Chhota Udaipur

છોટા ઉદેપુર પાલિકામાં પ્રમુખ પદ માટે સત્તાની ખેંચતાણ: કલેક્ટરના હુકમ બાદ 22 સપ્ટેમ્બરે વરણી, ભાજપના જ બે જૂથ આમને-સામને!

By GS Team
18 Sep 20262 mins read
TukuTouch Logo
છોટા ઉદેપુર નગરપાલિકાના પ્રમુખ પદ માટે સત્તાની ખેંચતાણ જોવા મળી રહી છે. અગાઉના પ્રમુખ મંજુલાબહેન કોળીનો જાતિનો દાખલો બોગસ નીકળતા પદ ખાલી પડ્યું હતું. જિલ્લા કલેક્ટરે સમય ફાળવતા ચીફ ઓફિસરને એજન્ડા બજાવવા સૂચના અપાઈ છે. ભાજપના બે જૂથો વચ્ચે સ્પર્ધા જામી છે. 22 સપ્ટેમ્બરે સવારે 11 વાગ્યે નગરપાલિકા હોલમાં નવા પ્રમુખની વરણી થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

છોટા ઉદેપુર પાલિકામાં પ્રમુખ પદ માટે સત્તાની ખેંચતાણ: કલેક્ટરના હુકમ બાદ 22 સપ્ટેમ્બરે વરણી, ભાજપના જ બે જૂથ આમને-સામને!

Chhota Udepur Nagarpalika President Election: છોટા ઉદેપુર નગરપાલિકાના પ્રમુખ પદની ચૂંટણી માટે જિલ્લા કલેક્ટર દ્વારા સમય ફાળવવામાં આવતાં નગરપાલિકામાં ફરી એક વખત સત્તાની ખેંચતાણ શરૂ થઈ છે. જિલ્લા કલેક્ટરે આગામી 22 સપ્ટેમ્બરના રોજ પ્રમુખ પદની વરણી માટે સમય આપતાં એજન્ડાની બજવણી માટે ચીફ ઓફિસરને કાર્યવાહી સોંપવામાં આવી છે. માત્ર ચાર દિવસના ટૂંકા સમયગાળામાં પ્રમુખ પદની ચૂંટણી યોજાવાની હોવાથી નગરપાલિકાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

છોટા ઉદેપુર નગરપાલિકામાં પ્રમુખ પદ માટે સત્તાની ખેંચતાણ

છોટા ઉદેપુર નગરપાલિકાના અગાઉના પ્રમુખ મંજુલાબહેન કોળીનો જાતિનો દાખલો બોગસ હોવાનું સામે આવ્યા બાદ તેમને પ્રમુખ પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારથી નગરપાલિકાના પ્રમુખનું પદ ખાલી છે. છેલ્લા કેટલાક સમયથી નગરપાલિકાના સભ્યો જિલ્લા કલેક્ટરના હુકમની રાહ જોઈ રહ્યા હતા.

કલેક્ટરના હુકમ બાદ ચાર દિવસમાં જ સામાન્ય સભા બોલાવાઈ

હવે જિલ્લા કલેક્ટરે આગામી 22 સપ્ટેમ્બરના મંગળવારના રોજ સવારે 11 વાગે નગરપાલિકાના હોલમાં પ્રમુખ પદની વરણી માટે સમય ફાળવ્યો છે. જેના પગલે સામાન્ય સભાના એજન્ડાની બજવણી માટે ચીફ ઓફિસરને કાર્યવાહી સોંપવામાં આવી છે અને નગરપાલિકાના તમામ સભ્યોને સામાન્ય સભામાં હાજર રહેવા માટે જાણ કરવામાં આવી છે. આ સામાન્ય સભામાં નગરપાલિકાના નવા પ્રમુખની વરણી કરવામાં આવશે.

ભાજપના બે જૂથો વચ્ચે સ્પર્ધા

પ્રમુખ પદને લઈને છોટા ઉદેપુર નગરપાલિકામાં હાલ ભાજપના બે જૂથો વચ્ચે સ્પર્ધા જોવા મળી રહી છે. બીજી તરફ, જિલ્લા ભાજપમાં પણ જૂથબંધી વચ્ચે પોતાના માનીતા ઉમેદવારને પ્રમુખ બનાવવાની કવાયત તેજ બની છે. ભાજપના એક જૂથ દ્વારા પોતાના સમર્થિત ઉમેદવારને પ્રમુખ બનાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે, જ્યારે બીજા જૂથ દ્વારા પણ પોતાના માનીતા ઉમેદવાર માટે રાજકીય દોડધામ શરૂ કરવામાં આવી છે.

છોટા ઉદેપુર નગરપાલિકામાં ભાજપ ઉપરાંત બહુજન સમાજ પાર્ટી, સમાજવાદી પાર્ટી તેમજ અપક્ષ સભ્યો પણ ચૂંટાઈ આવ્યા છે. ભાજપ પાસે સત્તા મેળવવા માટે જરૂરી સંખ્યા હોવાના સંજોગોમાં નગરપાલિકામાં સત્તા ભાજપના હાથમાં રહે તેવી સ્થિતિ છે, પરંતુ પ્રમુખ પદ પર કયા જૂથના ઉમેદવારની પસંદગી થાય છે તે મુદ્દે રાજકીય ધમાસાણ શરૂ થયું છે.

જાતિના દાખલા મામલે હજુ એક અન્ય સભ્ય સામે પણ કાર્યવાહી થવાની ચર્ચા

બીજી તરફ, નગરપાલિકામાં જાતિના દાખલાને લઈને હજુ એક અન્ય સભ્ય સામે પણ કાર્યવાહી થવાની ચર્ચા ચાલી રહી છે. જો સભ્યપદ ખાલી પડે તો આગામી દિવસોમાં ખાલી પડેલી બેઠકો માટેની ચૂંટણી પણ યોજાઈ શકે છે. આવી સ્થિતિમાં અનુસૂચિત જનજાતિ માટેના પ્રમુખ પદ પર ભાજપ કોને ઉમેદવાર બનાવે છે અને કયા જૂથના ઉમેદવારને સમર્થન મળે છે, તે બાબત હવે મહત્ત્વની બની છે. આગામી 22 સપ્ટેમ્બરની સામાન્ય સભા દરમિયાન પ્રમુખ પદની વરણી સાથે છોટા ઉદેપુર નગરપાલિકામાં નવી સત્તાની રચના અંગેનું ચિત્ર સ્પષ્ટ થશે.