VIDEO: છોટા ઉદેપુરના વાવડી ગામમાં વૃદ્ધ દંપતી પર જીવલેણ હુમલો: વૃદ્ધાનું મોત, પતિ ગંભીર, લૂંટના ઈરાદાની આશંકા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vavdi Village Elderly Couple Attack Case, Chhota Udepur News: છોટા ઉદેપુરના વાવડી ગામે ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના બની છે. જેમાં ખેતરમાં રહેતા વૃદ્ધ દંપતી પર રાત્રિના સમયે અજાણ્યા ઈસમોએ જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં વૃદ્ધ મહિલાનું મોત નીપજ્યું છે, જ્યારે મૃતક મહિલાના પતિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં દાખલ કરાય હતા. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. વૃદ્ધ મહિલાના ઘરેણાં કાઢી જવાના ઇરાદે હુમલો કરાયો હોવાની પ્રાથમિક આશંકા પોલીસે વ્યક્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
છોટા ઉદેપુરના વાવડી ગામમાં વૃદ્ધ દંપતી પર જીવલેણ હુમલો
છોટા ઉદેપુર જિલ્લાના જેતપુરપાવી તાલુકાના વાવડી ગામે રાત્રિના સમયે બનેલી ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. વાવડી ગામની સીમમાં ખેતરમાં રહેતા વૃદ્ધ દંપતી પર કરેલા અજાણ્યા ઈસમોના હુમલામાં વૃદ્ધ મહિલા મનચીબહેન રાઠવાને ગંભીર ઈજાઓ થતાં તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે તેમના પતિ કાંગુભાઈ રાઠવા પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. હુમલા બાદ ગંભીર હાલતમાં રહેલા કાંગુભાઈ રાઠવાને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી બોડેલીની નીલકંઠ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
લૂંટના ઈરાદાની આશંકા
પોલીસની પ્રાથમિક આશંકા મુજબ, વૃદ્ધ મહિલાના શરીર પર રહેલા ઘરેણાં કાઢી લઈ જવાના ઇરાદે અજાણ્યા ઈસમોએ દંપતી પર હુમલો કર્યો હોવાની શક્યતા છે. જો કે, હુમલાનું ચોક્કસ કારણ શું હતું અને હુમલા પાછળ કેટલાં લોકો સંડોવાયેલા હતા તે અંગે હજુ સત્તાવાર વિગતો સામે આવી નથી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જેતપુરપાવી પોલીસ તેમજ કરાલી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે ઘટનાસ્થળની તપાસ કરી મહત્ત્વના પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
સાથે જ પોલીસે આસપાસના વિસ્તારોમાં પણ તપાસ શરૂ કરી છે. હુમલાખોરો ઘટનાને અંજામ આપ્યા બાદ કઈ દિશામાં ફરાર થયા અને તેમની ઓળખ કેવી રીતે થઈ શકે તે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. વૃદ્ધ દંપતી ખેતરમાં એકાંત વિસ્તારમાં રહેતા હોવાથી હુમલાખોરોએ આ બાબતનો લાભ લીધો હોવાની પણ શક્યતા છે. જો કે, આ અંગે પણ પોલીસ તપાસ બાદ જ હકીકત સામે આવશે.









