Chhota Udaipur

છોટા ઉદેપુરના ચિલરવાંટમાં 'નલ સે જલ' યોજના કાગળ પર, લોકો પીવાના પાણી માટે મોતાજ

By GS Team
15 Oct 20262 mins read
TukuTouch Logo
છોટા ઉદેપુરના ચિલરવાંટ ગામે 'નલ સે જલ' યોજના કાગળ પર રહી છે. 100 જેટલી વસ્તી ધરાવતા દલિત સમાજના 50 પરિવારોને ભરચોમાસે પીવાના પાણીની વિકટ સમસ્યા સતાવી રહી છે. ગ્રામ પંચાયત પાણી વેરો વસૂલે છે, છતાં નળમાં એક ટીપું પણ પાણી આવતું નથી. ગ્રામજનો વધુ TDSવાળું પાણી પીવા મજબૂર છે. આક્રોશિત ગ્રામજનોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

છોટા ઉદેપુરના ચિલરવાંટમાં 'નલ સે જલ' યોજના કાગળ પર, લોકો પીવાના પાણી માટે મોતાજ

Chhota Udepur News: છોટા ઉદેપુર તાલુકાના ચિલરવાંટ ગામે ભરચોમાસે પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાતાં ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. સરકારી ચોપડે સફળ દર્શાવાતી 'નલ સે જલ' યોજનાની વાસ્તવિકતા આ ગામમાં તદ્દન વિપરીત જોવા મળી રહી છે. ગામમાં ઘરે-ઘરે નળ અને ટાંકીની સુવિધા તો ઊભી કરી દેવામાં આવી છે, પરંતુ આજદિન સુધી તેમાં એક ટીપું પણ પાણી ન પહોંચતાં 100 જેટલી વસ્તી ધરાવતા દલિત સમાજના 50 જેટલા પરિવારો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.

વેરો ભરણ છતાં વધુ TDS વાળું પાણી પીવા ગ્રામજનો મજબૂર

ચિલરવાંટ ગામના દલિત વાસના રહીશોના જણાવ્યાનુસાર, ગ્રામ પંચાયત દ્વારા દર વર્ષે નિયમિત રીતે પાણી વેરો વસૂલવામાં આવે છે, પરંતુ તેમ છતાં પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી પૂરું પાડવામાં આવતું નથી. પરિણામે મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને રોજિંદી જરૂરિયાત માટે ખાનગી બોરવેલ પર નિર્ભર રહેવું પડે છે. આ ખાનગી બોરના પાણીમાં ટીડીએસ (TDS)નું પ્રમાણ અત્યંત વધુ હોવાથી ગ્રામજનોમાં પથરી સહિતના ગંભીર રોગો થવાનો મોટો ભય સેવાઈ રહ્યો છે.

'નલ સે જલ' યોજના માત્ર કાગળ પર રહી

સ્થાનિકોનો ગંભીર આક્ષેપ છે કે ગામમાં સરપંચ ફળિયામાં મોટી પાણીની ટાંકી તો ઊભી કરી દેવાઈ છે, પરંતુ તેમાં પાણીનો પુરવઠો શરૂ જ કરવામાં આવ્યો નથી. પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ માત્ર સુવિધાના કામો પૂર્ણ થયાના પોકળ દાવાઓ કરીને સંતોષ માણી રહ્યા છે. યોજનાના નામે લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની શંકા વ્યક્ત કરીને ગ્રામજનોએ સમગ્ર કામગીરીની ઉચ્ચ સ્તરીય તપાસ કરવાની માંગ ઉઠાવી છે.

પાણીની ગંભીર કટોકટીથી કંટાળેલા ગ્રામજનોએ તંત્ર વિરુદ્ધ ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે વહીવટી તંત્રને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક ધોરણે ગામમાં પીવાના પાણીનો પુરવઠો રાબેતા મુજબ શરૂ કરવામાં નહીં આવે, તો આવનારા દિવસોમાં તમામ ગ્રામજનો એકઠા થઈને આંદોલનનો માર્ગ અપનાવશે.