નસવાડીમાં ગણેશોત્સવની ધૂમ તૈયારી: સૌરાષ્ટ્રના કલાકારોએ કવાંટ રોડ પર બનાવી 80 અવનવી મૂર્તિઓ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ganesh Utsav Preparations In Naswadi Chhotaudepur: છોટા ઉદેપુર જિલ્લાના નસવાડીમાં ગણપતિ મહોત્સવને લઈને માટીના કલાકારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નસવાડીના કવાંટ રોડ ઉપર સૌરાષ્ટ્રથી આવેલા કારીગરો પરિવાર સાથે રાત-દિવસ મહેનત કરીને ગણપતિ બાપાની અવનવી ડિઝાઇનની મૂર્તિઓ તૈયાર કરી રહ્યા છે. આ વર્ષે સારો વરસાદ થતાં ગણપતિ સ્થાપના કરનારા પંડાલોની સંખ્યા વધવાની આશા સાથે મૂર્તિ બનાવતા કલાકારોને પણ સારા વેચાણની આશા જાગી છે.
નસવાડીમાં ગણેશોત્સવની ધૂમ તૈયારી
નસવાડીના કવાંટ રોડ ઉપર માટીના કલાકારો દ્વારા દિવસ-રાત મહેનત કરીને માટીને આકાર આપી ગણપતિ બાપાની ભવ્ય અને આકર્ષક મૂર્તિઓ તૈયાર કરવામાં આવી રહી છે. જેમાં કોઈ મૂર્તિને અવનવી ડિઝાઇન આપવામાં આવી રહી છે, તો કોઈ મૂર્તિને સુંદર રંગો અને આકર્ષક શણગારથી અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. કારીગરો દ્વારા અત્યાર સુધીમાં અંદાજે 70થી 80 જેટલી ગણપતિ બાપાની મૂર્તિઓ તૈયાર કરાઈ છે. હવે જેમ-જેમ ગણેશોત્સવ નજીક આવી રહ્યો છે, તેમ તેમ મૂર્તિઓને અંતિમ ઓપ આપવાની કામગીરી પણ તેજ બની છે.

સૌરાષ્ટ્રના કલાકારોએ કવાંટ રોડ પર બનાવી 80 અવનવી મૂર્તિઓ
નસવાડીના કવાંટ રોડ ઉપર ગણપતિ બાપાની મૂર્તિઓ બનાવતા આ કલાકારો માટે આ માત્ર રોજગાર નથી, પરંતુ તેમની કલા અને પરિવારની આજીવિકાનો આધાર પણ છે. રાત-દિવસ મહેનત કરીને તૈયાર કરાયેલી મૂર્તિઓનું સારું વેચાણ થાય અને આ વર્ષે મહેનતનું યોગ્ય વળતર મળે તેવી આશા આ કારીગર પરિવાર રાખી રહ્યો છે.

દર વર્ષે આ કલાકારો ગણપતિ બાપાની અનેક મૂર્તિઓ તૈયાર કરે છે, પરંતુ તમામ મૂર્તિઓનું વેચાણ થઈ જાય તેવું હંમેશા બનતું નથી. ઘણી વખત મૂર્તિઓ વેચાયા વગર રહી જાય છે અને તેના કારણે કારીગરોને આર્થિક નુકસાન પણ સહન કરવું પડે છે. પરંતુ આ પરિવાર હાર માનતો નથી. વેચાણ વગર રહી ગયેલી મૂર્તિઓને આખું વર્ષ સાચવી રાખવામાં આવે છે. ત્યારબાદ આગામી ગણેશોત્સવ પહેલાં ફરીથી મૂર્તિઓનું રંગરોગાન કરવામાં આવે છે, જરૂરી મરામત કરવામાં આવે છે અને તેને નવા સ્વરૂપમાં વેચાણ માટે તૈયાર કરવામાં આવે છે.

આ વર્ષે કારીગરોની આશા થોડી વધારે છે. કારણ કે જિલ્લામાં વરસાદ સારો પડ્યો છે અને ખેડૂતો સહિત સામાન્ય લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સારા વરસાદને કારણે ગણપતિ બાપાની સ્થાપના કરનારા પંડાલોની સંખ્યા વધશે અને મૂર્તિઓની માગ પણ વધશે તેવી કારીગરોને અપેક્ષા છે.










