Bhavnagar

ભાવનગરમાં કથિત લઠ્ઠાકાંડ બાદ સરકાર સફાળી જાગી: દારૂબંધી મુદ્દે રાજ્યવ્યાપી દરોડાના આદેશ, SP પાસે મગાયો ખુલાસો!

By GS Team
19 Aug 20263 mins read
TukuTouch Logo
ભાવનગરના ઘોઘાના ખરકડી ગામમાં દારૂ પાર્ટી બાદ નકલી દારૂ પીવાથી 4 લોકોના મોત થયા છે, જ્યારે 18થી વધુ સારવાર હેઠળ છે. સરકારે દારૂબંધી મુદ્દે રાજ્યવ્યાપી દરોડાના આદેશ કર્યા છે. પોલીસે બુટલેગરો અને સપ્લાયરો સહિત 13 લોકોને ઝડપી પાડ્યા છે. ગાંધીનગર સ્ટેટ કંટ્રોલ રૂમે ભાવનગર SP પાસે ખુલાસો માંગ્યો છે. ઘટનાની તપાસ SMCને સોંપાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાવનગરમાં કથિત લઠ્ઠાકાંડ બાદ સરકાર સફાળી જાગી: દારૂબંધી મુદ્દે રાજ્યવ્યાપી દરોડાના આદેશ, SP પાસે મગાયો ખુલાસો!

Bhavnagar Spurious Liquor Case: ભાવનગરના ઘોઘાના ખરકડી ગામમાં દારૂ પાર્ટી બાદ નકલી દારૂ પીવાથી 4 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 18થી વધુ લોકો સારવાર હેઠળ છે. તેવામાં ભાવનગરમાં કથિત લઠ્ઠાકાંડ બાદ સરકાર સફાળી જાગી છે અને દારૂબંધી મુદ્દે રાજ્યવ્યાપી દરોડાના આદેશ કર્યા છે. તેમજ સમગ્ર કેસ મામલે જિલ્લા પોલીસ વડા પાસે ખુલાસો માગવામાં આવ્યો છે. ઘટનાની ગંભીરતાને પગલે પોલીસે બુટલેગરો અને સપ્લાયરો સહિત કુલ 13 લોકોને ઝડપી પાડ્યા છે, ત્યારે રાજ્યમાં હપ્તારાજના કારણે દારૂબંધીના લીરેલીરા ઉડી રહ્યા હોવા મામલે કોંગ્રેસે સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.

સ્ટેટ કંટ્રોલ રૂમ ગાંધીનગરે ભાવનગર SPનો ખુલાસો માંગ્યો

ભાવનગરમાં કથિત લઠ્ઠાકાંડ મામલે ગાંધીનગરના સ્ટેટ કંટ્રોલ રૂમ દ્વારા ભાવનગર જિલ્લા પોલીસ વડા(SP) પાસે ખુલાસો માગવામાં આવ્યો છે. જેમાં આ ગંભીર બનાવ અંગે ગાંધીનગર સ્ટેટ કંટ્રોલ રૂમ અને ભાવનગર રેન્જ આઈજીને ટેલિફોનિક કે લેખિતમાં જાણ ન કરવાને મામલે સ્પષ્ટતા કરવા જણાવ્યુ છે.

Untitled design (2).png

SMCને સોંપાઈ તપાસ, SP મયુરસિંહ ચાવડા ભાવનગર દોડી ગયા

સ્થિતિની ગંભીરતા જોતા ગૃહમંત્રીએ મંગળવારે(18 ઓગસ્ટ) મધરાતે અમદાવાદ બેઠક યોજી ઘટનાની તપાસ SMCને (સ્ટેટ મોનિટરિંગ સેલ) સોંપી છે અને SMCના SP મયુરસિંહ ચાવડાને તાત્કાલિક ભાવનગર રવાના કરાયા હતા. જેઓ ભાવનગર પહોંચી ગયા છે. ભાવનગર SP કચેરીએ રેન્જ આઈજી રાજેન્દ્ર અસારી, જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય અને SMCના SP મયુરસિંહ ચાવડા સહિતના ઉચ્ચ અધિકારીઓએ મિટિંગ યોજી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

બુટલેગરો, સપ્લાયરો પર કાર્યવાહી તેજ

જિલ્લા પોલીસવડાએ જણાવ્યું હતું કે, પીડિત અને હ્યુમન સોર્સના આધારે ડુપ્લિકેટ દારૂ સપ્લાય કરનારા ગૌતમ સોલંકી સહિત ચાર બુટલેગરને ઝડપી પાડવામાં આવ્યા છે અને છેલ્લા ત્રણથી ચાર દિવસ દરમિયાન તેમણે આ દારૂની સપ્લાય વરતેજ પોલીસ મથક તથા શહેરના જુદા-જુદા વિસ્તારોમાં કરી હતી. જે પૈકી 90 ટકા દારૂ રિકવર કરી લેવાયો છે. બાકીનો જથ્થો જેમને છૂટક વેચ્યો છે તેમને ટ્રેસ કરવામાં આવી રહ્યાં છે. ડુપ્લિકેટ દારૂ તેઓ ક્યાંથી લાવ્યા તે દિશામાં તપાસ ચાલી રહી છે.

પોલીસે અલગ અલગ 15 ટીમો બનાવી ગત રાત્રિથી અત્યાર સુધીમાં બુટલેગર, સપ્લાયર સહિતના 13 વ્યક્તિની અટકાયત કરી છે. તપાસ દરમિયાન નકલી દારૂ બનાવનાર પરપ્રાંતીયો હોવાનું જાણવા મળતા પોલીસે તેને ડિટેઇન કરવા અંગે તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો: ભાવનગરમાં નકલી દારૂ પીવાથી કુલ 4ના મોત: 18 લોકો સારવાર હેઠળ, 4 ICUમાં અને 2 દર્દીઓની હાલત નાજુક

હપ્તારાજને કારણે દારૂબંધીના લીરેલીરા: કોંગ્રેસના સરકાર પર પ્રહાર

ભાવનગર લઠ્ઠાકાંડ પર કોંગ્રેસના અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે, 'ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે. પણ હપ્તા લેતી સરકારે દારૂબંધીના કાયદાના લીરેલીરા રોજ ઉડે તેવી સ્થિતિનું નિર્માણ કર્યું છે. પહેલા પણ અનેક વખત લઠ્ઠાકાંડ થયા, ઝેરી દારૂના કારણે અનેક વખત લોકોના જીવ ગયા, રોજ ગુજરાતના સરહદી વિસ્તારોમાંથી કન્ટેનરો ભરીને દારૂ આવે છે. દારૂની રેલમછેલ છે, ડ્રગ્સથી યુવા પેઢી બરબાર થઈ રહી છે. પણ રીલ્સ બનાવતા ગૃહમંત્રી અને હપ્તા લેતી સરકારને તેની કોઈ ચિંતા નથી. ભાવનગરમાં નકલી દારૂ પીવાના કારણે મોત થયા એમાં સીધા કોઈ જવાબદારી હોય તો પોલીસ તંત્ર અને સરકારમાં બેઠેલા ગૃહમંત્રી જવાબદાર છે.'