છોટા ઉદેપુર: ઓરસંગ નદીના બ્રિજનું ₹10 કરોડના ખર્ચે રીપેરિંગ છતાં ભારે વાહનો પર પ્રતિબંધ, 100 ગામોના લોકોને હાલાકી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Chhotaudepur Sankheda News: છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં ઓરસંગ નદી પર આવેલા આશરે 300 મીટર લાંબા પુલનું સ્ટેટ આર. ઍન્ડ બી. વિભાગ દ્વારા અંદાજે રૂ.10 કરોડના ખર્ચે રીપેરિંગ કરવામાં આવ્યું હોવા છતાં હજુ સુધી પુલ પરથી ભારે વાહનોની અવરજવર શરૂ કરવામાં આવી નથી. જેના કારણે સંખેડા તાલુકાના વાહનચાલકો તેમજ આસપાસના 100થી વધુ ગામોના લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે.
ઓરસંગ નદીના પુલનું 10 કરોડોના ખર્ચે રીપેરિંગ પણ ભારે વાહનોની અવરજવર બંધ
ચોમાસા દરમિયાન ઓરસંગ નદીના પાણીના પ્રવાહને કારણે પુલની બાજુમાં બનાવવામાં આવેલું ડાયવર્ઝન ધોવાઈ ગયું હતું. ગત વર્ષે વાહનવ્યવહાર માટે આ ડાયવર્ઝન બનાવવામાં આવ્યો હતો. જો આ ડાયવર્ઝનના ધોવાઈ ગયેલા ભાગનું યોગ્ય રીતે સમારકામ કરવામાં આવે અને તેને વાહનવ્યવહાર માટે ફરી શરૂ કરવામાં આવે તો હાલની સમસ્યામાંથી વાહનચાલકોને રાહત મળી શકે તેમ છે.
મોટા વાહનોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની ફરજ
સંખેડા તાલુકાને અન્ય વિસ્તારો સાથે જોડતો આ માર્ગ અત્યંત મહત્ત્વનો છે. ઓરસંગ નદીના સામેના કાંઠે આવેલા અનેક ગામોના લોકો માટે આ માર્ગ મુખ્ય અને મહત્ત્વપૂર્ણ જોડાણરૂપ છે. પુલ પરથી ભારે વાહનોને પસાર થવાની મંજૂરી ન હોવાથી ટ્રક, ટેમ્પો સહિતના મોટા વાહનોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની ફરજ પડી રહી છે.
હાલ વાહનચાલકોને અંદાજે 20 કિલોમીટરનો વધારાનો ફેરો કરવો પડી રહ્યો છે. જેના કારણે વાહનચાલકોનો સમય બગડી રહ્યો છે તેમજ વધારાનું ડીઝલ અને પરિવહન ખર્ચ પણ ભોગવવો પડી રહ્યો છે. ખાસ કરીને રોજિંદા ધંધા-રોજગાર માટે અવરજવર કરતા લોકો અને માલસામાનની હેરફેર કરતા વાહનચાલકોને આ પરિસ્થિતિના કારણે મુશ્કેલી પડી રહી છે.
ડાયવર્ઝનનું મજબૂત અને કાયમી ધોરણે સમારકામ કરાવો: સ્થાનિકો
સ્થાનિક લોકોનું કહેવું છે કે, જ્યારે પુલનું રીપેરિંગ પૂર્ણ થઈ ગયું તો ભારે વાહનોની અવરજવર અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવે અથવા જ્યાં સુધી પુલ પર ભારે વાહનોને મંજૂરી ન અપાઈ ત્યાં સુધી ડાયવર્ઝનનું મજબૂત અને કાયમી ધોરણે સમારકામ કરી વાહનવ્યવહાર શરૂ કરવામાં આવે.
સ્થાનિક વાહનચાલકો અને ગ્રામજનોની માગ છે કે, સ્ટેટ આર. એન્ડ બી. વિભાગના અધિકારીઓ સ્થળની તાત્કાલિક મુલાકાત લઈ ઓરસંગ નદી પરનું ધોવાઈ ગયેલું ડાયવર્ઝન રીપેર કરાવે અને તેને વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકે. જેથી સંખેડા સહિત આસપાસના 100થી વધુ ગામોના લોકોને 20 કિલોમીટરનો વધારાનો ફેરો કરવાની સમસ્યામાંથી રાહત મળી શકે.
કરોડો રૂપિયાના ખર્ચે પુલનું રીપેરિંગ થયા બાદ પણ જો વાહનવ્યવહાર માટે વૈકલ્પિક વ્યવસ્થા ઉપલબ્ધ ન હોય તો તેનો સીધો બોજ સામાન્ય વાહનચાલકો અને સ્થાનિક લોકો પર પડી રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા આ પ્રશ્નનો વહેલી તકે ઉકેલ લાવવામાં આવે તેવી સ્થાનિકોમાં માગ ઉઠી છે.




