Chhota Udaipur

મોંઘવારીના માર વચ્ચે ₹1,250માં ઘર કેમ ચાલે? ગુજરાતમાં વિધવા પેન્શન ₹4,000 કરવાની ઉગ્ર માગ

By GS Team
17 Jul 20262 mins read
TukuTouch Logo
છોટા ઉદેપુરમાં વિધવા બહેનોએ વધતા મોંઘવારીના કારણે પેન્શન વધારવાની માંગ સાથે સાંસદ કાર્યાલયનો ઘેરાવ કર્યો હતો. હાલ મળતા ₹1,250ના પેન્શનને વધારી ₹3,000થી ₹4,000 કરવાની રજૂઆત કરી હતી. સાંસદ જશુભાઈ રાઠવાએ આ પ્રશ્ન કેન્દ્ર સરકાર સુધી પહોંચાડવાની ખાતરી આપી છે. આખા ગુજરાતની વિધવા બહેનોની આ જ વેદના છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મોંઘવારીના માર વચ્ચે ₹1,250માં ઘર કેમ ચાલે? ગુજરાતમાં વિધવા પેન્શન ₹4,000 કરવાની ઉગ્ર માગ

Gujarat Widow Pension Scheme Hike Demand: ખાડી યુદ્ધની વૈશ્વિક અસરો હોય કે દેશની આંતરિક આર્થિક પરિસ્થિતિ, સામાન્ય જનતા માટે મોંઘવારીએ હવે માઝા મૂકી છે. મધ્યમ વર્ગ માટે પણ પરિવારનું ગુજરાન ચલાવવું લોઢાના ચણા ચાવવા સમાન બન્યું છે, ત્યારે સરકારી સહાય પર નભતા ગરીબ પરિવારો, વિધવા બહેનો અને વૃદ્ધ માતાઓની હાલત દીન-પ્રતિદીન વધુ બદતર બની રહી છે. અનેક પરિવારોમાં 'સવારે રાંધે તો સાંજે શું ખાવું?' તેવી વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે. આ આક્રોશ અને મજબૂરીનો તાજેતરનો એક કિસ્સો છોટા ઉદેપુર જિલ્લામાં જોવા મળ્યો, પણ વાસ્તવમાં આખા ગુજરાતની બહેનોની વેદનાનું પ્રતિબિંબ છે.

નેતાઓ-અધિકારીઓના ભથ્થા વધે, તો ગરીબોના કેમ નહીં?

ચૂંટણીઓ નજીક આવે ત્યારે સરકાર નેતાઓ અને અધિકારીઓના પગાર, વેતન અને મોંઘવારી ભથ્થામાં સમયાંતરે વધારો કરતી રહે છે. પરંતુ કડવી વાસ્તવિકતા એ છે કે સરકારી સહાય પર નભતી વિધવા માતા-બહેનો કે વૃદ્ધોને મળતી સહાય છેલ્લા ઘણા વર્ષોથી એ જ જગ્યાએ સ્થિર છે. મોંઘવારીનો આ માર હવે અસહ્ય બનતાં મહિલાઓએ સરકાર પાસે સહાયની રકમ મોંઘવારીના પ્રમાણમાં વધારવાની માગ કરી છે. હાલમાં મળતાં ₹1,250ના પેન્શનને વધારીને ₹3,000થી ₹4,000 કરવામાં આવે તેવી માગ હવે સમગ્ર ગુજરાતમાં ઉગ્ર બની રહી છે.

છોટા ઉદેપુરમાં સાંસદ કાર્યાલયે બહેનોનો મોરચો

તાજેતરમાં છોટા ઉદેપુર જિલ્લા અને તાલુકાની અસંખ્ય વિધવા બહેનોએ એકત્ર થઈને છોટા ઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવાના જનસંપર્ક કાર્યાલયે પહોંચી હતી. બહેનોએ સાંસદ સમક્ષ ધારદાર રજૂઆત કરતાં જણાવ્યું કે, "હાલની ભયંકર મોંઘવારીમાં માત્ર ₹1,250ના પેન્શનથી ઘર ચલાવવું અશક્ય છે. રાંધણ ગેસ, અનાજ, કરિયાણાની સાથે બાળકોના ભણતરનો ખર્ચ પણ આકાશે આંબી રહ્યો છે."

સાંસદ જશુભાઈ રાઠવાએ બહેનોની રજૂઆત સાંભળીને આ પ્રશ્ન કેન્દ્ર સરકાર સુધી પહોંચાડવાની ખાતરી તો આપી છે, પરંતુ સવાલ એ થાય છે કે શું માત્ર એક સાંસદની ખાતરીથી કેન્દ્ર સરકાર આ મહિલાઓની વ્યથા સાંભળશે ખરી?

ગ્રામીણ વિસ્તારો કરતાં શહેરોમાં સ્થિતિ વધુ કફોડી

છોટા ઉદેપુરની આ ઘટના તો માત્ર એક ઉદાહરણ છે, વાસ્તવમાં આ સમસ્યા આખા ગુજરાતની છે. ગ્રામીણ વિસ્તારો કરતાં શહેરોમાં રહેતી વિધવા બહેનોની હાલત મોંઘવારીના કારણે વધુ દયનીય છે, જ્યાં ભાડું અને રોજીંદો ખર્ચ ખૂબ વધારે હોય છે.

રાજકીય પક્ષોની મહત્ત્વની મત બૅંક જ પીસાઈ રહી છે

ભાજપ સરકાર માટે મહિલાઓ એક મજબૂત અને નિર્ણાયક મત બૅંક ગણાય છે. પરંતુ વર્તમાન સ્થિતિ જોતાં એવું લાગી રહ્યું છે કે આ જ મજબૂત મત બૅંક જ મોંઘવારીના ચક્કરમાં પોતાની જ સરકારમાં પીસાઈ રહી છે.

હવે જોવાનું એ રહેશે કે છોટા ઉદેપુરની બહેનોની આ વેદના જોઈને ગુજરાતના અન્ય સાંસદો કે ધારાસભ્યો કેન્દ્ર સરકારમાં રજૂઆત કરવાની હિંમત બતાવશે? કે પછી સરકાર પોતે જ સંવેદનશીલતા દાખવીને આગામી સમયમાં વિધવા પેન્શનમાં સન્માનજનક વધારાની જાહેરાત કરશે? બહેનોની ધીરજ હવે ખૂટી રહી છે અને સરકારના નિર્ણય પર સૌની નજર મંડાયેલી છે.