Chhota Udaipur

ગાબડિયા સબ સેન્ટરના બોર્ડમાં છબરડો!, છોટા ઉદેપુરની જગ્યાએ કવાંટ તાલુકો લખાયો

By GS Team
15 Oct 20262 mins read
TukuTouch Logo
છોટાઉદેપુરના ગાબડિયા ગામના આરોગ્ય સબ સેન્ટરના બોર્ડમાં 2 વર્ષથી ગંભીર છબરડો સામે આવ્યો છે. છોટાઉદેપુર તાલુકામાં હોવા છતાં, બોર્ડ પર 'કવાંટ તાલુકો' લખાયેલું છે. હેડક્વાર્ટરથી માત્ર 3 કિલોમીટર દૂર હોવા છતાં, અધિકારીઓની બેદરકારી સ્પષ્ટ દેખાય છે. બ્લોક હેલ્થ ઓફિસરે 2 વર્ષથી વિઝિટ ન કરી હોવાનું જણાવી પ્રિન્ટિંગ ભૂલનો લૂલો બચાવ કર્યો, જેનાથી સ્થાનિકોમાં રોષ ફેલાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગાબડિયા સબ સેન્ટરના બોર્ડમાં છબરડો!, છોટા ઉદેપુરની જગ્યાએ કવાંટ તાલુકો લખાયો

Chhota Udepur News: છોટા ઉદેપુર તાલુકામાં આવેલા ગાબડિયા ગામના આરોગ્ય સબ સેન્ટરના બોર્ડમાં એક આશ્ચર્યજનક અને ગંભીર છબરડો સામે આવ્યો છે. ગાબડીયા ગામ વહીવટી રીતે છોટા ઉદેપુર તાલુકામાં આવેલું હોવા છતાં, અહીંના સબ સેન્ટરના સત્તાવાર બોર્ડ પર છેલ્લા બે વર્ષથી છોટા ઉદેપુરને બદલે 'કવાંટ તાલુકો' લખવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગની બેદરકારી દર્શાવતી આ ઘટનાથી સ્થાનિક સ્તરે ભારે ચર્ચા જાગી છે.

હેડક્વાર્ટરથી નજીક હોવા છતાં તંત્રની ઘોર બેદરકારી

ગાબડિયા ગામ છોટા ઉદેપુર મુખ્યાલય (હેડક્વાર્ટર)થી માત્ર ત્રણ કિલોમીટરના અંતરે જ આવેલું છે. જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા ગ્રામજનોને આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે અહીં સબ સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું છે, જ્યાં નિયમિતપણે કર્મચારીઓ બેસીને લોકોની સારવાર કરે છે. હેડક્વાર્ટરથી નજીક હોવાના કારણે અવારનવાર ઉચ્ચ અધિકારીઓની અવરજવર પણ રહે છે, તેમ છતાં છેલ્લા બે વર્ષથી બોર્ડ પર લખેલી આ મોટી ભૂલ કોઈની નજરે ન ચડવી કે સુધારવાનો પ્રયાસ ન થવો તે વહીવટી તંત્રની ગંભીર લાપરવાહી સાબિત કરે છે.

ખાસ કરીને, આ સબ સેન્ટરની બરાબર બાજુમાં જ ગ્રામ પંચાયતની કચેરી આવેલી છે, જેના પર સાચા અર્થમાં 'છોટાઉદેપુર તાલુકો' લખેલું છે. આમ, બાજુ-બાજુમાં જ આવેલી સરકારી કચેરીઓના બોર્ડ પર અલગ-અલગ તાલુકા દર્શાવેલા હોવા છતાં જવાબદાર અધિકારીઓ બેખબર રહ્યા છે.

બ્લોક હેલ્થ ઓફિસરનો લૂલો બચાવ

આ ગંભીર છબરડા અંગે જ્યારે બ્લોક હેલ્થ ઓફિસરનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે આશ્ચર્યજનક ખુલાસો કરતા જણાવ્યું હતું કે, 'છેલ્લાં બે વર્ષથી હું વિઝિટમાં ગયો નથી, સબ સેન્ટર બનાવતી વખતે પ્રિન્ટિંગમાં ભૂલ થઈ હોય તેવું લાગી રહ્યું છે.' જવાબદાર અધિકારીના આ પ્રકારના જવાબથી સ્થાનિક રહીશોમાં રોષની લાગણી ફેલાઈ છે અને લાંબો સમય વીતવા છતાં ગાબડીયા સબ સેન્ટરના આ ભૂલભરેલા બોર્ડને સુધારવામાં આવે તેવી લોકમાગ ઉઠી છે.