સે ઊતર કર આંખોં મેં આ, સપને સજા…' અહીં સલિલદાએ સાતેસાત શુદ્ધ સ્વરો ધરાવતા બિલાવલ રાગ સાથે યમન કલ્યાણનું હૃદયસ્પર્શી સંયોજન કર્યું છે. મીનાકુમારીની ભાવવાહી આંખો પરદા પર સંતાને સુવડાવતી માતાનું દિવ્ય દ્રશ્ય સર્જે છે.
કલકત્તાના હાથરિક્શાવાળા રોજ રાત્રે દિવસનો થાક ભૂલવા માટે સુતાં પહેલાં ઢોલકની થાપ સાથે ભજન-કીર્તન કરે છે એવું એક ભાવવાહી દ્રશ્ય બિમલદાએ જરા જુદી રીતે સર્જ્યું છે. એક તરફ થાકેલા હોવા છતાં, રિક્શાવાળા મોજથી અને હસતા મોઢે ભજન ગાય છે ત્યારે કથાનાયક ગમગીન ચહેરે ત્યાં આવી ચડે છે. ભજનની વચ્ચે રિક્શાવાળા પર એક ભદ્રજન નારાજ થઇને બરાડે છે કે હવે બસ કરો. આમ એક સાથે ત્રણ સંવેદના વચ્ચે મુહમ્મદ રફીના કંઠે રજૂ થાય છે- 'અજબ તોરી દુનિયા હે મોરે રામા, કદમ કદમ દેખી ભૂલભૂલૈયા, કોઇ કહે જગ જૂઠા સપના, પાની કી બુલબુલૈયા, હર કિતાબ મેં અલગ અલગ હૈ ઇસ દુનિયા કા હુલિયા…' અહીં ધ્યાન આપવા જેવી ખૂબી એ છે કે 'ધરતી કહે પુકાર કે…' ગીતમાં પણ ભૈરવી છે, પરંતુ એ ભૈરવીમાં હર્ષ અને ઉત્સાહ પ્રગટાવતો ભાવ છે જ્યારે અહીં 'ગજબ તોરી રામા…' ગીતમાં પણ ભૈરવી અને થોડેક અંશે પહાડી છે. ભજનની આ ભૈરવીમાં ઉદાસી કે ગમગીનતા છે. અગાઉ આ સ્થાનેથી મેં તમને કહેલું એ યાદ હશે કે ભારતીય સંગીતમાં ભૈરવી એકમાત્ર એવી રાગિણી છે જેમાં સાહિત્યમાં વર્ણવાયેલા નવેનવ રસ પ્રગટાવી શકાય.
છેલ્લું ગીત શ્રાવણ માસમાં પૂરતા વરસાદ પછી લીલોતરીથી લહેરાતાં ખેતરો જોઇને ખેડૂતોમાં જે ઉત્સાહ જોવા મળે એનું નિરુપણ કરે છે. મન્ના ડે, લતા મંગેશકર અને કોરસે ગાયેલા આ ગીતની વાત કરવા પહેલાં ઔર એક આડવાત. તમે ભજન સમ્રાટ અનુપ જલોટાના કંઠે સૂરદાસનું 'મૈયા મોરી મૈં નહીં માખન ખાયો' ભજન સાંભળ્યું હોય તો તમને ખ્યાલ હશે. ભજનના એક અંતરામાં કાનુડો પરોઢિયે ગાયો ચરાવવા નીકળે છે અને સાંજે ગોધૂલિટાણે પાછો આવે છે એવું વર્ણન છે. એ પ્રસંગે અનુપ જલોટા પહેલા વહેલી સવારના રાગનો ઉપયોગ કરે છે અને અંતરો પૂરો થવા ટાણે સાંજના રાગના સ્વરો છેડે છે. અહીં એવો જ પ્રયોગ સલિલદાએ કર્યો છે.
ગીતના બોલ છે- 'હરિયાલા સાવન ઢોલ બજાતા આયા, મન કે મોર નચાતા આયા, મીટ્ટી મેં જાન જગાતા આયા…' આ ગીતના અંતરામાં શૈલેન્દ્રે અદભુત વાત કરી છે- 'એક અગન બુઝી, એક અગન લગી, મન મગન હુઆ, એક લગન લગી…' આપણા સાહિત્યમાં કલ્પના એવી છે કે શ્રાવણના સરવરિયા ટાણે વિરહવેદના વધુ જાગે. એટલે એક અગન બુઝી (વરસાદ આવતાં ગરમી ઘટી), એક અગન લગી (વિરહવેદના તીવ્ર બની). અહીં સંગીતકારે સ્વરોનો જાદુ પાથર્યો છે. એક સાથે પ્રાત:કાલીન રાગ ભૈરવ, ગારા અને રાત્રિના પહેલા પ્રહરે ગવાતા રાગ યમની બિલાવલનો કલાત્મક ઉપયોગ કર્યો છે. (સલિલદાએ રાજ કપૂરની ફિલ્મ 'જાગતે રહો'માં રાગ ભૈરવમાં એક દિવ્ય ગીત આપ્યું છે 'જાગો મોહન પ્યારે…' એની વાત પછીથી કરીશું.) આમ શબ્દોના ભાવને સવારના અને રાતના રાગો દ્વારા સલિલદાએ પોતાની પહેલીજ ફિલ્મમાં છેક ૧૯૫૨-૫૩માં પ્રગટાવેલા.
ફિલ્મ 'દો બીઘા જમીન' સુપરહિટ નીવડી હતી અને સલિલદાનું સંગીત પણ સુપરહિટ સાબિત થયું હતું. સાવ સાદાં પોષાકમાં ઘૂમતા આ ઓલિયા સંગીતકારે એ પછી પણ ઘણો સ્વરજાદુ પાથર્યો. એનો આસ્વાદ પણ આપણે લઇશું.









