છોટા ઉદેપુર: પોટલીયા ગામે મચ્છરોના ઉપદ્રવથી બચવા કરાયેલી ધૂપથી ભીષણ આગ, પાંચ પશુઓ દાઝ્યા, ઘરવખરી-ઘાસચારો બળીને ખાખ!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Chhota Udepur Potliya Village Fire Incident: છોટા ઉદેપુર તાલુકાના પોટલીયા ગામેથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મચ્છરોના ઉપદ્રવથી બચવા માટે કરાયેલી ધૂપથી અચાનક આગ ભભૂકી ઊઠી હતી. જેમાં આગ ઓરડામાં ફેલાતા પાંચ પશુઓ આગની ઝપેટમાં આવી ગયા હતા.
આગમાં પાંચ પશુઓને ભારે નુકસાન
મળતી માહિતી મુજબ, છોટા ઉદેપુરના પોટલીયા ગામે મચ્છરોના વધુ ત્રાસના કારણે સ્થાનિક દ્વારા ધૂપ કરાયો હતો. જો કે, પવનનો વેગ વધુ હોવાના કારણે ધૂપમાંથી અચાનક આગ ભભૂકી ઉઠી હતી અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેમાં આગ ઓરડામાં ફેલાતા અંદર બાંધેલી ત્રણ ભેંસ, એક પાડો અને એક બળદ સહિત કુલ પાંચ પશુઓ આગની ઝપેટમાં આવી ગયા હતા.
ઘરવખરીનો સામાન અને ઘાસચારો બળીને ખાખ
આગની ઘટનામાં પશુઓને ભારે નુકસાન થયું હોવાની સાથે ઘરમાં રાખેલો ઘરવખરીનો સામાન અને મોટી માત્રામાં ઘાસચારો પણ બળીને ખાખ થઈ ગયો હતો. ઘટનાને પગલે અસરગ્રસ્ત પરિવારને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
ઘટનાની જાણ થતાં છોટા ઉદેપુર જિલ્લાના સાંસદના પુત્ર સંગ્રામસિંહ રાઠવા, ગામના સરપંચ હિંમતભાઈ રાઠવા, તાલુકા પ્રમુખ સહિત આગેવાનો, કાર્યકર્તાઓ અને ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આગથી અસરગ્રસ્ત પરિવારની મુલાકાત લઈ તેમને સાંત્વના અને શક્ય મદદનું આશ્વાસન આપવામાં આવ્યું હતું. જ્યારે પશુ માલિક કમલેશભાઈ રાઠવા ગોહાઈડાએ આગની ઘટનામાં થયેલા નુકસાનને પગલે તંત્ર દ્વારા વહેલી તકે સ્થળ તપાસ કરી નુકસાનનું યોગ્ય આકલન કરવામાં આવે અને સરકારી સહાય આપવામાં આવે તેવી માગ કરી છે.









